દિલ્હી શરાબ પોલિસી કૌભાંડમાં સંજય સિંહ પર EDએ પોતાની પકડ કડક કરી છે અને AAPના નેતાની ધરપકડ બાદ હવે તપાસ એજન્સીએ તેમના ત્રણ સહયોગીઓને સમન્સ પાઠવ્યા છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી શરાબ પોલિસી કૌભાંડમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહના ત્રણ નજીકના સહયોગીઓ, સર્વેશ મિશ્રા, વિવેક ત્યાગી અને કંવરબીર સિંહને સમન્સ પાઠવ્યા છે. તપાસ એજન્સીને આશા છે કે તેને તેના સહયોગીઓ દ્વારા આ કૌભાંડ સાથે સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ કડીઓ મળી શકે છે તેથી દિલ્હી શરાબ પોલિસી કૌભાંડમાં સંજય સિંહની ધરપકડ બાદ EDએ તેના નજીકના લોકો પર નજર રાખવાનું શરૂ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે સંજય સિંહ 10 ઓક્ટોબર સુધી પાંચ દિવસ માટે EDની કસ્ટડીમાં છે.
EDએ સંજય સિંહના ત્રણેય સહયોગીઓને બોલાવ્યા છે. સર્વેશ મિશ્રા આજે જ ED સમક્ષ હાજર થાય તેવી શક્યતા છે. ED ત્રણેય સહયોગીઓને સંજય સિંહ સાથે આમને સામને બેસાડીને પૂછપરછ કરશે. EDનો દાવો છે કે સંજય સિંહના સહયોગી સર્વેશને તેના ઘરે બે વખત સંજય સિંહે 2 કરોડ રૂપિયા આપ્યા હતા. સંજય સિંહના પીએ વિજય ત્યાગીને પણ આરોપી અમિત અરોરાની કંપની અરાલિયાસ હોસ્પિટાલિટીમાં હિસ્સો આપવામાં આવ્યો હતો. આ બાબતોને ધ્યાનમાં રાખીને EDએ ત્રણેયને બોલાવ્યા છે.
કસ્ટડી દરમિયાન આવ્યું હતું સર્વેશ મિશ્રાનું નામ સામે
EDએ થોડા સમય પહેલા સર્વેશ મિશ્રા અને વિવેક ત્યાગીના ઘરો પર દરોડા પાડ્યા હતા. જ્યારે EDએ દિલ્હી શરાબ પોલિસી કૌભાંડમાં કોર્ટમાંથી સંજય સિંહની કસ્ટડી માંગી ત્યારે તે સમયે સર્વેશ મિશ્રાનું નામ પણ સામે આવ્યું હતું. AAP નેતા સંજય સિંહની બુધવારે (4 ઓક્ટોબર) ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમને ગુરુવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં EDએ તેમની કસ્ટડી માંગી હતી. કોર્ટે સંજય સિંહને પાંચ દિવસ માટે ED કસ્ટડીમાં મોકલી દીધા છે. 10 ઓક્ટોબર બાદ સંજયસિંહને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
કોણ છે સર્વેશ મિશ્રા અને વિવેક ત્યાગી ?
એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ સર્વેશ મિશ્રા અને વિવેક ત્યાગી બંને અરવિંદ કેજરીવાલના નેતા બન્યા પહેલાના ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનનો હિસ્સો હતો. સર્વેશ મિશ્રા મૂળ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌનો છે. તેને ફેબ્રુઆરી 2022માં AAP ઉત્તર પ્રદેશનો પ્રવક્તા બનાવવામાં આવ્યો હતો. તે સંજય સિંહના અંગત સચિવ પણ છે. આ સિવાય તે ઘણીવાર આમ આદમી પાર્ટી વતી ટીવી ડિબેટમાં ભાગ લેતા જોવા મળે છે.
જ્યારે, અજીત ત્યાગી પશ્ચિમ દિલ્હીનો રહેવાસી છે. તે ઘણીવાર સંજય સિંહ સાથે જોવા મળે છે. એક AAP સભ્યએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે તે સંજય સિંહની સાથે રહે છે અને તેમની કાર પણ ચલાવે છે. અજિત સંજય સિંહના અંગત કામ અને તેમની મુસાફરીનું ધ્યાન રાખે છે. આ સિવાય અજીત પાર્ટીનું કામ પણ જુએ છે. અજીત ત્યાગી ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનથી AAP સાથે જોડાયેલો હોવાની વાત છે.