- ગુજરાતીઓને ઠગ કહેવાનો કેસ
- અમદાવાદના રહીશ દ્વારા કરાયો છે કેસ
- અમદાવાદ મેટ્રો કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ
બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવના ગુજરાતીઓને ઠગ કહેવાના નિવેદન મામલામાં આજે અમદાવાદ મેટ્રો કોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ મામલામાં અત્યાર સુધીમાં રાજ્યમાંથી કુલ 15 સાક્ષીની જુબાની લેવામાં આવી છે, ઉપરાંત ખાનગી ન્યૂઝ ચેનલ પાસેથી તેજસ્વી યાદવના વીડિયોના અસલ પુરાવા પણ પ્રાપ્ત કરવામં આવ્યા હતા. આજે હાથ ધરાયેલી સુનાવણીમાં તેજસ્વી યાદવ વિરુદ્ધ કોર્ટે સમન્સ ઇસ્યુ કર્યું છે અને તેજસ્વી યાદવને આગામી 22 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર રહેવા જણાવાયુ છે.
ફરિયાદની સાથે ન્યૂઝ ચેનલના ફૂટેજ પણ મુકવામાં આવ્યા છે. તેજસ્વી યાદવ વિરુદ્ધ ફરિયાદમાં એવી રજૂઆત કરાઈ છે કે તેજસ્વી યાદવ બિહારના નાયબ મુખ્યમંત્રી છે, એક જવાબદાર વ્યક્તિ છે. તેમણે મીડિયા સમક્ષ એવું નિવેદન કર્યું હતું કે, ‘જો ભી દો ઠગ હૈ ના, જો ઠગ હૈ ઠગુ કો અનુમતી જો હૈ, આજ દેશ કી હાલાત મેં દેખા જાયે તો સિર્ફ ગુજરાતી હી ઠગ હો સકતે હૈ, હો શકે ઠગ કો માફ કિયા જાયેગા, એલ.આઇ.સી. કા રૂપિયા, બેંક કા રૂપિયા દે દો ફીર વો લોગ લેકે ભાગ જાયેંગે, તો કૌન જિમ્મેવાર હોગા’
અમદાવાદમાં રહેતા હરેશ મહેતાએ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે આઇપીસીની કલમ 499, 500 અંતર્ગત ગુજરાતીઓને ઠગ કહેવા બદલ મેટ્રો કોર્ટમાં ફરિયાદ કરી હતી. IPC સેક્શન 499 અને 500 અંતર્ગત બદનક્ષીની ફરિયાદ મેટ્રો કોર્ટમાં દાખલ કરવામં આવી છે. ફરિયાદી હરેશ મહેતા ઓલ ઇન્ડિયા એન્ટીકરપ્શન એન્ડ ક્રાઈમ પ્રિવેન્શન કાઉન્સિલ નામની સંસ્થાના ઉપપ્રમુખ છે. હરેશ મહેતાએ કરેલી ફરિયાદ અંતર્ગત 1 મેના દિવસે મેટ્રો કોર્ટમાં આ મામલામાં ફરિયાદી તરીકે હરેશ મહેતાનું નિવેદન લેવામાં આવ્યું હતુ. ફરિયાદીએ કોર્ટમાં જણાવ્યું હતું કે તેજસ્વી યાદવના નિવેદનથી એક ગુજરાતી તરીકે તેમને દુઃખ થયું છે. આ ગુજરાતીઓની બદનક્ષી છે. હરેશ મહેતાએ કોર્ટમાં તેજસ્વી યાદવના નિવેદનની વીડિયોન સીડી અને પેનડ્રાઈવના પુરાવા, જરૂરી સર્ટિફિકેટ સાથે જમા કરાવ્યા હતા.
8મી ઓગસ્ટે હાથ ધરાયેલી સુનાવણીમાં સીઆરપીસીના નિયમ 202 મુજબ, તપાસ પૂર્ણ થતા અરજદાર હરેશ મહેતાના વકીલે આરોપી તેજસ્વી યાદવ સામે નિયમ 204 અંતર્ગત સમન્સ કાઢવા માગ કરી હતી. અરજદાર હરેશ મહેતાના વકીલ પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં 364 જ્ઞાતિના લોકો રહે છે. કોઈ એક વ્યક્તિને કંઈ કહ્યું હોય તો ઠીક છે, પરંતુ આ સમગ્ર ગુજરાતના લોકોનું અપમાન છે. આરોપી એક રાજ્યના ઉપમુખ્યમંત્રી છે. તેનું નિવેદન સમાજના લોકોને અસર કરે છે. આ મુદ્દે આગામી સુનાવણી 28 ઓગસ્ટે હાથ ધરાશે.