Spread the love

બાબાસાહેબ ભીમરાવ આંબેડકર પર કરેલી ટિપ્પણીને લઈને વિપક્ષ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર સતત પ્રહારો કરી રહ્યું છે. વિપક્ષની માંગ છે કે અમિત શાહ માફી માંગે. આ અંગે વિપક્ષ દ્વારા ગૃહમાં હોબાળો થયો હતો. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી.

રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ભાષણ બાદ વિપક્ષ બાબાસાહેબ ભીમરાવ આંબેડકર અપમાન મુદ્દે અમિત શાહ માફી માંગે તેવી સતત માંગ કરી રહ્યો છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બાબાસાહેબ ભીમરાવ આંબેડકર અંગે કરેલી ટિપ્પણી અંગે કેન્દ્રીય ગૃહમંત્રીને કહ્યું કે દેશ બંધારણના નિર્માતાનું અપમાન સહન કરશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે ગૃહમંત્રીએ માફી માંગવી જોઈએ. રાહુલ ગાંધીએ સંસદ સંકુલમાં વિપક્ષના વિરોધ પ્રદર્શનનો ફોટો પણ શેર કર્યો હતો. હવે તમામ વિપક્ષી દળો આ મામલે કૂદી પડ્યા છે અને અમિત શાહ પાસે માફીની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રેસને સંબોધિત કરી છે.

કોંગ્રેસે તથ્યોને વિકૃત કરીને રજૂ કર્યા: અમિત શાહ

અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે સંસદમાં પાર્ટી અને વિપક્ષનો દૃષ્ટિકોણ અલગ છે. જ્યારે સંસદ જેવા દેશના સર્વોચ્ચ લોકતાંત્રિક મંચ પર ચર્ચા થાય છે ત્યારે તેમાં એક વાત સામાન્ય છે કે ચર્ચા તથ્યો અને સત્ય પર આધારિત હોવી જોઈએ. કોંગ્રેસ પાર્ટીએ ગઈકાલથી જે રીતે તથ્યોને વિકૃત કરવાનો પ્રયાસ કર્યો છે તે અત્યંત નિંદનીય છે અને હું તેની નિંદા કરું છું. તેમણે કહ્યું કે એટલા માટે થયું કારણ કે ભારતીય જનતા પાર્ટીના વક્તાઓએ બંધારણ, બંધારણના મૂલ્યો અને જ્યારે પણ ભારતીય જનતા પાર્ટી સત્તામાં હતી ત્યારે તથ્યો સાથે ઉદાહરણો સાથે આ વિષયને જનતા સમક્ષ રજૂ કર્યો હતો.

કોંગ્રેસે ડૉ. આંબેડકર અને સાવરકરનું અપમાન કર્યું

તેમણે વધુમાં કહ્યું કે આના આધારે નક્કી થયું કે કોંગ્રેસ બંધારણ વિરોધી પાર્ટી છે, કોંગ્રેસ બાબા સાહેબ આંબેડકર વિરોધી પાર્ટી છે, કોંગ્રેસે વીર સાવરકરનું અપમાન કર્યું છે, ન્યાયતંત્રનું અપમાન કર્યું છે, સેનાના શહીદોનું અપમાન કર્યું છે અને ભારતની ભૂમિને તોડીને તેનો ઉપયોગ વિદેશી દેશોને આપવાનું કાર્ય કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે. જ્યારે આ આખું સત્ય બહાર આવ્યું ત્યારે કોંગ્રેસ પાર્ટીએ ફરી તેને વિકૃત કરીને સમાજમાં ફેલાવવાનો પ્રયાસ કર્યો. જ્યારે સંસદમાં ચર્ચા ચાલી રહી હતી ત્યારે કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકરનો જોરદાર વિરોધ કર્યો હોવાનું સાબિત થયું હતું. બાબા સાહેબ જ્યારે હયાત નહોતા ત્યારે કોંગ્રેસે બાબા સાહેબને હાંસિયામાં ધકેલી દેવાનો પ્રયાસ કર્યો. બંધારણ સભાનું કાર્ય પૂર્ણ થયું હતું. ત્યારબાદ જ્યારે ચૂંટણી થઈ ત્યારે બંને વખત કોંગ્રેસે બાબા સાહેબને હરાવવામાં કોઈ કસર નહોતી છોડી.

