Spread the love

  • શરદ પવારની એનસીપીમાં ભંગાણ
  • અજિત પવારનો બળવો
  • ભાજપ-શિવસેના સરકારમાં બન્યા નાયબ મુખ્યમંત્રી

એનસીપીમાં ભંગાણ, અજિત પવારે કર્યો બળવો

મહારાષ્ટ્રના રાજકારણમાં રવિવારે અચાનક મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી હતી. શરદ પવારના ભત્રીજા અને વિપક્ષના નેતા અજિત પવારે પાર્ટી સામે બળવો પોકાર્યો હતો અને મહારાષ્ટ્ર સરકારમાં જોડાયા છે. અજિત પવાર તેમના કેટલાક સમર્થક ધારાસભ્યો સાથે સીધા રાજભવન પહોંચ્યા હતા અને મંત્રી તરીકે શપથ લીધા. ભાજપ શિવસેના ગઠબંધન સરકારમાં અજિત પવાર જોડાતાં તેમને રાજ્યના ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. શપથવિધિ દરમિયાન સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ હાજર છે.

8 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા

શરદ પવારની રાજકીય પાર્ટી એનસીપીમાં આજે બળવો થયો હતો અને શરદ પવારના ભત્રીજા અજિત પવાર 8 ધારાસભ્યો છગન ભુજબળ, ધનંજય મુંડે, અનિલ પાટીલ, દિલીપ વલસે પાટીલ, ધર્મરાવ આત્રામ, સુનિલ વલસાડ, અદિતિ તટકરે અને હસન મુશરફ સાથે બપોરે 2 વાગ્યે રાજભવન પહોંચ્યા હતા, સૌને લગભગ 3 વાગ્યે પદ અને ગોપનીયતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. વિશ્વસનીય સૂત્રોને આધારે જાણવા મળી રહ્યું છે કે અજિત પવાર સાથે 40 ધારાસભ્યો છે અને તે ટૂંક સમયમાં સામે આવશે. અજિત પવારે કરેલી પત્રકાર પરિષદમાં પ્રફુલ્લ પટેલની ઉપસ્થિતિ જોવા મળી હતી.

એનસીપીમાં બધુ બરાબર નહોતું એક વર્ષથી

લગભગ એક વર્ષથી NCPમાં બધું બરાબર નથી. ખુલ્લેઆમ નહીં, પરંતુ શરદ પવારની પીઠ પાછળ અજિત પવારે પાર્ટી લાઇનથી અલગ સ્ટેન્ડ લઈને ઘણી વખત ભાજપને સમર્થન આપવાની વાત કરી હતી. શરદ પવારે ભૂતકાળમાં તેમની નિવૃત્તિની જાહેરાત કરીને બધું ઠીક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એનાથી પાર્ટી શરદ પવાર સાથે છે એવું ચિત્ર ઊભું થયું હતું અને શરદ પવાર જ એકમેવ નેતા છે એવી હવા ઊભી થઈ હતી પરંતુ જ્યારે પહેલીવાર 2 મેના રોજ શરદ પવારે એનસીપીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું, ત્યારે એવી સંભાવના હતી કે અજિત પવારને પાર્ટીની બાગડોર સોંપવામાં આવી શકે છે. જ્યારે પાર્ટીના નેતાઓ અને સમર્થકોએ શરદ પવારના નિર્ણયનો વિરોધ કર્યો ત્યારે અજિતે ખુલ્લેઆમ કહ્યું હતું કે આ વિરોધથી કંઈ જ નહીં મળે. બીજી ઘટના પાર્ટી સંગઠનમાં તાજેતરમાં થયેલા ફેરબદલ સાથે સંબંધિત છે. શરદ પવારે પાર્ટીના 25માં સ્થાપના દિવસના રોજ 10 જૂન પુત્રી સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સહિત વિવિધ રાજ્યોની જવાબદારી સોંપી હતી. આ જાહેરાત બાદ અજિત પવાર નિર્ણયથી નારાજ છે એવા સમાચાર આવતા રહ્યા હતા. જોકે, અજિત પવારે આ વાતને નકારી કાઢી હતી. શરદ પવારે એમ પણ કહ્યું કે અજિત પહેલાથી જ વિપક્ષના નેતા તરીકે મોટી જવાબદારી નિભાવી રહ્યા છે અને તેઓ રાજ્યમાં પાર્ટી જોશે.

કોંગ્રેસના સમર્થનના વિરોધમાં થયો બળવો ?

વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર એનસીપીના મોટા ભાગના નેતાઓ નથી ઈચ્છતા કે એનસીપી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સાથે રહીને ચૂંટણી લડે. આ સ્થિતિમાં અજિત પવારનો બળવો કરવાનો સંકેત મળતા જ પાર્ટીના નેતાઓ કોંગ્રેસને રોકવાની ક્ષમતા ધરાવતા ભાજપને સમર્થન આપવા તૈયાર થઈ ગયા એવું માનવામાં આવી રહ્યું છે એટલું જ નહીં, આ બધું એટલું ઝડપથી થયું કે શરદ પવારની છાવણીને પણ પાર્ટીમાં જ તેના વિશે કોઈ ગંધ સુદ્ધાં નથી આવી શકી. આ ઉપરાંત તાજેતરમાં પટનામાં યોજાયેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં લાલુ યાદવે રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા જેના ઘણા રાજકીય અર્થો પણ કાઢવામાં આવ્યા એમાંનો એક અર્થ એવો હતો કે લાલુ યાદવે વિપક્ષનું નેતૃત્વ કરવા માટે રાહુલ ગાંધીને આશીર્વાદ આપ્યા છે. આ અર્થને ધ્યાનમાં લેતા રાહુલ ગાંધી આગામી લોકસભા ચૂંટણીમાં માત્ર વિપક્ષનો ચહેરો જ નહીં પરંતુ વડાપ્રધાન પદના દાવેદાર પણ બની શકે છે. મહારાષ્ટ્રમાં એનસીપીના તમામ નેતાઓએ જે કોંગ્રેસ સાથે લોકસભા ચુંટણીમાં જોડાણ કરવાના વિરોધી છે તેમણે પણ લાલુના નિવેદનનો આ જ અર્થ કાઢ્યો એવું પ્રથમ દ્રષ્ટિએ દેખાય છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.