Spread the love

આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જે બોલર્સે સૌથી વધુ વિકેટ ઝડપી છે તેવા ટોપ-5 બોલર્સમાં ત્રણ ભારતીય ખેલાડીઓ સામેલ છે

વર્ષ પૂરું થવા આવે એટલે દરેક ક્ષેત્રોની મહત્વની ઘટનાઓની નોંધ લેવાતી હોય છે. એ જ પ્રકારે રમત જગતની પણ મહત્વની ઘટનાઓની વિગતો જોવા મળતી હોય છે. આ વર્ષે ટેસ્ટ, વન-ડે અને T-20 એમ ત્રણેય ફોર્મેટમાં, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં ભારતીય બોલર્સનો દબદબો જોવા મળ્યો છે. સમગ્ર વર્ષ દરમિયાન સૌથી વધુ વિકેટ્સ લેનારા વિશ્વના ટોપ 5 બોલર્સમાં 3 બોલર ભારતના છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપી તરખાટ મચાવનાર ટોપ 5 બોલર્સ જેમણે 60થી વધુ વિકેટ ઝડપી છે તેમાં પ્રથમ નંબરે રહેલા બોલરનું પ્રદર્શન ગજબ રહ્યું છે. આ બોલરે કુલ ભારતીય છે. આ બોલર છે ગુજરાતનો ઓલરઉન્ડર રવિન્દ્ર જાડેજા. રવિન્દ્ર જાડેજાએ 23.74ની સરેરાશથી 35 મેચમાં કુલ 66 વિકેટો સમગ્ર વર્ષ દરમિયાન ઝડપી છે.

ભારતીય ક્રિકેટમાં ચાઈનામેનનું ઉપનામ ધરાવતા બોલર કુલદીપ યાદવ બીજા નંબરે છે. કુલદીપ યાદવે વર્ષ 2023માં કુલ 39 આંતરરાષ્ટ્રીય મેચ રમીને 18.85ની જબરદસ્ત સરેરાશથી 63 વિકેટો ઝડપી છે.

ત્રીજા નંબરે આવે છે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક. મિચેલ સ્ટાર્કે માત્ર 23 આંતરરાષ્ટ્રીય મેચ રમીને 63 વિકેટ ઝડપી છે. કુલદીપ યાદવ અને મિચેલ સ્ટાર્કની વિકેટનો આંકડો એક સરખો અને મેચ ઓછી રમ્યો હોવા છતાં મિચેલ સ્ટાર્કની સરેરાશ કુલદીપ યાદવ કરતાં વધારે એટેલે કે 29.77 હોવાથી ત્રીજા નંબરે આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વર્ષ 2023માં સૌથી વધુ વિકેટ લેનારા ચોથા ક્રિકેટરનો સંબંધ પાકિસ્તાનનાં ભુતપૂર્વ ખેલાડી સાથે છે. પાકિસ્તાનના ભુતપૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડર શાહિદ આફ્રીદીનો જમાઈ અને પાકિસ્તાનનો ફાસ્ટ બોલર શાહીન આફ્રીદી એ 30 મેચ રમીને 27.80ની સરેરાશથી 62 વિકેટ્સ ઝડપી છે.

પાંચમા નંબરે છે ભારતનો ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ. મોહમ્મદ સિરાજે વર્ષ 2023માં કુલ 34 આંતરરાષ્ટ્રીય મેચ રમીને 60 વિકેટ 23.78ની સરેરાશથી ઝડપી છે.


Spread the love