ભારતના ભાગલાની ભીતરમાં : ભાગ 28
ભારતના ભાગલા કેવી રીતે થયા ?
ભાગલા માટે કોણ જવાબદાર ?
કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે https://devlipinews.com/ પર વાંચો.
ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોર મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો..
વાંચો લેખમાળાનું પ્રકરણ 28
અંગ્રેજોએ ભારતને ખંડ ખંડમાં
વહેંચવાની જાળ બીછાવી
ઓગસ્ટ, 1919માં બંધારણીય સુધારાઓની જાહેરાત કરવામાં આવી, એમાં મુસ્લિમ પ્રતિનિધિત્વ અંગેની લખનૌ કરારની બધી જ મહત્વપૂર્ણ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
પરંતુ ઉલ્લેખનીય છે કે ભારતીય રાજકારણમાં અલગતવાદના વિષબીજ વાવતી વખતે પણ મૉન્ટેગ્યૂ અને ચેમ્સફોર્ડ અહેવાલમાં ત્રણ અનુચ્છેદ એવા હતા કે જેમાં જણાવવામાં આવ્યું હતું કે સાંપ્રદાયિક મતદાર-મંડળોની યોજનામાં ક્યાં ક્યાં ભયસ્થાનો રહેલાં છે. અનુચ્છેદ – ‘તે (સાંપ્રદાયિક મતદાર-મંડળ ) ઇતિહાસના બોધપાઠની વિરુદ્ધ છે’ હેઠળ અહેવાલમાં કહેવાયું છે : ‘કેટલાક લોકોનો વિચાર છે કે ભારત જેવા દેશના લોકો માટે,જેઓ સંપ્રદાય, જાતિ-પેટાજાતિના આધારે એટલા બધા વહેંચાયેલા છે કે તેઓ પોતાના જ વર્ગ સિવાય અને અન્ય કોઈના હિતની વાત વિચારી જ શકતા નથી. સાંપ્રદાયિક અને વર્ગ-પ્રતિનિધિત્વની પદ્ધતિ માત્ર અનિવાર્ય જ નહીં, પરંતુ વાસ્તવમાં શ્રેષ્ઠ છે… નિર્વિવાદ રૂપે અમારો એ નિષ્કર્ષ છે કે જે દેશોએ સ્વશાસનને વિકસાવ્યું છે અને વિશ્વભરમાં ફેલાવ્યું, એના ઇતિહાસ ચોકકસપણે એમ કહે છે કોઈ ભાગલાવાદી નિષ્ઠાને રાજ્ય દ્વારા માન્યતા આપવી જોઈએ નહીં. રાજ્ય પોતાના સભ્યો માટે એવી વ્યવસ્થા ના કરે જે એમને એ વાત માટે ઉતેજે કે તેઓ પોતાને મુખ્ય કરતાં ગૌણ દરજ્જાના નાગરિક સમજે’. આગળના અનુચ્છેદ: ‘તે વર્ગભેદને પુષ્ટ કરે છે’ હેઠળ અહેવાલમાં કહેવાયું છે: ‘સંપ્રદાય અને વર્ગના આધારે વિભાજનનો અર્થ છે – જે એકબીજાના વિરોધમાં આયોજિત કરવામાં આવી હોય એવી રાજકીય છાવણીઓની રચના, વ્યક્તિઓને આંધળી ભક્તિ શીખવે છે, નાગરિકતા નહીં. અને, કેવી રીતે આ પદ્ધતિને બદલીને રાષ્ટ્રીય પ્રતિનિધિત્વનું સ્વરૂપ આપી શકાશે એ કહેવું મુશ્કેલ છે.
બ્રિટિશ સરકાર પર હંમેશાં આરોપ મૂકવામાં આવેછે કે તે લોકો પર રાજ કરવા માટે એમનામાં ભાગલા પડાવે છે. તે બિનજરૂરી રીતે એમને એ સમયે જુદા પાડે છે જ્યારે તે સ્વયં એમને સ્વરાજ્યના માર્ગે આગળ ધપાવવા માટે કહે છે તો એમના માટે એ આરોપનું ખંડન કરવું મુશ્કેલ બનશે કે તે પાખંડી અને ટૂંકી દ્રષ્ટિના છે.’
ત્રીજા અનિચ્છેદ: ‘તે વર્તમાન સંબધોને રૂઢિગત બનાવે છે’હેઠળ કહેવામાં આવ્યું છે: ‘જે લઘુમતી વર્ગને એમની દુર્બળ અને પછાત સ્થિતિને કારણે વિશેષ પ્રતિનિધિત્વ આપવામાં આવે છે, એને ચોક્કસ જ નિશ્ચિત સુરક્ષાના પારણામાં પડ્યા રહેવા માટે પ્રોત્સાહન મળે છે. એ વાતની એમને કોઈ તમન્ના રહેતી નથી કે તેઓ પોતાને શિક્ષિત કરે અને એટલી યોગ્યતા મેળવે કે તેઓ પોતાનાથી સશક્ત બહુમતિની સમકક્ષ પહોંચાડવાનો પ્રયત્ન કરે, બીજી બાજુ સશક્ત બહુમતી એવું વિચારવા બાધ્ય થશે કે એણેપોતાનાથી દુર્બળ દેશવાસીઓ માટે જે કંઈ કરવાનું હતું એ કરી દીધું છે અને હવે એણે એ વાતે છૂટ છે કે તેઓ પોતાની શક્તિ સ્વાર્થ પૂરો કરવામાં લગાવે. એમાં એવા આદાન-પ્રદાનનો તદ્દન અભાવ છે કે જે રાજકીય જીવનનું સારત્વ છે.’
અંતે અહેવાલમાં કહેવાયું છે : ‘સાંપ્રદાયિક મતદાર-મંડળોની કોઈ પણ પદ્ધતિને આપણે સ્વરાજ્યના સિદ્ધાંતની પ્રગતિમાં એક અતિ ગંભીર અડચણ માનીએ છીએ. આ પદ્ધતિના વ્યાપના દોષોથી આપણે સૌ પરિચિત છીએ.’
પરંતુ, બે-ચાર વાક્યો પછી અહેવાલના પાખંડનો ભાંડો ફૂટી જાય છે. એમાં પ્રસંશા કરવામાં આવી છે કે ન કેવળ મુસાલમાનો માટે, શીખો માટે પણ સાંપ્રદાયિક મતદાર-મંડળ પદ્ધતિ ચાલુ રાખવી જોઇએ: ‘સાથે જ આપણે કઠોર વાસ્તવિકતાઓથી મોં ફેરવી શકીએ નહીં. મુસલમાનોને અલગ મતદાર-મંડળવાળું પ્રતિનિધિત્વ 1909માં આપવામાં આવ્યું હતું. બંને સમુદાયોના રાજકીય નેતાઓ વચ્ચે થયેલા વર્તમાન કરારમાં હિન્દુઓની મૌન સહમતી સમાયેલી છે.
મુસલમાન એને નિર્ણાયક બાબત માને છે.
હવે જો પાછળ ખસવાનો (મુસલમાનોને વિશેષ અધિકારો આપવા બાબતે) પ્રયત્ન થયો તો વિરોધનું વાવાઝોડું ફૂંકાશે. એમણે આપણાં મુશ્કેલ સમયમાં અપૂર્વ નિષ્ઠા દર્શાવી હતી, એનાથી એ સમુદાયની નિષ્ઠા પણ શંકાના દાયરામાં આવી શકે છે. આપણે જાણીએ છીએ કે એમને આ બાબતની ભારે શંકા છે કે લોકપ્રિય શાસનપદ્ધતિ એમના માટે લાભદાયી રહેશે કે નહીં. જ્યાં સુધી આપણે વચનથી મુક્ત નહીં થઈએ, આપણે તેનું પાલન કરવું પડશે અને આ સમુદાયને નવી પરિષદોમાં યોગ્ય પ્રતિનિધિત્વ પ્રાપ્ત થાય એનું આપણે ધ્યાન રાખવું પડશે. એમને આપણે કયા મોઢે કહીએ કે 1909નો નિર્ણય એક ભૂલ હતી અને તે આપણને જવાબદાર સરકારની દિશામાં આગળ વધતાં રોકે છે તેમજ એ કરાર દૂર કરવામાં જ એમનું હિત સમાયેલું છે. આપણને પૂર્ણ વિશ્વાસ છે કે જ્યાં સુધી મુસલમાનોનો સંબધ છે, જ્યાં સુધી પરિસ્થિતિઓ બદલાય નહીં ત્યાં સુધી દરેક સ્તરે વર્તમાન પદ્ધતિ અનુસાર ચાલવું જોઇએ. ભલે પછી સમાન નાગરિકતાનું લક્ષ્ય પામવામાં ધીમી પ્રગતિ થાય. પરંતુ મુસ્લિમ બહુમતિવાળા પ્રાંતોમાં મુસલમાનો માટે સાંપ્રદાયિક પ્રતિનિધિત્વની પદ્ધતિ લાગુ કરવામાં અમને કોઈ ઔચિત્ય દેખાતું નથી.’
પરંતુ, જેમ કે આપણે જોઈશું, 1932ના સાંપ્રદાયિક ચુકાદામાં આ શરત પણ હટાવી દેવામાં આવી. મુસ્લિમ બહુમતિવાળા પ્રદેશોમાં પણ અલગ મતદાર-મંડળોની રચના કરવામાં આવી.
અહેવાલમાં આવી બેમોંઢાની વાત શીખો માટે પણ કહેવામાં આવી : ‘સાંપ્રદાયિક પદ્ધતિના આડેધડ વિસ્તારથી બીજી પણ વધુ માંગણીઓને ઉત્તેજન મળશે, અમારો ચોક્કસપણે એવો મત છે કે આ રાષ્ટ્રીયતાનાે આધાર પ્રતિનિધિત્વના વિકાસ માટે ઘાતક બનશે. અમારા મત પ્રમાણે રાષ્ટ્રીય આધારે જ જવાબદાર શાસન પદ્ધતિનું ભવન ઊભું કરી શકાય એમ છે. સાથે જ, અમારો મત એવો છે કે એક સમુદાય એવો છે, જેને સુવિધાથી વંચિત કરી દેવો આનંદદાયક નહીં રહે. પંજાબમાં શીખ અનોખા અને મહત્વપૂર્ણ લોકો છે, તેઓ ભારતીય સેનાને વીર અને લડાયક સૈનિકો પૂરા પાડે છે, પરંતુ તેઓ લઘુમતિમાં છે. અનુભવ એવો રહ્યો
છે કે તેઓ પ્રતિનિધિત્વ વગરના રહી જાય છે. આથી અમારો પ્રસ્તાવ છે કે એમના માટે પણ મુસલમાનો જેવી પદ્ધતિ લાગુ કરવી જોઇએ.’ (રિપોર્ટ ઑન ઇંડિયન કન્સ્ટીટ્યૂશનલ રીફોર્મ્સ, 1918 પૃ. 148 – 50)
અહેવાલ માત્ર આટલેથી જ અટકતો નથી. એમાં ભારતીયોમાં હજુ વધુ ભાગલા કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. એમાં કહેવામાં આવ્યું છે કે યુરોપિયનો, એંગ્લો ઇન્ડિયાનો અને ભારતીય ખ્રિસ્તીઓને પસંદગીના ધોરણે સાંપ્રદાયિક પ્રતિનિધિત્વ આપવું જોઇએ. મદ્રાસ અને મુંબઈમાં બિનમુસ્લિમ સ્થાનોનો એક ચોક્કસ ભાગમાં બ્રાહ્મણેતર લોકો અને મરાઠાઓ માટે અમાનત રાખવામા આવ્યો.
