– ભારત રશિયા પાસેથી 6 લાખ AK-203 એસોલ્ટ રાઈફલ ખરીદશે
– 2021-2031 સૈન્ય ટેક્નિકલ સહકાર માટે કરાર
– જુદા જુદા ક્ષેત્રોમાં 10 સમજૂતીઓ થવાની ધારણા
ભારત અને રશિયા વચ્ચે AK-203 રાઈફલ સોદો
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રશિયાના સંરક્ષણ મંત્રી સર્ગેઈ શોઈગુ વચ્ચે આજે નવી દિલ્હી ખાતે બેઠક યોજાઈ હતી. આ દરમિયાન બંને નેતાઓએ ભારત અને રશિયા વચ્ચે થયેલી સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા હતા. સમજૂતી અંતર્ગત ભારત-રૂસ રાઈફલ્સ પ્રાઈવેટ લિમિટેડના માધ્યમથી 6,01,427 જેટલી 7.63×39 મીમી અસોલ્ટ રાઈફલ AK-203ની ખરીદી માટે કરાર થયો હતો તથા 2021-2031થી સૈન્ય-તકનીકી સહયોગ માટે કાર્યક્રમ જેવી સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ બેઠકમાં ઘણા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. પ્રાપ્ચ માહિતી અનુસાર, ચર્ચા કરવામાં આવેલ મુદ્દાઓમાં પાંચ S400 મિસાઇલોનો સમયસર સપ્લાય સુનિશ્ચિત કરવા અને આગામી બે S400ની ડિલિવરીમાં રશિયા દ્વારા અસરકારક મદદનો સમાવેશ થાય છે.
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારતના પ્રવાસે
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન એક દિવસના ભારત પ્રવાસે આવી પહોંચ્યા છે. પુતિન સોમવારે ભારત પહોંચી અને મોડી સાંજે મોસ્કો પરત રવાના થશે. એક દિવસની ભારત મુલાકાતનો પુતિનનો દિલ્હીમાં કાર્યક્રમ ઘણો વ્યસ્ત રહેવાનોછે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પુતિનની ભારત મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા કરારો થઈ શકે છે.
પુતિન પહેલાં પહોંચ્યા રશિયાના બે મંત્રીઓ
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચે તે પહેલાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ અને સંરક્ષણ મંત્રી સર્ગેઈ શોઈગુ પણ ભારત પહોંચી ચુક્યા છે. બંને મંત્રીઓએ પોતાના સમકક્ષ ભારતના વિદેશમંત્રી ડૉ. એસ જયશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ હવે બેઠકોનો ધમધમાટ ચાલુ થઈ ગયો હતો.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનું નિવેદન
સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ તથા તેમના સમકક્ષ રશિયાના સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઈગુ વચ્ચે આજે નવી દિલ્હીમાં સુષ્મા સ્વરાજ ભવનમાં આ બેઠક થઈ. બેઠક થઈ હતી. આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે જણાવ્યું કે ઉભરતી જીઓ-પોલિટિકલ પરિસ્થિતિઓમાં આજે વાર્ષિક ભારત-રશિયા શિખર સંમેલન ફરી એક વખત આપણા દેશો વચ્ચે વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીના મહત્વપૂર્ણ હોવાની મહત્વની પૃષ્ટિ કરે છે. રાજનાથ સિંહે જણાવ્યું કે, સંરક્ષણ સહયોગ આપણી ભાગીદારીના સૌથી મહત્વપૂર્ણ સ્તંભોમાંથી એક છે. તથા મને આશા છે કે, ભારત-રશિયા ભાગીદારી સમગ્ર ક્ષેત્રમાં શાંતિ લાવશે અને ક્ષેત્રને સ્થિરતા પ્રદાન કરશે. રાજનાથસિંહે વધુમાં જણાવ્યું કે, ભારત અને રશિયાના સંબંધ બહુપક્ષવાદ, વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ, આંતરિક સમજણ અને વિશ્વાસમાં એક સામાન્ય હિતના આધાર પર ઉભા છે.
રશિયન સંરક્ષણ મંત્રીનું નિવેદન
2+2 બેઠકના દોરમાં ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સાથે બેઠકમાં ઉપસ્થિત રશિયાના સંરક્ષણ મંત્રી સર્ગેઈ શોઈગુએ જણાવ્યું હતું કે બંને દેશોના સંબંધ માટે આ સમયે સૈન્ય અને તકનીકી ક્ષેત્રમાં ભારત-રૂસનો સહયોગ વિશેષરૂપે મહત્વપૂર્ણ છે.