રાજસ્થાનના જયપુરમાં કથા માટે આવેલા જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્યએ અનામત મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, “સરકારોએ જાતિ આધારિત આરક્ષણ સમાપ્ત કરવું જોઈએ અને તેને આર્થિક આધાર પર આપવું જોઈએ.” તેમનું માનવું છે કે આ પગલું ટૂંક સમયમાં લેવામાં આવશે, જેથી સમાજમાં જાતિવાદને ખતમ કરી શકાય.
જાતિવાદનો અંત લાવવાની જરૂર
સ્વામી રામભદ્રાચાર્યએ કહ્યું, “અમે ઉચ્ચ જાતિના સમુદાયમાં જન્મીને કોઈ પાપ કર્યું નથી.” તેમણે વધુમાં કહ્યું હતું કે, “જો કોઈ ઉચ્ચ જાતિના બાળકને 100 ટકા માર્ક્સ મેળવીને જોડા સીવવાની નોકરી મળે છે અને SCના બાળકને 4% માર્ક્સ હોય તો પણ નોકરી મળે છે તો આને સમાપ્ત કરવું પડશે.” તેમણે તર્ક આપ્યો કે જાતિના આધારે અનામત નાબૂદ કરવી જોઈએ અને આર્થિક ધોરણે અનામતનો અમલ થવો જોઈએ તેનાથી જાતિવાદ અને ગૃહયુદ્ધની સ્થિતિ આપોઆપ ખતમ થઈ જશે.
બધા હિન્દુઓ એક છે: જાતિવાદને કોઈ સ્થાન નથી
સ્વામી રામભદ્રાચાર્યએ તેમના મંતવ્યો વધુ સ્પષ્ટ કરતા કહ્યું, “કોઈ SC, ST, OBC નથી, બધા હિંદુઓ એક છે અને બધા ભારતીયો એક છે. આર્થિક ધોરણે આરક્ષણ આપવાથી જાતિવાદનો આ મુદ્દો ખતમ થઈ જશે. તેમણે એમ પણ કહ્યું કે હિંદુ ધર્મમાં અસ્પૃશ્યતા નથી. તેમનું માનવું છે કે તમામ જાતિઓ વચ્ચે કોઈ તફાવત હોવો જોઈએ નહીં અને હિંદુ ધર્મમાં સમાનતાને પ્રોત્સાહન આપવું જોઈએ.
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રની ઉત્પત્તિ અંગે શું કહ્યું?
સ્વામી રામભદ્રાચાર્યે પણ હિન્દુ સમાજના વિવિધ વર્ગોની ઉત્પત્તિ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું, “મુખમાંથી બ્રાહ્મણ, બાવડામાંથી ક્ષત્રિય, જાંઘમાંથી વૈશ્ય અને પગમાંથી શુદ્રની ઉત્પત્તિ થઈ.” તેમણે એમ પણ કહ્યું કે “જો મસ્તક પગ પાસે નમી જાય તો તે અપવિત્ર કેવી રીતે થઈ શકે?” તેમનું નિવેદન દર્શાવે છે કે હિંદુ સમાજમાં જાતિવાદ માટે કોઈ સ્થાન ન હોવું જોઈએ અને તમામ વર્ગોને સમાન માન્યતા મળવી જોઈએ.
સ્વામી રામભદ્રાચાર્યનું નિવેદન અનામત, જાતિવાદ અને હિંદુ એકતા અંગે એક નવો પરિપ્રેક્ષ્ય રજૂ કરે છે. તેમનું સૂચન કે આરક્ષણ જાતિવાદને બદલે આર્થિક આધાર પર હોવું જોઈએ તે સમાજમાં સમાનતા તરફનું પગલું ગણાવાઈ રહ્યું છે.