Spread the love

ભારતના ભાગલાની ભીતરમાં : ભાગ 27


ભારતના ભાગલા કેવી રીતે થયા ?


ભાગલા માટે કોણ જવાબદાર ?


કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?


સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે https://devlipinews.com/ પર વાંચો.

ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોર મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો..

વાંચો લેખમાળાનું પ્રકરણ 27


• લખનૌ કરાર કોન્ગ્રેસનું આતમઘાતી પગલું



કૉંગ્રેસના બધા જ ટોચના નેતાઓમાં એક માત્ર પંડિત માલવીયએ જ લખનૌ કરારનો વિરોધ કર્યો. ટિળક જેવા ય અંગ્રેજોએ બિછાવેલી હિન્દુ-મુસ્લિમ એકતાની જાળમાં સપડાઇ ગયા. એમણે પણ મુસ્લિમોને જે માંગે એ આપવાની તૈયારી કરી લીધી.

લખનૌ કરારને કારણે અંગ્રેજો અને કોંગ્રેસમાં સ્પર્ધા જામી કે કોણ વધુ ને વધુ લાભ આપી મુસલમાનોને પોતાના પક્ષે લાવી શકે એમ છે. અંગ્રેજો એક પગલું ભારે તો કોંગ્રેસ બે પગલાં આગળ વધતી હતી, અંગ્રેજ વધુ ને વધુ આગળ સરકતા હતા તો કોંગ્રેસ મુસલમાનોને વધુ સગવડો આપીને એનાથીય આગળ વધવાનો પ્રયાસ કરતી હતી.

