ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. આ મેચ પછી આર અશ્વિને અચાનક જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગાબા ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો સાથે સમાપ્ત થઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડની સદીની મદદથી 445 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાનો પ્રથમ દાવ 260 રનમાં સમેટાઈ ગયો હતો. ત્રીજી ટેસ્ટનો પ્રથમ દિવસ વરસાદમાં ધોવાઈ ગયા બાદ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં શાનદાર બેટિંગ કરી હતી, ટીમ ઈન્ડિયાની બટીંગ લાઇન ધરાશાયી થતા ફોલોઓનનો ખતરો ઉભો થયો હતો, પરંતુ રવિન્દ્ર જાડેજા અને આકાશ દીપના કારણે ભારતીય ટીમ ફોલોઓન ટાળવામાં સફળ રહી હતી. ઓસ્ટ્રેલિયાએ તેનો બીજો દાવ 89/7 રનના સ્કોર પર ડિકલેર કર્યો અને ભારતને 275 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઑસ્ટ્રેલિયાએ આપેલા લક્ષ્યાંકનો પીછો કરતા 5માં દિવસે ભારતીય ટીમે બીજી ઇનિંગમાં 2.1 ઓવરમાં વિના વિકેટે આઠ રન બનાવ્યા હતા, જોકે વરસાદનું વિઘ્ન સર્જાતા ચાનો બ્રેક વહેલો લેવો પડ્યો હતો. જોકે ત્યારબાદ વરસાદ વધી જતા રમત રમાઈ શકી નહોતી અને મેચ ડ્રો થઈ હતી.
અશ્વિને કરી નિવૃત્તિની જાહેરાત
આ મેચ બાદ રવિચંદ્રન અશ્વિને અચાનક નિવૃત્તિની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. આર અશ્વિન બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની પ્રથમ ટેસ્ટ મેચમાં પ્લેઈંગ-11નો હિસ્સો નહોતો પરંતુ તેને એડિલેડમાં રમાયેલી ડે-નાઈટ ટેસ્ટ મેચમાં રમવાની તક મળી હતી. તેને ફરી એકવાર ત્રીજી મેચના પ્લેઇંગ-11માંથી બહાર કરવામાં આવ્યો હતો અને એડિલેડ ટેસ્ટ અશ્વિનની ટેસ્ટ કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ સાબિત થઈ.
કુંબલે અને અશ્વિન વચ્ચે અદભૂત સંયોગ
અશ્વિનની નિવૃત્તિ સાથે ભારતીય ક્રિકેટમાં એક યુગનો અંત આવી ગયો. 2011માં ટેસ્ટ ડેબ્યૂ કરનાર અશ્વિને 106 ટેસ્ટ મેચમાં 537 વિકેટ ખેરવી છે. આર. અશ્વિન અનિલ કુંબલે પછી ટેસ્ટમાં 500 થી વધુ વિકેટ લેનાર બીજો ભારતીય બોલર બન્યો, કુંબલેના પગલે ચાલતા અશ્વિને ભારત માટે ટેસ્ટમાં ઘણી વિકેટ લીધી. બંને બોલરોની નિવૃત્તિમાં પણ અદભૂત સંયોગ જોવા મળ્યો.
સંયોગવશ વર્ષ 2008માં અનિલ કુંબલેએ પણ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો થયા બાદ જ નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. કુંબલેની જેમ અશ્વિને પણ નિવૃત્તિ જાહેરાત ત્રીજી ટેસ્ટ ડ્રો થયા બાદ કરી છે. આટલું જ નહીં અનિલ કુંબલેએ તેની છેલ્લી વિકેટ મિશેલ જોન્સનની ખેરવી હતીઅને અશ્વિને તેની છેલ્લી વિકેટ પણ મિચેલ માર્શની લીધી હતી.