- તમિલનાડુમાં નવા પક્ષની જાહેરાત કરી શકે છે રજનીકાંત
- તમિલનાડુની રાજનીતિમાં મજબૂત વિકલ્પ બની શકે
- જયલલિતા અને કરૂણાનિધિના અવસાનથી સર્જાયો રાજકીય અવકાશ
દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંત નવા રાજકીય પક્ષની જાહેરાત કરી શકે છે
આવતા મહિને જીવનના 70 દાયકા પુરા કરનારા ફિલ્મસ્ટાર રજનીકાંત આજે ‘રજની મક્કલ મંડરમ’ના જીલ્લા મંત્રીઓની સાથે મીટીંગ કરી રહ્યા છે. આ મીટીંગ દરમિયાન રજનીકાંત આજે પોતાના નવા રાજકીય પક્ષની જાહેરાત કરી શકે છે. રજનીકાંતે જોકે ‘રજની મક્કલ મંડરમ’ ની સ્થાપના તો કરી જ દીધી છે અને એના જીલ્લા મંત્રીઓની પણ નિમણૂંકો કરી દીધેલી છે આ જીલ્લા મંત્રીઓ સાથે જ હાલમાં મીટીંગ ચાલી રહી છે.
નવા પક્ષની જાહેરાત અંગે રજનીકાંતે શું કહ્યું
સુપરસ્ટાર રજનીકાંતના કોડમ્બકમ ખાતે આવેલા લગ્ન હોલમાં આજે મીટીંગ ગોઠવાઈ છે. ઘણા વખતથી રજનીકાંત રાજનીતિમાં પ્રવેશી રહ્યા છે એવા અનુમાનોને આજે અંત આવી શકે છે. રજનીકાંતે જણાવ્યું હતું કે, હું જીલ્લાના મંત્રીઓને મળીશ. જીલ્લા મંત્રીઓ પોતાના અભિપ્રાય રજૂ કરશે અને હું મારા અભિપ્રાય રજૂ કરીશ. જીલ્લા મંત્રીઓએ હું જે કોઈ પણ નિર્ણય લઈશ તેમાં તેમનું સમર્થન હશે એવી મને ખાતરી આપી છે. હું મારો નિર્ણય ટુંક સમયમાં જાહેર કરીશ.
રજનીકાંતે ગયા મહિને રાજકીય એન્ટ્રી મોડી થવાના સંકેત આપ્યા હતા
ગયા મહિને ફિલ્મસ્ટાર રજનીકાંતે પોતાની રાજકીય મેદાનમાં એન્ટ્રી મોડી થઈ શકે છે એવા એંધાણ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગયા મહિને રજનીકાંતે લખ્યો હોવાનો દાવો કરતો એક પત્ર સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં ડૉક્ટરને ટાંકીને એક્ટરની તંદુરસ્તીની ચિંતા દર્શાવાઈ હતી. જોકે રજનીકાંતે આ પત્રને ફેક ગણાવ્યો હતો અને એવું કહ્યું હતું કે પત્રમાં જણાવેલ તંદુરસ્તીને લગતી વાત સાચી ગણવી જોઈએ કે વર્તમાન મહામારી કોરોનાનું જોખમ વધારે છે.
બે દિવસથી પરિવર્તનની જરૂર છે એવી પોસ્ટ્સની સોશ્યલ મીડિયામાં ભરમાર
તમિલનાડુમાં એપ્રિલ-મે 2021 માં વિધાનસભાની ચુંટણી છે. ઘણાં વર્ષો બાદ તમિલનાડુમાં જયલલિતા અને કરૂણાનિધિ જેવા દિગ્ગજ અને જનતા ઉપર પકડ ધરાવતા નેતાઓની ગેરહાજરીમાં ચુંટણી થવા જઈ રહી છે. જયલલિતા અને કરૂણાનિધિના નિધન બાદ તમિલનાડુની રાજનીતિમાં જે અવકાશ સર્જાયો છે એનો સીધો લાભ રજનીકાંતને મળે તેવી સંભાવના દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે જયલલિતા અને કરૂણાનિધિ બંને રાજનીતિમાં આવ્યા તે પહેલા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ ધરાવતા હતા. બંને નેતાઓની ગેરહાજરીનો ફાયદો મળી શકે છે તે શક્યતાઓ જોતાં રજનીકાંતના સમર્થકોએ સોશ્યલ મીડિયામાં છેલ્લા બે દિવસથી પરિવર્તનની જરૂર છે એવા ઉલ્લેખ કરતી પોસ્ટ્સનો જબરદસ્ત મારો ચલાવ્યો છે.
રજનીકાંતની એન્ટ્રી અને તમિલનાડુના રાજકીય સમીકરણો
તમિલનાડુની રાજનીતિમાં વર્ષોથી બે પાર્ટીઓ સ્વ. કે. કરૂણાનિધિની DMK અને સ્વ. જે. જયલલિતાની ઓલ ઈન્ડિયા અન્ના ડીએમકે (AIADMK) નું પ્રભુત્વ ધરાવે છે, આ ઉપરાંત કેટલાક નાના પક્ષો પણ વખતોવખત પોતાની શક્તિ દેખાડતા રહ્યા છે.. ભારતીય જનતા પાર્ટી (BJP) તથા કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષોને પણ ડીએમકે (DMK) અથવા એઆઈએડીએમકે (AIADMK) સાથે જોડાણ કરવું જ પડે છે. વર્તમાન સમયમાં બંને પ્રાદેશિક પક્ષો આંતરિક જુથબંધીથી પરેશાન છે. ડીએમકે (DMK) માં કે. કરૂણાનિધિના બે પુત્રો સ્ટાલિન અને અલાગીરી તથા પુત્રી કનીમોઝી તથા એઆઈએડીએમકે (AIADMK) માં પણ જે. જયલલિતાના સમર્થકો વચ્ચે પાર્ટી ઉપર પ્રભુત્વ મેળવવા માટે ગજગ્રાહ ચાલી રહ્યો છે. ભાજપ રજનીકાંતનું સમર્થન મેળવવા મથે છે જોકે તાજેતરની કેન્દ્રીય ગૃહમંત્રી તથા ભાજપના નેતા અમિત શાહની તમિલનાડુ મુલાકાત વખતે રજનીકાંત ભાજપને સમર્થન આપશે એવા અહેવાલો આવ્યા હતા.
રજનીકાંત નવા પક્ષની જાહેરાત કરશે ?
આજે ‘રજની મક્કલ મંડરમ’ ના જીલ્લા મંત્રીઓ સાથે મંત્રણા કરી રહેલા દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંત પોતાની રાજકીય પાર્ટીની જાહેરાત અંગે ચાલતી અટકળોનો અંત લાવશે એવું જાણવા મળે છે. રજનીકાંત શું જાહેરાત કરે છે તેની ઉપર રાજકીય પંડિતો, વિશ્લેષકો અને રાજકીય પાર્ટીઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે.