આયર્લેન્ડ અને યુનાઇટેડ કિંગડમમાં ત્રાટકેલું ભયંકર વાવાઝોડું ડારાઘ હવે ઘણું ઘાતક બની ગયું છે. પવનની ઝડપ 80-90 માઈલ પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ છે. વાવાઝોડા ડારાઘને કારણે વેલ્સ અને દક્ષિણ-પશ્ચિમ ઇંગ્લેન્ડના ભાગોમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં લાખો લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. વાવાઝોડાને કારણે ઈમારતો, વૃક્ષો અને કાટમાળ પડવાનો પણ ભય છે.
ડારાઘ વાવાઝોડાને કારણે રેડ એલર્ટ
હવામાન વિભાગે શનિવારે વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે. પશ્ચિમ અને દક્ષિણ વેલ્સ અને બ્રિસ્ટોલ ચેનલના કિનારાને આવરી લઈને ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 90 માઈલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.
લોકોના મોબાઈલ પર એલર્ટ મેસેજ મોકલવામાં આવ્યા
વાવાઝોડાને કારણે દક્ષિણ વેલ્સ અને પશ્ચિમ ઇંગ્લેન્ડના હજારો ઘરોમાં વીજળી ડૂલ થઈ ગઈ છે. વીજળી ડૂલ થવાના કિસ્સામાં લોકોને ટોર્ચ, બેટરી અને પાવર પેક જેવી જરૂરી વસ્તુઓ હાથવગી રાખવાની સલાહ આપવામાં આવી છે. 30 લાખ લોકોને તેમના મોબાઈલ પર ઘરમાં જ રહેવાની અને ડ્રાઇવિંગ ટાળવાની સલાહ આપતા ઈમરજન્સી એલર્ટ મેસેજ મોકલવામાં આવ્યા છે.
ઇમારતો અને વૃક્ષો ધરાશાયી થવાની સંભાવના
ઉત્તરી આયર્લેન્ડ, વેલ્સ અને પશ્ચિમ ઈંગ્લેન્ડ માટે શનિવાર સવાર સુધી એમ્બર હવામાન ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે ઈમારતોને નુકસાન થઈ શકે છે. છત પરથી ટાઇલ્સ ઉડી શકે છે. વિજળી ડૂલ થવાની સંભાવના છે. વૃક્ષો પડવાના કારણે રસ્તાઓ અને પુલ બંધ થઈ શકે છે.
સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવા સૂચના
ઉલ્લેખનીય છે કે ગયા મહિને બર્ટ અને કોનલ વાવાઝોડાને કારણે આવેલા ભીષણ પૂર પછી આ બીજું તોફાન છે. ડારાઘ એ સિઝનનું ચોથું વાવાઝોડું છે. હવામાન વિભાગે લોકોને વિનંતી કરી છે કે તેઓ તેમની સુરક્ષાને પ્રાથમિકતા આપે અને આપેલ માર્ગદર્શિકાનું પાલન કરે.