1914 સુધીમાં પ્રથમ વિશ્વયુધ્ધનો આરંભ થઇ ચૂક્યો હતો. ઇંગ્લેંડનું પોતાનું અસ્તિત્વ જોખમમાં હતું. એને તો લાભને બદલે બહુ માેટું નુકસાન થયું. દુનિયાનો નિયમ છે કે દમનખોર જ્યારે મુશ્કેલીમાં ફસાય છે ત્યારે પીડીતોને પોતાના બંધનો ફગાવી દેવાની સોનેરી તક મળતી હોય છે. પરંતુ જ્યાં સુધી આપણા રાષ્ટ્રનો સંબંધ છે, એ કાળમાં કેટલીક એવી ઘટનાઓ બની, જેણે આપણા સમગ્ર સ્વતંત્રતા સંઘર્ષને એક જોખમી વળાંક આપી દીધો. આગળ તમે વાંચી ચૂક્યા છો કે કૉંગ્રેસે અલગ મતદાર-મંડળોનો અને મુસલમાનોને મહત્વ આપવાનો તીવ્ર વિરોધ કર્યો હતો; પરંતુ જયારે એક વાર ‘સુધારાઓ’ એ હકીકતનું રુપ ધારણ કરી લીધું ત્યારે કૉંગ્રેસે વિચાર્યું કે જો એણે મુસલમાનોને પોતાની તરફેણમાં કરવા હશે તો એક જ માર્ગ છે
મુસલમાનોની બધી માંગણીને સ્વીકાર કરી લેવી જોઇએ.
પ્રથમ વિશ્વયુદ્ધ શરુ થયું, એ સાથે તુર્કી જર્મન છાવણીમાં સામેલ થઇ ગયું ત્યારે અંગ્રેજોએ તુર્કી-સામ્રાજ્યને છિન્નભિન્ન કરવાના ઉપાયો શરુ કરી દીધા. બંગાળના ભાગલા રદ થવાથી તેમજ તુર્કી-વિરોધી કાર્યોને કારણે અંગ્રેજોની વિરુદ્ધ
મુસલમાનોમાં રોષ અને ઘૃણા ફાટી નીકળ્યા. મુસ્લિમોને ભારત કરતા તુર્કીનું વધું દાઝતું હતું.
આ બાજુ કૉંગ્રેસે વિચાર્યું કે મુસલમાનો પોતાના પક્ષે કરવાની આ સોનેરી તક છે. એટલા જ માટે કૉંગ્રેસી નેતાઓએ મુસ્લિમ લીગનાં અધિવેશનોમાં ભાગ લેવાનું શરુ કરી દીધું. એ સમયે મુસ્લિમ લીગ નબળી અને નિષ્ક્રિય અવસ્થામાં હતી. કૉંગ્રેસનું આ પગલું એમને માટે દૂધ પાવા જેવું પુરવાર થયું. એનું મનોબળ અને લોકપ્રિયતા વધ્યા. એકલરીતે મુસ્લિમ લીગને મજબૂત કરવામાં કોન્ગ્રેસનો ફાળા ઓછાે નથી. એને અખિલ ફારતીય સ્વરુપ આપવામાં પણ કોન્ગ્રેસે સારો એવો સહયોગ આપ્યો. એણે મુસ્લિમ લીગની એ છાપ દ્રઢ કરવામાં પણ કંઇ ઓછો ફાળો ન આપ્યો કે અખિલ ભારતીય કક્ષાએ તે જ મુસલમાનોનું પ્રતિનિધિત્વ કરનાર એકમાત્ર સંગઠન છે. કોન્ગ્રેસે એના માટે
પ્રયોગ શરુ કર્યા. એણે નિશ્ચય કર્યો કે મોર્લે-મિંન્ટો સુધારાઓને બદલે પરસ્પર એક એજન્ડાના આધારે મુસ્લિમ લીગ સાથે સીધી જ સમજૂતિ કરી લેવી જોઇએ. એ સમજૂતિના આધારે જ કૉંગ્રેસ અને મુસ્લિમ લીગે સાથે 29-31 ડિસેમ્બર 1916માં લખનૌ ખાતે પોતાનું વાર્ષિક અધિવેશન ભર્યું. અહીં જ લખનૌ કરારનો જન્મ થયો રાષ્ટ્રીય કોન્ગ્રેસ અને મુસ્લિમ લીગના આ સંયુક્ત અધિવેશનમાં મહંમદઅલી ઝીણા પણ ઉપસ્થિત હતા. લખનૌ કરાર તૈયાર કરવામાં એમની અને ટિળકની બહુ મહત્વની ભૂમિકા હતી. એક કોન્ગ્રેસી તરીકે રાજનીતિમાં આવેલા ઝીણા એ અધિવેશનમાં મુસ્લિમ લીગના અધ્યક્ષ તરીકે હાજર હતા. લખનૌ કરારને લોકમાન્ય ટિળક, સુરેન્દ્રનાથ બેનરજી, એની બેસન્ટ જેવા તમામ કૉંગ્રેસી મહારથીઓના આશીર્વાદ મળ્યા હતા. ટિળકના તો આનંદનો પાર ન રહ્યો. એતો ઘેલા ઘેલા થઇ ગયા. એમણે કહ્યું કે લખનૌએ તો પોતાનું નામ સાર્થક કરી દીધું. ગદગદ થઇને એમણે કહ્યું, ‘લખનૌ (લકનાઉ) માં આપણું ભાગ્ય ઉઘડી ગયું.’
ડો. બાબાસાહેબ આંબેડકરના મતે લખનૌ કરાર એ મુસલમાનોના ભવિષ્યના વિશાળ હેતુ માટેનો લઘુ હેતુ માટે ઉઠાવાયેલું પગલું હતું. ટૂંકમાં લખનૌ કરાર એ મુસલમાનોની સોદાબાજી હતી અને કોન્ગ્રેસ એમાં ફસાઇ ગઇ. કૉંગ્રેસે અંગ્રેજોથી આગળ નીકળી જવાની લાહ્યમાં લખનૌ કરાર કરી નાખ્યા. એક નવા જોખમી લખનૌ કરારનું પરિણામ શું આવ્યું? એનાથી ન કેવળ મુસ્લિમો પરંતુ શીખો માટે પણ અલગ મતદાર-મંડળોના સિદ્ધાંત પર મંજૂરીનો થપ્પો લાગી ગયો. શીખોને એમને એમની વસ્તી કરતા ય વધુ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું. એમાં વ્યવસ્થા એવી કરવામાં આવી હતી કે વિવિધ પ્રાંતીય વિધાનસભાઓમાં ચૂંટાયેલા ભારતીય સભ્યોમાં મુસલમાનોની સંખ્યાની ટકાવારી આ પ્રમાણે રહેશે: પંજાબમાં 50 ટકા, સંયુક્ત પ્રાંતમાં 30 ટકા, બંગાળમાં 40 ટકા, બિહારમાં 25 ટકા, મધ્ય પ્રાંતો અને બરારમાં 15 ટકા, મદ્રાસમાં 15 ટકા અને મુંબઇમાં 33.33 ટકા. આ નવા લખનૌ કરાર અનુસાર મુસલમાનોને પ્રાંતીય વિધાનસભાઓમાં 1909ના ‘સુધારાઓ’થી પણ વધુ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું.
એ ઉપરાંત ‘ઇમ્પીરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલ’માં મુસ્લિમ પ્રતિનિધિત્વ વધારીને ચૂંટાયેલા ભારતીય સભ્યોના એક તૃતિયાંશ કરી દેવામાં આવ્યું. આ મુસ્લિમ પ્રતિનિધિ અનેક પ્રાંતોના અલગ મુસ્લિમ મતદાર-મંડળો દ્વારા ચૂંટાવાના હતા. એક વધુ જોગવાઇ પણ કરવામાં આવી. જો કોઇ પ્રાંતીય ધારાગૃહ અથવા ‘ઇમ્પીરિયલ કાઉન્સિલ’માં કોઇ અન્ય સરકારી સભ્ય કોઇ એવું બિલ કે એજન્ડો લાવે કે જેનો પ્રભાવ બંનેમાંથી કોઇ એક સમુદાય પર પડે એમ હોય તો એના પર વિચાર કરવામાં નહિ આવે.
કૉંગ્રેસે લખનૌ કરાર દ્વારા બે મોટા ઝેરી સિધ્ધાંતોને પોતાની સ્વીકૃતિ આપી દીધી હતી :એક તો હતો અલગ સાંપ્રદાયિક મતદાર-મંડળોનો મુસલમાનો માટે અધિકાર અને સાંપ્રદાયિક પ્રતિનિધિત્વ; બીજો હતો ભારતના સમગ્ર મુસ્લિમ સમુદાય માટે બોલવાનો મુસ્લિમલીગનો અધિકાર. કૉંગ્રેસના બધા જ ટોચના નેતાઓમાં એક માત્ર પંડિત માલવીયએ જ લખનૌ કરાર વિરોધ કર્યો. ટિળક જેવા ય અંગ્રેજોએ બિછાવેલી હિન્દુ-મુસ્લિમ એકતાની જાળમાં સપડાઇ ગયા. એમણે પણ મુસ્લિમોને જે માંગે એ આપવાની તૈયારી કરી લીધી.
એક સમયે ટિળકના અંગત ગણાતા સી.એસ.રંગા અય્યરે પછીથી કહ્યું હતું કે ‘ટિળક લખનૌ કરારના વિરોધમાં કોઇ દલીલ સાંભળવા તૈયાર નો’તા. એટલા માટે નહિ કે તેઓ સ્વયં એનાથી મંત્રમુગ્ધ હતા, પરંતુ તે વિચારતા હતા કે આ બધું આપવાથી મુસલમાનોને સંતોષ થશે તો એમને કૉંગ્રેસના પક્ષે લાવી શકાશે તેમજ એમના મનમાં પરદેશી ભક્તિભાવના સ્થાને ભારતીય રાષ્ટ્રવાદનો સંચાર કરી શકાય તો આ સમજૂતી સાર્થક હતી.’ (વી.બી નાગરકર : જેનેસિસ ઓફ પાકિસ્તાન, પૃ. 106)
પરંતુ ત્યાર પછીની ઘટનાઓએ સાબિત કરી દીધું કે કેવળ તિલકની આશાઓ ઠગારી નીવડી નહોતી, પરંતુ લખનૌ કરારને કારણે અંગ્રેજો અને કોંગ્રેસમાં સ્પર્ધા જામી કે કોણ વધુ ને વધુ લાભ આપી મુસલમાનોને પોતાના પક્ષે લાવી શકે એમ છે. અંગ્રેજો એક પગલું ભારે તો કોંગ્રેસ બે પગલાં આગળ વધતી હતી, અંગ્રેજ વધુ ને વધુ આગળ સરકતા હતા તો કોંગ્રેસ મુસલમાનોને વધુ સગવડો આપીને એનાથીય આગળ વધવાનો પ્રયાસ કરતી હતી. આ આત્મઘાતી સ્પર્ધા પાછળ અંગ્રેજોનો હાથ હતો. જાહેરમાં તો અંગ્રેજો કોંગ્રેસ ને કહેતા હતા કે સંયુક્ત રીતે હિન્દુ–મુસ્લિમ કરાર રજૂ કરો, અને પાછલા બારણે ચૂપચાપ મુસલમાનોને કહેતા કે હિન્દુઓને સાથ આપશો નહીં. આને કારણે કોંગ્રેસના મનમાં મુસલમાનોને ઔર વધારે છૂટછાટ આપવાની લાલસા ઉભરાતી હતી. મુસલમાનો એ તરત જ સ્વીકારી લેતા અને પછી તેથીય વધુ માંગણી કરવા મંડી પડતા હતા. આ ક્રમ ચાલતો જ રહ્યો.


ક્રમશ: ©kishormakwana


Spread the love