Spread the love

ઉત્તર પ્રદેશના સંભલ (Sambhal) માં વિવાદિત જામા મસ્જિદ પરિસરમાં સર્વે દરમિયાન ફાટી નીકળેલી હિંસા પર જબરદસ્ત રાજનીતિ ચાલી રહી છે. સમાજવાદી પાર્ટીનું 15 સભ્યોનું પ્રતિનિધિમંડળ આજે સંભલ જવા માંગે છે, પરંતુ વહીવટીતંત્રે તેને મંજૂરી આપી નથી. ડીએમના આદેશથી સંભલમાં કલમ 163 લાગુ કરવામાં આવી છે. આ પગલા પર સપા (SP) પ્રમુખ અખિલેશ યાદવે (Akhilesh Yadav) ભાજપ સરકાર પર યુપીમાં વહીવટના મુદ્દે નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો છે. અખિલેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ઉપર પોસ્ટ કરીને ઉત્તરપ્રદેશ પ્રશાસન પર આકરા પ્રહારો કર્યા છે.

અખિલેશ યાદવે ટ્વીટ કરીને કહ્યું કે, ‘પ્રતિબંધ લાદવો એ ભાજપ સરકારના શાસન, વહીવટ અને સરકારી મેનેજમેન્ટની નિષ્ફળતા છે. જો સરકારે રમખાણો કરવાનો વિચાર કરનારા અને ભડકાઉ સૂત્રોચ્ચાર કરનારાઓ પર પહેલેથી જ આવો પ્રતિબંધ લાદી દીધો હોત તો સંભલમાં સૌહાર્દ અને શાંતિનું વાતાવરણ ડહોળ્યું ન હોત. જે રીતે ભાજપ એકસાથે સમગ્ર કેબિનેટ બદલી નાખે છે, તેવી જ રીતે સંભલમાં ઉપરથી નીચે સુધીના સમગ્ર વહીવટી બોર્ડને સસ્પેન્ડ કરીને, તેમના પર ષડયંત્ર અને બેદરકારીનો આરોપ લગાવીને, ખરા આર્થમાં પગલાં લેવા જોઈએ, તેમને બરતરફ પણ કરવા જોઈએ અને કોઇનો જીવ લેવાનો કેસ પણ દાખલ કરવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે, સપાના રાજ્ય એકમના અધ્યક્ષ શ્યામ લાલ પાલે શુક્રવારે જણાવ્યું હતું કે પાર્ટીના વડા અખિલેશ યાદવના નિર્દેશો પર, પાર્ટીનું પ્રતિનિધિમંડળ શનિવારે સંભલ જશે અને ત્યાં હિંસા વિશે વિગતવાર માહિતી એકત્રિત કરીને પાર્ટી વડાને રિપોર્ટ સોંપશે. દરમિયાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાયે કહ્યું કે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ 2 ડિસેમ્બરે સંભલ કેસની માહિતી મેળવવા માટે ત્યાં જશે.

કોર્ટના આદેશ પર 19 નવેમ્બરે જામા મસ્જિદનો પ્રથમ સર્વે કરવામાં આવ્યો ત્યારથી સંભલમાં તણાવની સ્થિતિ છે. કોર્ટે આ આદેશ જે અરજી પર આપ્યો છે તેમાં દાવો કરવામાં આવ્યો છે કે જે જગ્યાએ જામા મસ્જિદ આવેલી છે ત્યાં પહેલા હરિહર મંદિર હતું. ગત 24 નવેમ્બરે મસ્જિદના ફરીથી સર્વે દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આ દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચેની અથડામણમાં ચાર લોકોના મોત થયા હતા અને 25 લોકો ઘાયલ થયા હતા.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *