Spread the love

પાણીની અછતથી દેશનો વિકાસ અટકી શકે છે, કારણ કે પાણી વિના કોઈ કામ થઈ શકતું નથી. ત્યારે પંજાબ-હરિયાણા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને કેરળમાં ભૂગર્ભ જળ ચિંતાજનક હદે ખૂબ જ ઝડપથી ઘટી રહ્યું છે.

દેશમાં ભૂગર્ભ જળ ઝડપથી ઘટી રહ્યું છે. તાજેતરમાં જાહેર કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દેશમાં 16% જગ્યાએ ભૂગર્ભ જળનું સ્તર ઘટી ગયું છે. આ ઘટાડો ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં સૌથી વધુ જોવા મળ્યો છે. છેલ્લા 20 વર્ષમાં ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં 64 બિલિયન ક્યુબિક મીટર પાણી ઘટ્યું છે. આ ઉપરાંત છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને કેરળમાં પણ પાણીનું સ્તર ઘટી ગયું છે.

આ માહિતી ‘ડિટેક્શન એન્ડ સોશિયો-ઈકોનોમિક એટ્રિબ્યુશન ઓફ ગ્રાઉન્ડ વોટર ડિપ્લીશન ઈન ઈન્ડિયા’ નામના અભ્યાસમાંથી પ્રાપ્ત થઈ છે. આ અભ્યાસ માટે 27,000 થી વધુ કુવાઓ, સેટેલાઇટ ઇમેજ અને કોમ્પ્યુટર મોડલના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

પાણીનું સ્તર કેવી રીતે માપવામાં આવ્યું?

આ અભ્યાસ દરમિયાન દરેક કૂવામાં પાણીનું સ્તર વર્ષમાં ચાર વખત માપવામાં આવતું હતું. અલગ-અલગ જગ્યાએ હવામાન અલગ-અલગ હોય છે, તેથી પાણીના સ્તરને માપવાનો સમય પણ અલગ-અલગ રાખવામાં આવ્યો હતો. વરસાદની ઋતુ શરુ થાય તે પહેલા એપ્રિલ/મે મહિનામાં, વરસાદની ઋતુ દરમિયાન વરસાદ પડે ત્યારે ઓગસ્ટ મહિના દરમિયાન, ત્યાર બાદ વરસાદ બંધ થઈ જાય ત્યારે નવેમ્બર અને જાન્યુઆરી મહિનામાં. જાન્યુઆરીમાં માપવામાં આવેલ સ્તર દર્શાવે છે કે રવિ પાક માટે કેટલું પાણી વપરાયું છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઘણી જગ્યાએ ભૂગર્ભ જળ ખૂબ જ ઝડપથી ઘટી રહ્યું છે.

IMD એ 2003 થી 2020 સુધી દરરોજ કેટલો વરસાદ પડ્યો તેનો ડેટા આપ્યો. ભૂગર્ભ જળની સ્થિતિ જાણવા માટે માત્ર કુવાઓની માહિતી પુરતી ન હતી તેથી આ અભ્યાસ દરમિયાન વરસાદ અને સેટેલાઇટમાંથી મળેલી માહિતીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં 6995 સ્થળોએ વરસાદ માપવામાં આવ્યો હતો. એક વિશિષ્ટ પદ્ધતિ જે શેફર્ડ્સ ઇન્ટરપોલેશન અલ્ગોરિધમ નામથી ઓળખાય છે તેનો ઉપયોગ કરીને સંપૂર્ણ વરસાદના નકશા બનાવવામાં આવ્યા હતા.

નાસા અને જર્મની દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવેલા GRACE અને GRACE-FO એ બે ઉપગ્રહો પૃથ્વીની આસપાસ ફરે છે અને પાણીના સ્તર પર નજર રાખે છે. આ ઉપગ્રહો આવ્યા દર મહિને સમગ્ર પૃથ્વીના જળ સ્તર વિશે માહિતી મોકલતા રહે છે. સેન્ટર ફોર સ્પેસ રિસર્ચ (CSR) એ આ અભ્યાસ માટે ઉપગ્રહ દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી પૂરી પાડી હતી. વરસાદ અને સેટેલાઇટથી મળેલી માહિતી પરથી ખબર પડી કે જમીનની નીચે પાણીના સ્તરમાં કેવી રીતે પરિવર્તન આવી રહ્યું છે.

કયા રાજ્યો પર જળ સંકટનું સંકટ તોળાઈ રહ્યું છે?

અભ્યાસમાં જણાવાયા મુજબ ભારતના 5 રાજ્યોમાં ભૂગર્ભ જળ ખૂબ જ ઝડપથી ઘટી રહ્યું છે. પંજાબ-હરિયાણા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને કેરળમાં આ ખતરો સૌથી વધુ છે. પંજાબ-હરિયાણાએ છેલ્લા 20 વર્ષમાં 64.6 બિલિયન ક્યુબિક મીટર પાણી ગુમાવ્યું છે જ્યારે ઉત્તર પ્રદેશમાં ભૂગર્ભ જળમાં 4%નો ઘટાડો થયો છે. પશ્ચિમ બંગાળમાં ઘરો અને કારખાનાઓમાં પાણીનો વપરાશ 24% વધ્યો છે. જેના કારણે ભૂગર્ભ જળમાં 3%નો ઘટાડો થયો છે. છત્તીસગઢમાં દરેક જગ્યાએ ભૂગર્ભ જળ ઘટી રહ્યું છે. કેરળમાં ભૂગર્ભ જળમાં 17% ઘટાડો થયો છે.

પંજાબ-હરિયાણામાં સૌથી વધુ પાણીની અછત

અભ્યાસમાં સામે આવ્યું છે કે પંજાબ-હરિયાણા સમગ્ર ભારતમાં સૌથી વધુ પાણીની તંગી અનુભવી રહ્યા છે. આમ તો આ વિસ્તાર પહેલાથી જ પાણીની તંગી માટે જાણીતો છે, પરંતુ હવે સ્થિતિ વધુ વણસી રહી છે. સેટેલાઇટ દર્શાવે છે કે આ વિસ્તારમાં પાણીનું સ્તર સતત ઘટી રહ્યું છે. વરસાદના આંકડા દર્શાવે છે કે અહીં વરસાદ પણ ઓછો થઈ રહ્યો છે અથવા વરસાદના પ્રમાણમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી.

વર્ષ 2000 અને 2015 ની વચ્ચે સિંચાઈવાળા વિસ્તારોમાં 8-10% નો ઘટાડો થયો છે. 2001 અને 2011 વચ્ચે અહીંની વસ્તીમાં 13-19%નો વધારો થયો છે. શહેરોમાં રહેતા લોકોની સંખ્યામાં 10-20%નો વધારો થયો છે. વર્ષ 2004 અને 2019 દરમિયાન ફેક્ટરીઓની સંખ્યા 69% થી 170% વધારો થયો છે. ખેતી, ઘરો અને કારખાનાઓમાં પાણીની માંગ ઘણી વધી ગઈ છે.

પંજાબ-હરિયાણામાં પાણીની તંગીના ઘણા કારણો છે. જેમાં સૌથી મોટુ કારણ એ છે કે આ વિસ્તારમાં મોટાભાગે ઘઉં અને ડાંગરની ખેતી કરવામાં આવે છે જેને પુષ્કળ પાણીની જરૂર પડે છે. બીજુ મહત્વનું કારણ એ છે કે ખેડૂતોને મફત વીજળી મળે છે જેના કારણે તેઓ વધુ પાણી ઉલેચી રહ્યા છે.

ઉત્તર પ્રદેશમાં પણ પાણીની કટોકટી વધુ ઘેરી બની

પંજાબ-હરિયાણામાં જ નહીં પરંતુ ઉત્તર પ્રદેશમાં પણ ભૂગર્ભ જળ ચિંતાજનક રીતે ઘટી રહ્યું છે. અભ્યાસ દર્શાવે છે કે જ્યાં 20 કરોડથી વધુ લોકો રહે છે એવા ઉત્તર પ્રદેશમાં પણ પાણીનું સ્તર ઘટી રહ્યું છે.

ઉત્તર પ્રદેશમાં વર્ષ 2000 અને 2015 ની વચ્ચે સિંચાઈવાળા વિસ્તારોમાં 3% થી વધુનો વધારો થયો છે. વર્ષ 2001 અને 2011 દરમિયાન વસ્તીમાં 20% થી વધુનો વધારો થયો છે જ્યારે શહેરીકરણ પણ મોટો ભાગ ભજવતુ હોય તેવા આંકડા જણાય છે જેમકે શહેરોમાં રહેતા લોકોની સંખ્યામાં 7%નો વધારો થયો છે. વર્ષ 2004 અને 2019 ની વચ્ચે ફેક્ટરીઓની સંખ્યામાં 65% થી વધુનો વધારો થયો છે. પરિણામે ખેતી, ઘરો અને કારખાનાઓમાં પાણીની માંગ ઘણી વધી ગઈ છે.

પશ્ચિમ બંગાળમાં તોળાઈ રહ્યું છે પાણીનું સંકટ

અભ્યાસ દર્શાવે છે કે જ્યાં ડાંગરની મોટાપાયે ખેતી થાય છે એવા પશ્ચિમ બંગાળમાં પાણીનું ગંભીર સ્તરે ઘટી રહ્યું છે. વર્ષ 2000 અને 2015 ની વચ્ચે સિંચાઈવાળા વિસ્તારોમાં 16% થી વધુનો વધારો થયો છે. વર્ષ 2001 અને 2011 ની વચ્ચે પશ્ચિમ બન્ગાળની વસ્તીમાં 13% થી વધુનો વધારો થયો છે, શહેરોમાં રહેતા લોકોની સંખ્યામાં 14%નો વધારો થયો છે. વર્ષ 2004 અને 2019 ની વચ્ચે ફેક્ટરીઓની સંખ્યામાં 54% થી વધુનો વધારો થયો છે. આશ્ચર્યજનક રીતે ખેતી માટે પાણીની માંગમાં બહુ ફેરફાર થયો નથી, પરંતુ ઘરો અને કારખાનાઓમાં પાણીનો ઉપયોગ 24% વધ્યો છે.

છત્તીસગઢમાં જળ સંકટ

છત્તીસગઢ તેના કુદરતી સંસાધનો અને ખાણો માટે જાણીતું છે પરંતુ અહીં પણ પાણીની તંગી મોટી સમસ્યા બની રહી છે. છત્તીસગઢમાં વર્ષ 2000 અને 2015 દરમિયાન સિંચાઈવાળા વિસ્તારોમાં 18% થી વધુ ઘટાડો થયો છે. વર્ષ 2001 અને 2011 ની વચ્ચે અહીંની વસ્તીમાં 22% થી વધુનો વધારો થયો છે. છત્તીસગઢમાં શહેરીકરણ અને ઔદ્યોગીકરણ વધી રહ્યું છે. શહેરોમાં વસતા લોકોની સંખ્યામાં 16%નો વધારો થયો છે અને વર્ષ 2004 અને 2019 ની વચ્ચે ફેક્ટરીઓની સંખ્યામાં અધધ 166% થી વધુનો વધારો થયો છે.

છત્તીસગઢમાં કારખાનાઓ વિપુલ પ્રમાણમાં છે અને નવી ફેક્ટરીઓ શરૂ થવાને કારણે પાણીની માંગ ઘણી વધી ગઈ છે. સિંચાઈ માટે પણ પુષ્કળ પાણી વપરાય છે. ખાણોમાં પણ પુષ્કળ પાણી વપરાય છે. આ પાણીની અછતનું પ્રમુખ કારણ છે.ઢ છતાં પાણીની અછત!

વર્ષાઋતુના પ્રવેશ દ્વારા અને અખુટ વરસાદ ધરાવતા કેરળમાં જળસંકટ

કેરળમાં ઘણો વરસાદ પડતો હોય છે તેમ છતાં ત્યાંનું ભૂગર્ભ જળ ઘટી રહ્યું છે. કેરળમાં વર્ષ 2000 થી 2015 દરમિયાન સિંચાઈવાળા વિસ્તારોમાં 16% નો વધારો થયો છે. વર્ષ 2001 થી 2011 વચ્ચે અહીંની વસ્તીમાં 5%નો વધારો થયો છે. જોકે કદાચિત કેરળમાં શહેરીકરણનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે, શહેરોમાં રહેતા લોકોની સંખ્યામાં 83%નો વધારો થયો છે.

વર્ષ 2004 થી 2019 વચ્ચે ફેક્ટરીઓની સંખ્યામાં 40% થી વધુનો વધારો થયો છે. અહિં પણ આશ્ચર્યજનક રીતે ખેતી માટે પાણીની માંગમાં 36% ઘટાડો થયો છે, પરંતુ ઘરો અને કારખાનાઓમાં પાણીનો ઉપયોગ 34% વધ્યો છે.

કેરળના શહેરોમાં પાણીની જરૂરિયાત ઘણી વધારે જોવા મળી રહી છે. કારખાનાઓમાં પણ પાણીનો પુષ્કળ ઉપયોગ થાય છે. આ ઉપરાંત કેરળમાં નદીઓમાંથી રેતી કાઢવાને કારણ ભૂગર્ભ જળ પણ ઘટી રહ્યું છે.

જળસંકટ માટે જવાબદાર કોણ?

અગાઉના અભ્યાસો દર્શાવે છે કે ખેતી માટે પાણીના વધુ પડતા ઉપયોગને કારણે પાણી ઘટી રહ્યું છે. પરંતુ આ નવા અભ્યાસમાં જુદી-જુદી જગ્યાએ પાણી ઘટવાના જુદા-જુદા કારણો જોવ મળ્યા છે. પંજાબ-હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં જળસંકટનું કારણ વધતી જતી વસ્તી, અમર્યાદ શહેરીકરણ અને સરકારની નીતિઓમાં ફેરફાર છે.

કેરળ અને પશ્ચિમ બંગાળમાં સ્થિતિ થોડી વિચિત્ર જણાય છે કારણ કે અહિં ખેતી માટે પાણીનો ઉપયોગ ઓછો થયો છે અથવા તેમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી તેમ છતાં પાણી ઘટી રહ્યું છે અને તેનું કારણ અહીં શહેરોનો ખૂબ જ ઝડપથી વધી રહેલો વિકાસ છે. ઉપરાંત પુષ્કળ પાણીનો ઉપયોગ કરે છે એવા નવા કારખાનાઓ ખુલી રહ્યા છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *