Spread the love

તા. 21 જુલાઈ 1986ના રોજ એન. ચંદ્રાના ડિરેક્શન હેઠળ નાના પાટેકર, નિશાસિંઘ, મદન જૈન, અર્જુન ચક્રબર્થી, મહાવીર શાહ, રાજા બૂંદેલા, આશાલતા અને સુહાસ પલશીકર જેવા તે સમયના અજાણ્યા અને નવોદિત કલાકારો અભિનિત ડ્રામા ફિલ્મ ‘અંકુશ’ રિલીઝ થઈ હતી. ફિલ્મનું સંગીત કુલદીપસિંઘે આપ્યું હતું. ફિલ્મની લંબાઈ 2 કલાક અને 29 મિનિટની હતી જ્યારે IMDB રેટિંગ 7.6* છે.


અણધારેલી સફળતા


‘અંકુશ’ 1986ના વર્ષની સરપ્રાઈઝ હિટ ફિલ્મ હતી. જેનું બજેટ રૂ. 13 લાખ હતું જ્યારે ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શન રૂ. 95 લાખ થયું હતું.


મુંબઈની કાપડ મિલોની હડતાળોએ હજારો યુવાનોને બેકાર બનાવ્યા


1985-86ના ગાળામાં મુંબઈની કાપડ મિલોમાં કુખ્યાત હડતાળો પડતાં હજારો યુવાનો બેકાર બની ગયા હતાં. ‘અંકુશ’ ના પ્લોટમાં આ બાબતને હાઈલાઈટ કરવામાં આવી હતી.


પ્રોડ્યુસરે ‘અંકુશ’ પૂરી કરવા ઘર વેચવાની નોબત આવી હતી


‘અંકુશ’ ના પ્રોડ્યુસર સુભાષ દુર્ગારકરે ફિલ્મ પૂરી કરવા પોતાનું ઘર વેચવાની પણ નોબત આવી હતી.


એન. ચંદ્રાની ડિરેક્ટર તરીકે પહેલી ફિલ્મ હતી.


1986ની ‘અંકુશ’ સહિત એન. ચંદ્રાએ 1987માં ‘પ્રતિઘાત’ અને 1988માં ‘તેઝાબ’ એમ સતત 3 વર્ષમાં 3 સુપરહિટ ફિલ્મો આપી હતી.


એન. ચંદ્રાએ નાણાંની જોગવાઈ માટે ઘરેણાં અને ઘર વેચવા પડ્યા




નાણાંકીય તકલીફોના લીધે ડિરેક્ટર એન. ચંદ્રાએ ‘અંકુશ’ પૂર્ણ કરતાં સુધીમાં પોતાની પત્ની અને બહેનના ઘરેણાં તેમજ પોતાનું ઘર પણ વેચવું પડ્યું હતું.


‘અંકુશ’ ગુલઝારની 1971માં આવેલી ફિલ્મ ‘મેરે અપને’ થી પ્રભાવિત હતી. નાના પાટેકરનું રવિન્દ્રનું કેરેક્ટર ‘મેરે અપને’ ના વિનોદ ખન્નાના કેટેક્ટર ઉપર આધારિત હતું.


અન્યને ધ્યાનમાં રાખીને લખાયેલું કેરેક્ટર સંજોગોએ નાનાની ઝોળીમાં નાંખ્યું


‘અંકુશ’ નું લીડ કેટેક્ટર મરાઠી ફિલ્મોના વિનોદ ખન્ના કહેવાતા પ્રખ્યાત અભિનેતા રવિન્દ્ર મહાજનીને ધ્યાનમાં રાખીને જ લખવામાં આવ્યું હતું અને પહેલાં તેમને જ આ રોલની ઓફર કરાઈ હતી. પણ તેમને પોતાની ફી રૂ. 25,000 માંગતા લો બજેટની ફિલ્મ માટે તે અશક્ય હતું. જેથી નાના પાટેકરને લેવામાં આવ્યો હતો.


નાના પાટેકરને સાઈનિંગ એમાઉન્ટ તરીકે રૂ. 3000 મળ્યા હતાં. ફિલ્મ વેચાયા બાદ તેને બીજા રૂ. 7000 આપવામાં આવ્યા હતાં.


નાના પાટેકરે ઘર મોર્ગેજ કરવું પડ્યું


નાના પાટેકરે પોતાના ઘરનું રૂ. 2 લાખમાં મોર્ગેજ કરી ફિલ્મ મેકરને નાણાંકીય સહાય કરી હતી.


‘અંકુશ’ ને અણધારી સફળતા મળતાં એન. ચંદ્રાએ નાનાને તેના પૈસા પાછા આપ્યા હતાં અને તેનું ઘર મોર્ગેજમાંથી છોડાવ્યું હતું. ઉપરાંત, તે જમાનામાં સ્ટેટસ સિમ્બોલ મનાતું સ્કૂટર પણ ભેંટ આપ્યું હતું.


લાંબા સંઘર્ષ બાદ નાનાની નોંધ લેવાતી થઈ




નાના પાટેકર પહેલાં મરાઠી ફિલ્મોમાં સંઘર્ષ કરતો હતો અને પૂણેમાં રહેતો હતો. ‘અંકુશ’ માં કામ કરવા તે 1984માં પૂણે છોડી મુંબઈ આવી ગયો હતો.


‘અંકુશ’ થી હિન્દી ફિલ્મોમાં નાના પાટેકરની નોંધ લેવાતી થઈ હતી.


‘ઈતની શક્તિ હમે દેના દાતા’ ભક્તિ ગીતોમાં શિરમોર બન્યું


‘અંકુશ’ નું એક ગીત ‘ઈતની શક્તિ હમે દેના દાતા’ (પૂર્ણિમા- પુષ્પા પગધરે) બોલિવુડના ભક્તિ ગીતોમાં આજેપણ શિરમોર ગણાય છે. આજેપણ ભારતની ઘણી બેંકોમાં આ ગીત ગાયા બાદ કામગીરીનો પ્રારંભ થાય છે.


તત્કાલીન રાજકીય ‘અંકુશ’


‘અંકુશ’ રિલીઝ થઈ ત્યારે 21 જુલાઈ 1986ના દિવસે જ્ઞાની ઝૈલસિંહ દેશના રાષ્ટ્રપતિ અને રાજીવ ગાંધી દેશના વડાપ્રધાન હતાં જયારે રામકૃષ્ણ ત્રિવેદી ગુજરાતના રાજ્યપાલ અને અમરસિંહ ચૌધરી ગુજરાતના મુખ્યમંત્રી હતાં.



Spread the love