કોંગ્રેસે ડૉ. બાબા સાહેબને બે વખત હરાવ્યા

અમિત શાહે વધુમાં કહ્યું કે કોંગ્રેસે ખાસ પ્રયાસો કરીને બાબા સાહેબની હાર સુનિશ્ચિત કરી. કોંગ્રેસના નેતાઓએ પોતાને જ ભારત રત્ન આપ્યો, નેહરુને 55 વર્ષની ઉંમરે અને ઈન્દિરા ગાંધીને 75 વર્ષની ઉંમરે ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. બાબા સાહેબને 1990માં ભારત રત્ન મળ્યો જ્યારે કોંગ્રેસ પાર્ટી સત્તામાં ન હતી અને ભાજપની ગઠબંધન સરકાર હતી. કોંગ્રેસે બાબા સાહેબની 100મી જન્મજયંતિ ઉજવવાની પણ ના પાડી દીધી. નેહરુજીની બાબા સાહેબ પ્રત્યેની નફરત જાણીતી છે. તેમણે વધુમાં કહ્યું કે, લાખો સ્મારકો બનાવનાર ગાંધી પરિવારના વડા નેહરુ કહે છે કે સ્મારક વૈયક્તિક પહેલ પર બનાવવું જોઈએ. અમિત શાહે કહ્યું કે આંબેડકર કલમ 370ની વિરુદ્ધ હતા. જ્યાં સુધી કોંગ્રેસ સત્તામાં હતી ત્યાં સુધી કોંગ્રેસે બાબા સાહેબનું સ્મારક બનવા દીધું નહોતું. ભાજપ સરકારે બાબા સાહેબ સાથે જોડાયેલા સ્થળોનો વિકાસ કર્યો.

ભાજપ બાબા સાહેબનું સન્માન કરે છે

અમિત શાહે વધુમાં કહ્યું કે 19 નવેમ્બર 2015ના રોજ નરેન્દ્ર મોદીએ આંબેડકરજીના સન્માનમાં 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે જાહેર કર્યો હતો. 2018 માં, પીએમ મોદીએ મહાપરિનિર્વાણ સ્થળ પર ડૉ. આંબેડકર મેમોરિયલનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું કે રાજ્યસભામાં મારા નિવેદનને તોડીમરોડીન રજૂ કરવામાં આવ્યું છે. કોંગ્રેસે નિવેદનોને વિકૃત કરીને ખોટી માન્યતાઓ ઊભી કરવાની જે પદ્ધતિ જાહેર જીવનમાં અપનાવવામાં આવેલી છે. ચૂંટણીઓ ચાલતી હતી ત્યારે પણ મારા નિવેદનને એઆઈનો ઉપયોગ કરીને એડિટ કરીને સમગ્ર દેશમાં પ્રસારિત કરવામાં આવ્યું હતું. આજે આંબેડકરજી વિશેના મારા નિવેદનને વિકૃત કરીને રજૂ કરવામાં આવ્યું છે. મારું આખું નિવેદન જનતા સમક્ષ મૂકવું જોઈએ. હું એ પાર્ટીમાંથી આવ્યો છું જે ક્યારેય બાબા સાહેબનું અપમાન ન કરી શકે.

અમિત શાહે કહ્યું- અમે આંબેડકરના સિદ્ધાંતોનો પ્રચાર કર્યો

તેમણે કહ્યું કે જ્યારે પણ ભાજપ સત્તામાં અવ્યો ત્યારે અમે બાબા સાહેબના સિદ્ધાંતોનો પ્રચાર કર્યો છે અને અનામતને વધુ મજબૂત કરવાનું કામ ભાજપે કર્યું છે. કોંગ્રેસે જે રીતે અનામતનો વિરોધ કર્યો તે પણ આપણે જાણીએ છીએ. મંડલ કમિશનનો રિપોર્ટ 31 ડિસેમ્બર 1980ના રોજ આવ્યો, ઈન્દિરાજીએ 1980માં મંડલ કમિશનને કોલ્ડ સ્ટોરેજમાં મુકી દીધો હતો. 1990માં જ્યારે બિનકોંગ્રેસી સરકાર આવી ત્યારે મંડલ કમિશનનો રિપોર્ટ સામે લાવવામાં આવ્યો હતો. જ્યારે મંડલ કમિશનનો રિપોર્ટ લાગુ કરવામાં આવ્યો ત્યારે રાજીવ ગાંધીએ OBC અનામતનો વિરોધ કરતું તેમના જીવનકાળનું સૌથી લાંબુ ભાષણ આપ્યું હતું. મારું સમગ્ર નિવેદન રાજ્યસભાના રેકોર્ડમાં સ્પષ્ટપણે ઉપલબ્ધ છે.

અમિત શાહે મલ્લિકાર્જુન ખડગે વિશે કહી આ વાત

અમિત શાહે વધુમાં કહ્યું કે આખો દેશ બાબા સાહેબનો આભારી છે. હું ફરી એકવાર કોંગ્રેસના આ દુષ્ટ પ્રયાસની સખત નિંદા કરું છું. જે રીતે બંધારણ પર બંને ગૃહમાં ચર્ચા થઈ તેમાં ભાજપે ચર્ચાનું સ્તર જાળવવાના તમામ પ્રયાસો કર્યા અને અમે આગ્રહ કર્યો કે ચર્ચા તથ્યો પર આધારિત હોવી જોઈએ, પરંતુ કોંગ્રેસે તેની ઉપર પાણી ફેરવી દીધું. આ દરમિયાન અમિત શાહે કહ્યું કે મલ્લિકાર્જુન ખડગેએ રાહુલ ગાંધીના દબાણમાં કોંગ્રેસના આ દુષ્ટ પ્રયાસનો ભાગ ન બનવું જોઈતું હતું.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *