- અમેરિકાની એપ્ટેરા મોટર્સે તૈયાર કરી અનોખી કાર
- એક વખત ફૂલ ચાર્જ કર્યા બાદ 1600 કિલોમીટર સુધી ચાલી શકશે
- સૂર્ય ઊર્જાથી સ્વયં ચાર્જ થઈ જાય એવી ટેકનોલોજી
અમેરિકાની એપ્ટેરા કંપનીએ લોંચ કરી અનોખી સૌર ઊર્જાથી ચાલતી કાર
અમેરિકાની કાર કંપની એપ્ટેરા મોટર્સે Aptera Paradigm નામની કાર અમેરિકામાં લોંચ કરી છે. આજે જ્યારે સમગ્ર વિશ્વમાં રિન્યુએબલ એનર્જી વિશે ચર્ચા ચાલી રહી છે, વિશ્વમાંથી કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે અનેક સંશોધનો થઈ રહ્યા છે ત્યારે એપ્ટેરા કંપનીની કાર ખુબ અગત્ય ધરાવે છે. આમ તો સૂર્ય ઉર્જાથી તથા ઈલેક્ટ્રીક દ્વારા સંચાલિત અનેક પ્રકારના વાહનો બજારમાં ઉપલબ્ધ છે જ. એપ્ટેરા કંપનીની કાર વિશે જે જાહેરાત કરવામાં આવી છે તે જોતા બધામાં વિશેષ જણાય છે. આ કારને ખાસ બનાવતી બાબત એ છે કે કંપનીના જણાવ્યા મુજબ આ સૌર ઊર્જા તેમજ ઈલેક્ટ્રીક કારને એક વખત ફુલ ચાર્જ કર્યા બાદ તે 1600 કિલોમીટર સુધી માઈલેજ આપશે. ફ્યુઅલલેસ તથા ઇલેક્ટ્રીક મોબીલીટી ઉપર આજકાલ ખુબ જોર આપી રહેલી ઑટો કંપનીઓ આવનારા સમયમાં કેવા વિકલ્પ રજૂ કરી શકે છે એનું એપ્ટેરા મોટર્સ કંપનીની કાર સૌથી મોટું ઉદાહરણ છે.
એન્જીન પાવર અને ઝડપ
Aptera Paradigm, Solar Powered Electric car માં 25.0 kWh થી લઈને 100.0 kWh સુધીની ક્ષમતા ધરાવતી બેટરી ઉપલ્બધ છે. 100 kW ફ્રંટ વ્હીલ ડ્રાઇવ ધરાવતું મોડેલ ખરીદવું કે 150 kW ઑલ વ્હીલ ડ્રાઇવ પાવરટ્રેન મોડેલ પસંદ કરવાનો ગ્રાહક પાસે વિકલ્પ હશે. આ સૌર ઊર્જા તથા ઈલેક્ટ્રીકથી ચાલતી કાર 134 bhp થી 201 bhp પાવર જનરેટ કરી શકે તે મુજબના મોડેલ ઉપલબ્ધ છે. Aptera Paradigm કાર માત્ર 3.5 સેકન્ડમાં 100 કિલોમીટરની ઝડપ પકડી લે છે અને મેક્સીમમ સ્પીડ 177 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.
બે વર્ઝનમાં ઉપ્લબ્ધ હશે
એપ્ટેરા મોટર્સે પોતાની ફ્યુચરીસ્ટીક કારના બે વર્ઝન માર્કેટમાં લોંચ કર્યા છે Paradigm અને Paradigm+. Paradigm ની રેન્જ 400 માઈલ સુધીની છે જ્યારે Paradigm+ ની રેન્જ 1000 માઈલ સુધીની છે. આ ઉપરાંત ગ્રાહક પોતાની પસંદગી પ્રમાણે 250 માઈલ, 400 માઈલ, 600 માઈલ તથા 1000 માઈલ સુધીની રેન્જમાં કાર ડિઝાઈન કરાવી શકે છે. એપ્ટેરા મોટર્સની આ સૌર ઈલેક્ટ્રીક સંચાલિત કાર વર્ષમાં 11,000 માઈલ, 17,700 કિલોમીટર સુધી ચલાવી શકાય એવી ક્ષમતા ધરાવે છે. Paradigm અને Paradigm+ બંને વર્ઝનમાં બે વ્યક્તિ આરામદાયક સ્થિતિમાં બેસી શકે તેટલી જગ્યા ઉપલબ્ધ છે.
મોહક અને નયનરમ્ય ડિઝાઈન
એપ્ટેરા મોટર્સની સૌર ઈલેક્ટ્રીક સંચાલિત કારની ડિઝાઈન એટલી સુંદરતાથી કરવામાં આવી છે કે તે સૂર્યના કિરણોને સરળતાથી શોષીને કારની બેટરી ચાર્જ કરી શકે. કારનો દેખાવ સાયન્સ ફિક્શન ‘Torn’ જેવો લાગે છે. નાનકડા જેટ વિમાન જેવી દેખાતી આ ત્રિચક્રીય, ફ્યુચરીસ્ટીક લાગતી કારની બોડી ઉપર 180 સૌર પેનલ તથા LED લાઈટની પ્રથમ નજરે જ ગમી જાય એવી આકર્ષક એરોડાયનેમિક વળાંકો ધરાવતી ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. જોકે આ કાર સંપૂર્ણપણે સૌર ઊર્જાથી ચાલતી કાર નથી પરંતુ સૌર ઊર્જા અને કારમાં રહેલી લિક્વીડ કુલ્ડ ઈલેક્ટ્રીક બેટરીનુ કોમ્બિનેશન છે. સૌર ઊર્જા અને ઈલેક્ટ્રીકનું ફ્યુચરીસ્ટીક કોમ્બિનેશન એક વખત ફુલ ચાર્જ કર્યા બાદ કારને 1000 માઈલની એવરેજ આપશે. Hypebeast ના જણાવ્યા મુજબ માત્ર સૌર ઊર્જાથી કાર એક દિવસમાં 45 માઈલની એવરેજ આપી શકે છે.
સૌર ઈલેક્ટ્રીક સંચાલિત કારની કિંમત અને રંગ
Aptera Paradigm કાર Sol (white), Noir (black) और Luna (silver) એમ ત્રણ જુદા જુદા એક્ટીરીયર રંગોમાં લોંચ કરવામાં આવી છે. કારની કિંમત અમેરિકામાં 25,990 અમેરિકી ડૉલર તથા 46,900 અમેરિકી ડૉલર નક્કી કરવામાં આવી છે જેને ભારતીય ચલણમાં ગણીએ તો લગભગ 19.10 લાખ રૂપિયા અને 30 લાખ રૂપિયા જેટલી થાય. Hypebeast ના રિપોર્ટ અનુસાર ગ્રાહક પોતાને ગમતી Paradigm અને Paradigm+ માત્ર 100 અમેરિકી ડૉલર આપીને બુક કરાવી શકે છે. જોકે Paradigm અને Paradigm+ બંને કાર સોલ્ડ આઉટ થઈ ચુકી છે પરંતુ હજુ કસ્ટમાઈઝ્ડ વર્ઝન ઉપ્લબ્ધ છે. Hypebeast ની માહિતી મુજબ એપ્ટેરા મોટર્સ પોતાની આ બંને ફ્યુચરીસ્ટીક કાર શરૂઆતમાં અમેરિકામાં વર્ષ 2021 માં લોંચ કરવાનું આયોજન કરી રહી છે.