- અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચથી ટુર્નામેન્ટની શરૂઆત
- 5 ઓક્ટોબરથી 12 નવેમ્બર સુધી ચાલશે ટુર્નામેન્ટ
- કોગ્રેસ નેતા શશિ થરૂરે ટ્વિટ કરતા વિવાદ
ICC એ વન-ડે વર્લ્ડકપ 2023નો કાર્યક્રમ જાહેર કર્યો
ICC એ 2023 ક્રિકેટ વર્લ્ડકપની મેચોના કાર્યક્રમની જાહેરાત તાજેતરમાં કરી છે. આ વર્ષે ભારતમાં રમાનારો આ વિશ્વ કપ 46 દિવસ સુધી ચાલશે જેમાં કુલ 48 મેચો 12 સ્થાનો પર રમાશે. રાઉન્ડ રોબિન લીગ ફોર્મેટમાં રમાનારી આ ટુર્નામેન્ટ 5મી ઓક્ટોબરથી 12મી નવેમ્બર દરમિયાન ચાલશે. વિશ્વના સૌથી મોટા એવા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 5મી ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચથી ટુર્નામેન્ટની શરૂઆત થશે.
BCCI એ 12 સ્થાનો નક્કી કર્યા
બીસીસીઆઈએ વિશ્વ કપની મેચો ક્યાં રમાડવી તે અંગે ચર્ચા કરીને અગાઉ 12 ક્રિકેટ એસોસિએશનના મેદાનની પસંદગી કરી હતી. તેમાં અમદાવાદ, દિલ્હી, બેંગ્લોર, ધર્મશાળા, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, લખનઉ, ઈન્દોર, રાજકોટ, મુંબઈનો સમાવેશ થાય છે. ત્યારબાદ ક્રિકેટ એસોસિએશનની માંગ પર 15 સ્થળો પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં મોહાલી, પુણે અને તિરુવનંતપુરમના નામ પણ લિસ્ટમાં સામેલ હતા.
વિવાદની શરુઆત
વર્લ્ડકપ દરમિયાન પ્રેક્ટિસ મેચ સહિત મેચ માટે હૈદરાબાદ, અમદાવાદ, ધર્મશાલા, દિલ્હી, ચેન્નઈ, લખનઉ, પુણે, બેંગલુરુ, મુંબઈ અને કોલકાતા સ્થાનો નક્કી કર્યા છે. હૈદરાબાદ ઉપરાંત ગુવાહાટી અને તિરુવનંતપુરમમાં 29 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી પ્રેક્ટિસ મેચ રમાશે. જે 12 સ્થળોએ મેચ રમાવાની છે તેને લઈને નવો વિવાદ શરૂ થયો છે. પંજાબના રમતગમત મંત્રી ગુરમીત સિંહ મીત હાયરે વર્લ્ડ કપ મેચ માટે યજમાન શહેરોની યાદીમાં મોહાલીને સામેલ ન કરવા બદલ નિંદા કરતા દાવો કર્યો હતો કે યજમાન શહેરોની પસંદગી રાજકીય કારણોથી પ્રેરિત હતી.
શશી થરુરે ટ્વિટ કરી અને શરુ થયો નવો વિવાદ
એક તરફ પંજાબ ક્રિકેટ અસોસિએશને મોહાલીને યજમાની ન મળવા બદલ ટીકા કરી છે ત્યારે કોંગ્રેસ નેતા શશિ થરૂરે પણ તિરુવનંતપુરમને મેચ ન મળવા પર પ્રશ્ન ઉઠાવ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂરે ટ્વિટ કરીને લખ્યું કે ‘આ ટુર્નામેન્ટ ઘણી લાંબી ચાલવાની છે ત્યારે થીરુઅનંતપુરમ, મોહાલી અને રાંચીને વિશ્વકપની મેચ યોજવાની તક મળવી જોઈએ. એવું આવશ્યક નથી કે એક જ સ્થાનને 4-5 મેચો ફાળવી દેવાય. આ બીસીસીઆઈની ખુબ મોટી ભુલ છે. જો કે, 2011 માં નાગપુર અને મોહાલીમાં બે સ્થળોએ મેચ રમાઇ હતી. આ વખતે નાગપુરને પણ યજમાનીનો મોકો મળ્યો નથી. મોહાલી, નાગપુર ઉપરાંત ઈન્દોર, રાજકોટ, રાંચી જેવા ઘણા ક્રિકેટ સેન્ટરોને મેચ મળી નથી. ભારતીય ક્રિકેટમાં એમએસ ધોનીના વતન રાંચીને મેચ ન મળવાને કારણે ઘણા સ્થાનિક ક્રિકેટ ચાહકો નિરાશ છે.