ભારતીય મહિલા હેન્ડબોલ ટીમે મંગળવારે 20મી એશિયન વિમેન્સ હેન્ડબોલ ચેમ્પિયનશિપ (AWHC) 2024માં ભાવના શર્મા અને મનિકાની શાનદાર રમતને કારણે હોંગકોંગ-ચીન સામે 31-28થી સખત સંઘર્ષપૂર્ણ જીત મેળવીને ટુર્નામેન્ટની સફળ શરૂઆત કરી હતી. વર્લ્ડ હેન્ડબોલ લીગ (WHL) દ્વારા પ્રસ્તુત અને એશિયન હેન્ડબોલ ફેડરેશન દ્વારા આયોજિત, ભારત પ્રથમ વખત આ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ચેમ્પિયનશિપ 3 થી 10 ડિસેમ્બર દરમિયાન નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી એરેના ખાતે ચાલશે.
‘ચક દે ઈન્ડિયા’ અને ‘ભારત માતા કી જય’ના જોરદાર નારાઓ વચ્ચે ભારતે મેચની શરૂઆત સકારાત્મક કરી હતી. 2022 એશિયન વિમેન્સ જુનિયર હેન્ડબોલ ચેમ્પિયનશીપમાં ભારતની ઐતિહાસિક જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર પ્રિયંકા ઠાકુરે ટુર્નામેન્ટનો તેનો અને ભારત માટે પ્રથમ ગોલ કર્યો હતો. થોડી ક્ષણો બાદ અનુભવી ખેલાડી મનિકાએ પોતાનું કૌવત દેખાડતા બીજો ગોલ કરીને ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતુ.
હોંગકોંગ-સીએચએનના ઝડપી અને સચોટ આક્રમણ સામે ભારતે તેનું મજબૂત સંરક્ષણ દર્શાવ્યું હતુ. SAFF ગેમ્સની સુવર્ણ ચંદ્રક વિજેતા કેપ્ટન દીક્ષા કુમારીએ પ્રથમ 30 મિનિટના સમયગાળામાં વિપક્ષની ત્રણ પેનલ્ટી અટકાવીને મહત્વની ભૂમિકા ભજવી હતી, અને હાફ ટાઇમમાં ભારતને 0-10ની લીડ અપાવી હતી.
હોંગકોંગ-સીએચએન વિરામ પછી તેમની રમતમાં સુધારો કર્યો અને રણનીતિ બદલી અને મહત્તમ આક્રમણની નીતિ અપનાવી હતી. જો કે, ભારતે પોતાની સંરક્ષણ તાકાત દર્શાવીને પ્રતિસ્પર્ધી ખેલાડીઓના આક્રમણને ખાળ્યું હતું અને અદ્ભુત દક્ષતા દેખાડતા જવાબી હુમલા માટે મળેલી તકોનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. ભાવનાને શ્રેષ્ઠ ખેલાડીનું સન્માન પ્લેયર ઑફ ધ મૅચ એવોર્ડ મળ્યો હતો. અંતત: ભારતે શાનદાર વિજય નોંધાવ્યો હતો.
અગાઉ કઝાકિસ્તાને ચીનને 28-26થી હરાવીને ટુર્નામેન્ટમાં વિજયી શરૂઆત કરી હતી. ગોલકીપર ઝન્નત એટેનોવાએ ચીનના દરેક પ્રયાસને નિષ્ફળ બનાવીને તેની ટીમને વિજય અપાવ્યો હતો. બીજી મેચમાં સેન્ટર બેક કાહો નાકાયામાના શાનદાર પ્રદર્શનને કારણે જાપાને ઈરાનને 34-14થી હરાવ્યું હતુ. ડિફેન્ડિંગ ચેમ્પિયન દક્ષિણ કોરિયાએ દિવસની અંતિમ મેચમાં મજબૂત સંરક્ષણ અને શક્તિશાળી વિંગ એટેક સાથે સિંગાપોરને 47-5થી પરાજય આપ્યો હતો. વિંગર જીઓન જીઓને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.
પોતાની જીતના સિલસિલાને આગળ વધારતા ભારત પ્રથમ વખત એશિયન મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં પહોંચવાનો પ્રયાસ કરશે. ત્યાર બાદ ભારતનો પ્રયાસ જર્મની અને નેધરલેન્ડમાં યોજાનારી આગામી 2025 વિશ્વ મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપમાં રમવાનો હશે. ભારત હવે બુધવારે ઈરાન સામે રમશે. આ દરમિયાન હોંગકોંગ-સીએચએનનો મુકાબલો જાપાન, ચીનનો સિંગાપોર અને કઝાકિસ્તાનનો સામનો દક્ષિણ કોરિયા સાથે થશે.