ઈંગ્લેન્ડના બોલર ગસ એટકિન્સને નવો ઈતિહાસ રચી દીધો છે. ગસ એટકિન્સને ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં હમણા સુધી બે વિકેટ ઝડપી છે. ગસ એટકિન્સને બીજી વિકેટ લઈને એવો રેકોર્ડ બનાવ્યો છે જેણે વિશ્વ ક્રિકેટમાં હલચલ મચાવી દીધી છે. ગસ એટકિન્સન ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષના ઈતિહાસમાં એવો બીજો બોલર બની ગયો છે જેણે પોતાની કારકિર્દીના પ્રથમ જ વર્ષમાં 50 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો હોય. આ પહેલા આ પ્રકારની સિદ્ધિ વર્ષ 1981માં ઓસ્ટ્રેલિયાના ટેરી એલ્ડરમેને હાંસલ કરી હતી ટેરી એલ્ડરમેને કારકિર્દીના પ્રથમ વર્ષમાં કુલ 54 ટેસ્ટ વિકેટ ઝડપીને આ રેકોર્ડ સર્જ્યો હતો.
કારકિર્દીના પ્રથમ કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વિકેટ કોણે લીધી?
એટકિન્સન તેની કારકિર્દીના પ્રથમ કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. ટેરી એલ્ડરમેન નંબર વન પર છે. વેસ્ટ ઈન્ડિઝના કર્ટલી એમ્બ્રોસ કારકિર્દીના પ્રથમ કેલેન્ડર વર્ષમાં 49 વિકેટ સાથે ત્રીજા સ્થાને છે. જસપ્રીત બુમરાહે 2018માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને વર્ષ 2018માં 48 વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડના શોએબ બશીરે પોતાના ડેબ્યુ વર્ષમાં 47 વિકેટ ઝડપી હતી.
આ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેની પ્રથમ ઇનિંગમાં આ સમાચાર લખ્યા સુધી ન્યુઝીલેન્ડે 76.5 ઓવરમાં 7 વિકેટે 261 રન બનાવ્યા હતા. કેપ્ટન ટોમ લાથમે 135 બોલમાં 63 રનની ઇનિંગ રમી હતી જ્યારે કેન વિલિયમસન 44 રન બનાવીને આઉટ થયો હતો.