ICC અંડર-19 મહિલા T-20 ટૂર્નામેન્ટમાં ભારતીય બેટ્સવુમને ઈતિહાસ રચ્યો છે. 19 વર્ષની બેટ્સમેન ગોંગડી ત્રિશાએ ઐતિહાસિક ઇનિંગ રમતા માત્ર 59 બોલમાં ઝંઝાવાતી સદી ફટકારી સ્કોટિશ બોલરોને દોડતા કરી મુક્યા હતા. ત્રિશા અંત સુધી અણનમ રહી અને તેણે 110 રન બનાવ્યા, જે ICC અંડર-19 મહિલા ટી-20 ટૂર્નામેન્ટના ઈતિહાસમાં કોઈપણ બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલી પ્રથમ સદી છે. આ સદીના કારણે ત્રિશાએ માત્ર ભારતીય સ્કોર બોર્ડને 200ની પાર જ ન પહોંચાડ્યું પરંતુ ટૂર્નામેન્ટની ટોપ સ્કોરર પણ બની ગઈ.

19 વર્ષની બેટ્સમેને ઐતિહાસિક ઇનિંગ
ICC અંડર-19 મહિલા T-20 ટૂર્નામેન્ટની મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સ્કોટલેન્ડ સામે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને ભારતીય બેટ્સમેનોએ તોફાની બેતિંગ કરીને રન બનાવ્યા. પરંતુ, ગોંગડી ત્રિશાના મનસુબા અલગ જ હતા. તેણે માત્ર રનની વહેતી ગંગામાં જ ડૂબકી ન મારતા એક ઐતિહાસિક સદીની વાર્તા પણ લખી નાખી.
Trisha Gongadi etches her name in the record books with the first-ever century in Women's #U19WorldCup history 🤩
— ICC (@ICC) January 28, 2025
➡️ https://t.co/1s19nAR2sR pic.twitter.com/YgGgtVVcJP
સ્કોટિશ બોલરો હાંફી ગયા પણ ત્રિશાને આઉટ ન કરી શક્યા
જી. કમલિની સાથે ઓપનિંગ કરવા આવેલી ત્રિશાએ શરૂઆતથી જ આક્રમણ કરીને સ્કોટિશ બોલરો પર દબાણ જાળવી રાખ્યું હતું. કમલિનીના બેટમાંથી રનની સરવાણી વહેતી હતી પરંતુ ત્રિશાની રન બનાવવાની ગતિ બુલેટ સમાન હતી. બંને વચ્ચે શરૂઆતની વિકેટ માટે 147 રનની ભાગીદારી થઈ હતી, જેણે ભારતને જબરદસ્ત શરૂઆત અપાવી. ઓપનિંગ પાર્ટનર જી. કમલિની 42 બોલમાં 51 રન બનાવીને આઉટ થયા બાદ પણ ગોંગડી ત્રિશાના આક્રમણની શૈલી અને સ્વભાવમાં કોઈ ફેરફાર ન થયો અને તેણે ઝંઝાવાતી સદી ફટકારી.

59 બોલમાં મચાવ્યું તોફાન, બની ટોપ સ્કોરર
ગોંગડી ત્રિશા અંત સુધી અણનમ રહી અને તેણે 59 બોલમાં 110 રન બનાવ્યા. 186.44ના તોફાની સ્ટ્રાઇક રેટથી ત્રિશાએ આ ઇનિંગમાં 13 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. આ 110 રનની ઇનિંગ સાથે ICC અંડર-19 મહિલા T-20 વર્લ્ડ કપની વર્તમાન સિઝનમાં તેલંગાણાના બદ્રચલમની ત્રિશાનો કુલ સ્કોર 230 રન પર પહોંચી ગયો છે. આ રીતે, તે ICC અંડર-19 મહિલા T-20 ટૂર્નામેન્ટની ટોપ સ્કોરર પણ બની ગઈ છે. ભારતે સ્કોટલેન્ડ સામે 20 ઓવરમાં 208 રન બનાવ્યા હતા. જે ICC અંડર-19 મહિલા T-20 ટૂર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ સ્કોરનો રેકોર્ડ છે.
સ્કોટલેન્ડને જંગી સ્કોરથી હરાવ્યું
અંડર 19 મહિલા T-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો વિજય રથ જારી રહ્યો છે. સુપર સિક્સ રાઉન્ડની છેલ્લી મેચમાં ભારતીય ટીમે સ્કોટલેન્ડને એકતરફી મુકાબલામાં હરાવ્યું હતું. ભારતીય ટીમે આ મેચ 150 રનથી જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 208 રનનો જંગી સ્કોર બનાવ્યો અને જવાબમાં સ્કોટલેન્ડની ટીમ માત્ર 58 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
ત્રિશાએ બોલિંગમાં પણ કરી કમાલ
સ્કોટલેન્ડની ટીમ ભારતીય બોલર્સ સામે ઘુંટણીયે પડી ગઈ હતી. ભારતીય લેફ્ટ આર્મ સ્પિનર આયુષી શુક્લા અને વૈષ્ણવી શર્માએ સાથે મળીને 13 રનમાં 7 વિકેટ ખેરવી દીધી હતી. અંતમાં સદી ફટકારનાર ત્રિશાએ બોલ સાથે પણ કમાલ કરી ત્રણ વિકેટ લીધી અને સ્કોટલેન્ડની ઈનિંગનો અંત આણ્યો હતો.

[…] અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી મહિલા U19 T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર […]