ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશે ઈતિહાસ રચી દીધો છે. માત્ર 18 વર્ષની ઉંમરે ડી ગુકેશે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનના ડીંગ લિરેનને હરાવીને FIDE વર્લ્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. 13મી ગેમ સુધી બંનેનો સ્કોર 6.5-6.5 હતો, આવી સ્થિતિમાં 14મી ગેમ જીતીને ગુકેશે ચેમ્પિયનશિપ જીતી લીધી હતી. ગુકેશ 18મો વર્લ્ડ ચેમ્પિયન છે. ગુકેશ પહેલા વિશ્વનાથન આનંદ 2000-2002, 2007-2013 સુધી વર્લ્ડ ચેમ્પિયન હતા હવે વર્લ્ડ ચેમ્પિયન બનનારો ગુકેશ ભારતનો બીજો ખેલાડી બન્યો છે. ડીંગ લિરેન મેચને ટાઈ બ્રેકર પર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ આજે ગુકેશે તેને ક્લાસિકલ ચેસમાં હરાવીને ચેમ્પિયનશિપ જીતી લીધી હતી.
વિશ્વ ચેસ ચેમ્પિયનશિપની અંતિમ ગેમમાં ડિંગ લિરેને જ્યારે ટાઇબ્રેક ખૂબ જ વાસ્તવિક શક્યતા જેવું લાગતું હતું ત્યારે કરેલી ભૂલ તેને ભારે પડી હતી અને જેના કારણે તેણે રમત, મેચ અને તાજ ગુમાવ્યો. ભારતનો ડી. ગુકેશ ઈતિહાસનો સૌથી યુવા વિશ્વ ચેમ્પિયન બન્યો. અંતિમ ગેમ પાંચ કલાક સુધી ચાલી હતી. આ દરમિયાન ડિંગ ભૂલ કરી બેઠો હતો. એવું લાગતું હતું કે ચેમ્પિયનનો નિર્ણય ટાઈબ્રેકમાં થઈ જશે, પરંતુ ગુકેશ અંત સુધી ટકી રહ્યો અને ડિંગને હરાવવામાં સફળ રહ્યો.
🇮🇳 Gukesh D is the 18th WORLD CHAMPION! 👏 🏆#DingGukesh pic.twitter.com/Cq9kEnKLzZ
— International Chess Federation (@FIDE_chess) December 12, 2024
અગાઉ ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ શ્રેષ્ઠ પ્રયાસો કરવા છતાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનના ડીંગ લિરેનને હરાવી શક્યો ન હતો. બુધવારે વિશ્વ ચેસ ચેમ્પિયનશિપની 13મી રમતમાં 68 ચાલ બાદ ડ્રો પર સેટલ થવું પડ્યું હતું. ગુકેશે સફેદ મોહરાઓ સાથે રમતા લિરેન સામે 6.5-6.5 પોઈન્ટ ઉપર આવી ગયો હતો અને ક્લાસિકલ ચેસની માત્ર એક રમત બાકી રહી હતી. ત્યારે એવી સંભાવના ઉભી થઈ કે મેચ ‘ટાઈ-બ્રેક’ તબક્કામાં જશે જેમાં વિજેતાનો નિર્ણય રેપિડ મૂવની ગેમ દ્વારા કરવામાં આવશે. બંને ખેલાડીઓ 68 ચાલ બાદ ડ્રો માટે સંમત થયા હતા. 32 વર્ષીય લિરેને પ્રથમ ગેમ જીતી હતી જ્યારે 18 વર્ષીય ગુકેશે ત્રીજી ગેમ જીતીને મેચ બરાબરી ઉપર લાવી દીધી હતી.
આ પછી બંને ગ્રાન્ડમાસ્ટર સતત સાત ડ્રો રમ્યા હતા. ગુકેશે 11મી ગેમ જીતીને 6-5ની લીડ મેળવી હતી પરંતુ લિરેને 12મી ગેમમાં ગુકેશને હરાવીને ગેમ બરાબરી ઉપર લાવીને રોમાંચક બનાવી દીધી હતી. અનુમાન મુજબ જ 18 વર્ષીય ગુકેશે તેની ગેમની શરૂઆતની ચાલ ‘કિંગ પ્યાદા’ ની ચાલથી પ્રયાસ કર્યો અને ફરીથી ગુકેશને લિરેનના મનપસંદ ‘ફ્રેન્ચ ડિફેન્સ’નો સામનો કરવો પડ્યો.
જ્યારે ગુકેશે શરૂઆતમાં નવી ચાલ અપનાવી ત્યારે ચાઈનીઝ ખેલાડીએ ફરીથી શરૂઆતના તબક્કામાં ઘણો સમય લીધો હતો. જેમ જેમ રમત આગળ વધતી ગઈ તેમ તેમ વચ્ચેની ચાલ જોઈને સ્પષ્ટ થઈ ગયું કે મેચ ડ્રો રહેશે. ગુકેશ સારી રીતે જાણતો હતો કે આ તેની છેલ્લી તક હોઈ શકે છે, તેથી તેણે કોઈ કસર છોડી ન હતી અને વધુ ફાયદાઓ શોધતો રહ્યો પણ સામે લિરેને પોતાનો સંયમ જાળવી રાખ્યો અને જ્યારે પણ જરૂર પડે ત્યારે ગુકેશને મુશ્કેલીમાં મૂકતો રહ્યો. છેવટે બંનેના જીતવાના ભરપૂર પ્રયાસો છતાં મેચ ડ્રો રહી હતી.
ગુકેશે ખૂબ જ તણાવપૂર્ણ મેચ બાદ કહ્યું કે અમે ચેમ્પિયનશિપના સૌથી મહત્વપૂર્ણ તબક્કામાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે ખરેખર રોમાંચક બની રહી છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે વિજેતા નક્કી કરવા માટે ટાઈ-બ્રેક પહેલા માત્ર એક જ ગેમ બાકી રહી હતી ત્યારે તેણે 14મી ગેમને લઈને કહ્યું, “તે ચોક્કસ છે કે મહત્વપૂર્ણ મેચ જેટલી નજીક આવે છે તે વધુ રોમાંચક બને છે.”
ગુકેશે કહ્યું, “જેમ જેમ મેચોની સંખ્યા ઘટી રહી છે, ઘણી બધી બાબતો દાવ પર છે. હું એક મેચ માટે આવ્યો હતો, હું આજે તાજગી અનુભવી રહ્યો હતો અને આત્મવિશ્વાસથી ભરપૂર હતો. હું રમવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો કારણકે મારી પાસે સુંદર યોજના હતી તેથી.”
લિરેને સ્વીકાર્યું કે તે રમત બાદ ખૂબ જ થાકી ગયો હતો. તેણે કહ્યું, “સૌ પ્રથમ તો હું લાંબી રમત બાદ ખૂબ જ થાકી ગયો છું. બીજું, મારે આગામી મેચ માટે રણનીતિ નક્કી કરવાની જરૂર હતી.”
જોકે આખરે દિવસ તો ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશના નામે જ રહ્યો જેણે માત્ર 18 વર્ષની ઉંમરે ડી ગુકેશે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનના ડીંગ લિરેનને હરાવીને ઈતિહાસ રચી દીધો.