ICC
Spread the love

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાની સિદ્ધિની રફતાર અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. વર્ષ 2024માં તેણે વનડેમાં ઢગલો રન બનાવ્યા હતા. હવે ICCએ તેને મહિલા વન-ડે ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડથી સન્માનિત કરી છે. મંધાનાએ 2024માં પોતાની વિસ્ફોટક બેટિંગથી અનેક રેકોર્ડ બનાવ્યા છે. મંધાનાએ પોતાના શાનદાર પ્રદર્શનના પરિણામો જોવા મળ્યા અને તેને શ્રેષ્ઠ મહિલા વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે જાહેર કરવામાં આવી છે.

ICC મહિલા વન-ડે ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડથી સન્માનિત સ્મૃતિ મંધાના

ભારતની મહિલા ક્રિકેટ ટીમની વાઈસ-કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 2024માં 13 ઇનિંગ્સમાં 747 રન બનાવ્યા જે કેલેન્ડર વર્ષમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ ડાબોડી બેટ્સમેન 2024માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતી. આઈસીસી મહિલા વન-ડે ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડની આ રેસમાં સ્મૃતિએ દક્ષિણ આફ્રિકાની લૌરા વોલ્વાર્ડ (697 રન), ઈંગ્લેન્ડની ટેમી બ્યુમોન્ટ (554 રન) અને વેસ્ટ ઈન્ડિઝની હેલી મેથ્યુઝ (469 રન)ને પાછળ છોડી દીધા હતા.

મંધાનાએ 4 સદી ફટકારી

મંધાનાએ 2024માં આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટમાં ચાર સદી ફટકારીને મહિલા ક્રિકેટમાં નવો રેકોર્ડ બનાવ્યો હતો. મંધાનાએ 2024માં 95 ચોગ્ગા અને છ છગ્ગા ફટકારીને સોથી વધુ વખત બોલને બાઉન્ડ્રી પાર કરાવવાનો રેકોર્ડ પણ નોંધાવ્યો હતો. 28 વર્ષની આ બેટ્સમેને 57.86ની શાનદાર એવરેજની સાથે સાથે 95.15ના પ્રભાવશાળી, ધમાકેદાર સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.

2025નો આરંભ કર્યો સદી સાથે

સ્મૃતિ મંધાનાએ જબરદસ્ત બોલિંગ આક્રમણ ધરાવતી ટીમો સામે મોટી ઈનિંગ્સ પણ રમી હતી. તેણે જૂન 2024માં દક્ષિણ આફ્રિકા સામે સતત બે સદી ફટકારી હતી જે શ્રેણી ભારતે 3-0થી જીતી હતી. સ્મૃતિએ ઑક્ટોબરમાં ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીની નિર્ણાયક મેચમાં પણ સદી ફટકારી હતી. મંધાનાએ ડિસેમ્બરમાં પર્થમાં ઓસ્ટ્રેલિયા સામે પણ સદી ફટકારી હતી, જોકે તેની શાનદાર ઈનિંગ્સ છતાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે સ્મૃતિએ 2025ની શરૂઆત પણ ભવ્ય અંદાજમાં કરી છે. મંધાનાએ 2025માં આંતરરાષ્ટ્રીય વન-ડેની ત્રણ ઇનિંગ્સમાં 41, 73 અને 135 રન બનાવ્યા છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “13 ઈનિંગ્સ, 4 સદી અને રનનો પહાડ, ICC મહિલા વન-ડે ક્રિકેટર ઓફ ધ ઈયર સ્મૃતિ મંધાનાની ઓળખાણ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *