લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બુધવારે ઉત્તર પ્રદેશના કોંગ્રેસના સાંસદો સાથે સંભલની જશે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાયે મંગળવારે આ જાણકારી આપી હતી. અજય રાયે કહ્યું કે પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ રાહુલ સાથે સંભલની મુલાકાત લઈ શકે છે.
અજય રાયે પીટીઆઈને જણાવ્યું હતું કે, “પ્રતિનિધિમંડળનું નેતૃત્વ રાહુલ ગાંધી કરશે અને પ્રતિનિધિમંડળમાં ઉત્તર પ્રદેશમાંથી કોંગ્રેસના તમામ છ સાંસદો હશે. પાર્ટીના મહાસચિવ અને રાજ્ય પ્રભારી અવિનાશ પાંડે પણ તેમની સાથે રહેશે.
રાજ્ય કોંગ્રેસના વડાએ કહ્યું કે તેઓ પણ રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધી સાથે સંભલ જશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કેરળના વાયનાડથી પાર્ટીના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ તેમના ભાઈ સાથે જશે કે કેમ ત્યારે રાયે કહ્યું કે તે પણ જઈ શકે છે.
સંભલમાં બહારના લોકોના પ્રવેશ પરનો પ્રતિબંધ શનિવારે સમાપ્ત થઈ રહ્યો હતો જેને જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેન્દ્ર પેન્સિયાએ તેને 10 ડિસેમ્બર સુધી લંબાવી દીધો છે. દરમિયાન, જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું છે કે જિલ્લામાં શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે 31 ડિસેમ્બર સુધી ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતાની કલમ 163 (નિષેધાજ્ઞા) લાગુ રહેશે.
તેમણે કહ્યું, “10 ડિસેમ્બર સુધી, સક્ષમ અધિકારીની પરવાનગી લીધા વિના કોઈ બહારની વ્યક્તિ, સામાજિક સંસ્થા અથવા જનપ્રતિનિધિ જિલ્લામાં પ્રવેશી શકશે નહીં.”
24 નવેમ્બરના રોજ કોર્ટના આદેશ પર સંભલની મસ્જિદના સર્વેક્ષણ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી, જેમાં ચાર લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.
કોર્ટમાં દાખલ કરવામાં આવેલા દાવામાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પહેલા મસ્જિદની જગ્યાએ હરિહર મંદિર હતું.
રાહુલ ગાંધીની સંભલ મુલાકાત વિશે પૂછવામાં આવતા સંભલના પોલીસ અધિક્ષક કૃષ્ણ કુમારે મંગળવારે પીટીઆઈને કહ્યું, “સંભલમાં BNSSની કલમ 163 પહેલાથી જ લાગુ છે. કોઈને સંભલમાં આવવાની છૂટ નથી. જો તે આવશે તો તેને નોટિસ આપવામાં આવશે.
રાહુલ ગાંધીની સંભલ મુલાકાત ઉપર કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે યુપી સરકાર શું છુપાવવા માંગે છે. હાથરસમાં ન જવા દીધા અને જે બન્યું તે બધાએ જોયું. ઉન્નાવ જવા દેવામાં ન આવ્યા, કુલદીપ સિંહ સેંગર દોષિત સાબિત થયા. લખીમપુર ખીરી પણ જવા દેવાયા નહોતા. આ યુપી સરકારની પેટર્ન છે. છેવટે, તમે સંભલમાં શું છુપાવવા માંગો છો? ત્યાં પોલીસની ગોળીથી 5 લોકોના મોત થયા છે. 30 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીનો આ અધિકાર અને બંધારણીય ફરજ છે.
ઉલ્લેખનીય છે કે સોમવારે કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી અને તેમના નેતા અજય રાય જઈ શકે તે માટે પાર્ટી કાર્યાલયની બહારના બેરિકેડ પર ચઢવાનો પ્રયાસ કર્યો હતો.