સુપ્રીમ કોર્ટે વાયુ પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં લાદવામાં આવેલા ગ્રેપ-4 પ્રતિબંધોને હળવા કર્યા છે. સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ દરમિયાન બાંધકામના કામ પર રોક લગાવવાને કારણે કામદારોને આર્થિક મદદ કરવાનો આદેશ આપ્યો હતો જેનું યોગ્ય રીતે પાલન ન થતા સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી દિલ્હી સરકારને ફટકાર લગાવી હતી. કોર્ટે દિલ્હી સરકારને ફટકાર લગાવતા કહ્યું કે તમામ નોંધાયેલા કામદારો જેમને માત્ર 2,000 રૂપિયા આપવામાં આવ્યા છે તેમને 8,000 રૂપિયા આપવામાં આવે. આ માટે કોર્ટે સરકારને એક દિવસનો સમય આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્ય સચિવને બાકીની રકમ એક દિવસમાં કામદારોના ખાતામાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે કામદારોને ભૂખે મરવા માટે છોડી શકાય નહીં. કોર્ટે વધુ બાંધકામ કામદારોની ઓળખ કરવામાં સરકારની નિષ્ફળતા પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કામદારો આર્થિક સહાય મેળવવા માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે તે માટે દિલ્હી સરકારને તાત્કાલિક શ્રમિક સંગઠનો સાથે બેઠક યોજવાનો આદેશ આપ્યો છે. આવો જ આદેશ NCR, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં સમાવિષ્ટ રાજ્યોને પણ આપવામાં આવ્યો છે.
દિલ્હી-NCRમાં હવાની ગુણવત્તા સૂચકાંકમાં સુધારા સાથે સુપ્રીમ કોર્ટે CAQM ને GRAP-IV પ્રતિબંધો હળવા કરવાની મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટે CAQMને દિલ્હી-NCRમાં AQIમાં વધુ સુધારો ન થાય ત્યાં સુધી GRAP-3માંથી કેટલાક વધારાના પગલાં સામેલ કરવાનું સૂચન કર્યું છે. સુપ્રીમ કોર્ટે CAQM ને જો AQI 350 ને વટાવે તો GRAP-3 અને જો AQI 400 વટાવે તો GRAP-4 નો અમલ કરવાનો નિર્દેશ આપ્યો.