મહાકુંભ
Spread the love

વિશ્વનો સૌથી મોટો ધાર્મિક કાર્યક્રમ ‘મહા કુંભ 2025’ સોમવારથી પ્રયાગરાજમાં શરૂ થઈ ગયો છે. પ્રથમ દિવસે લગભગ દોઢ કરોડ અને બીજા દિવસે લગભગ અઢી કરોડ ભક્તોએ શ્રદ્ધાની ડૂબકી લગાવી હતી.

એક તરફ ભક્તિનો મહાસાગર છે ત્યાં બીજી બાજુ કેટાલક લોકો મહાકુંભને આર્થિક ફાયદો શુ થશે તેવા પ્રશ્નો ઉઠાવી રહ્યા છે ત્યારે મહાકુંભના સમયગાળા દરમિયાન અધધ જેવો 2 લાખ કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ થવાની શક્યતા હોવાનો ખુલાસો કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) ના ચેરમેને કર્યો છે. આ મહાકુંભ ફેબ્રુઆરી સુધી ચાલશે. ઉત્તર પ્રદેશ સરકારના જણાવ્યા અનુસાર, વિશ્વના સૌથી મોટા માનવ મેળાવડામાં લગભગ 40 કરોડ લોકો આવવાની સંભાવના છે.

કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના રાષ્ટ્રીય મહાસચિવ અને દિલ્હીના ચાંદની ચોક લોકસભા મતવિસ્તારના સાંસદ પ્રવીણ ખંડેલવાલ કહે છે કે, એક અંદાજ મુજબ, આ મહાકુંભમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ થવાની સંભાવના છે. આ મેળો ભારત અને વિશ્વમાં ધાર્મિક અર્થવ્યવસ્થાનું સૌથી મોટું કેન્દ્ર બનવા જઈ રહ્યો છે.

ભારતીય અર્થતંત્રને મળશે ગતિ

ખંડેલવાલના જણાવ્યા અનુસાર, મહાકુંભ મેળાના આયોજનથી પ્રયાગરાજ અને આસપાસના શહેરોમાં બિઝનેસને મોટું પ્રોત્સાહન મળશે. રેલ્વે, હવાઈ સેવાઓ અને માર્ગ પરિવહનમાં પણ મોટી આવક થવાની સંભાવના છે. દિલ્હી દેશનું સૌથી મોટું વેપાર વિતરણ કેન્દ્ર છે અને દિલ્હીથી પ્રયાગરાજ અને આસપાસના શહેરોને આશરે રૂ. 40,000 કરોડના માલસામાન અને સેવાઓનો સપ્લાય થશે. ખંડેલવાલે કહ્યું કે, મહાકુંભમાં મોટા પ્રમાણમાં આર્થિક અને વ્યવસાયિક ગતિવિધિઓ થશે.

એક અનુમાન મુજબ, જો ધાર્મિક યાત્રા દરમિયાન વ્યક્તિ દીઠ હોટલ, ધર્મશાળાઓ, કામચલાઉ રોકાણ, ભોજન, પૂજા સામગ્રી, આરોગ્ય સેવાઓ અને અન્ય સામાન અને સેવાઓનો ખર્ચ ગણીને જો 5,000 રૂપિયા ખર્ચવામાં આવે તો અર્થતંત્રમાં ઠલવાતી રકમનો કુલ આંકડો 2 લાખ કરોડ રૂપિયાને વટાવી જશે. વ્યક્તિ દીઠ ખર્ચનો આંકડો જેમ વધશે તેમ અર્થતંત્રમાં ફરતી થતી રકમનો આંકડો પણ વધતો જશે.

અર્થશાસ્ત્રની દૃષ્ટીએ કોઈ પણ અર્થતંત્રને સુચારુ ચાલવા માટે તેમાં નાણાનો પ્રવાહ સતત ફરતો રહેવો આવશ્યક છે, જ્યારે નાણાનો પ્રવાહ અવરોધાય છે ત્યારે અર્થતંત્રની ગતિ ધીમી પડે છે અને તેનાથી ઉલટુ નાણાનો પ્રવાહ જેટલો વધુ તેટલું અર્થતંત્ર વધુ મજબૂત. તે રીતે જોતા ભારતીય અર્થતંત્રમાં લગભગ બે લાખ કરોડ જેટલી રકમ ફરતી થશે. જે અર્થતંત્રમાં મજબૂતી આપવાનું કામ કરશે.

મહાકુંભ 2025 ના મુખ્ય વ્યવસાયિક આંકડાઓ…

આવાસ અને પર્યટન: સ્થાનિક હોટલો, ધર્મશાળાઓ અને અસ્થાયી રૂપે રહેવાની વ્યવસ્થાઓમાંથી રૂ. 40,000 થી રૂ. 60,000 કરોડની બિઝનેસની સંભાવના દર્શાવાઈ રહી છે.

ખોરાક અને પીણાં: પેકેજ્ડ ફૂડ આઈટમ્સ, પાણી, બિસ્કિટ, જ્યુસ અને ભોજન પર રૂ. 20,000 થી 25,000 કરોડ રૂપિયા સુધીનો વેપાર થશે.

પૂજા સમાગ્રી અને પ્રસાદ: તેલ, દીવા, ગંગાજળ, મૂર્તિઓ, અગરબત્તીઓ, ધાર્મિક પુસ્તકો વગેરેના વેચાણથી રૂ. 20,000 થી 25,000 કરોડ રૂપિયાના બિઝનેસની અપેક્ષા છે.

પરિવહન અને લોજિસ્ટિક્સ: સ્થાનિક અને આંતરરાજ્ય પરિવહન, નૂર અને ટેક્સી સેવાઓથી રૂ. 10,000 કરોડનો બિઝનેસ થશે.

પ્રવાસન સેવાઓ: ટૂર ગાઈડ, ટ્રાવેલ પેકેજ અને પ્રવાસી સેવાઓમાંથી રૂ. 10,000 કરોડ થી રૂ. 15,000 કરોડનો અંદાજિત બિઝનેસ થવાની સંભાવના છે.

હસ્તકલા અને સ્મૃતિ ચિહ્ન: સ્થાનિક ઉત્પાદનો, કપડાં, ઝવેરાત અને સ્મૃતિ ચિહ્નો, સંભારણાઓમાંથી રૂ. 5,000 કરોડ થી રૂ. 7,000 કરોડની આવક થવાની સંભાવના છે.

આરોગ્ય અને તબીબી સેવાઓ: અસ્થાયી મેડિકલ કેમ્પ, આયુર્વેદિક ઉત્પાદનો અને દવાઓથી રૂ. 3,000 કરોડનો વેપાર થવાનો અંદાજ દર્શાવાયો છે.

આઇટી અને ડિજિટલ સેવાઓ: ડિજિટલ પેમેન્ટ્સ, વાઈ-ફાઈ સેવાઓ અને ઈ-ટિકિટિંગથી રૂ. 1,000 કરોડનો બિઝનેસ થશે.

મનોરંજન અને મીડિયા: જાહેરાત અને પ્રમોશનલ પ્રવૃત્તિઓથી રૂ. 10,000 કરોડ થી રૂ. 15,000 કરોડનો બિઝનેસ થવાનો અંદાજ નિષ્ણાતો લગાવી રહ્યા છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “મહાકુંભના 40 કરોડ ભક્તો આપશે અર્થતંત્રને ગતિ, થશે 2 લાખ કરોડનો બમ્પર બિઝનેસ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *