રાજ્યસભામાં ગઈ કાલે મોડી રાત્રે આખરે 27 વર્ષની પ્રતિક્ષા બાદ નારીશક્તિ વંદન અધિનિયમ, મહિલા આરક્ષણ બિલ પાસ કોઈ પણ અવરોધ વગર, એકપણ વોટ વિરોધમાં પડ્યા વગર પાસ થઈ ગયું. ભારતના ઇતિહાસનું આ સૌથી મહત્વપૂર્ણ અને દેશના અડધા મતદારોને અધિકાર આપતું બિલ છે.
આ પહેલા નારીશક્તિ વંદન અધિનિયમ, મહિલા આરક્ષણ બિલ લોકસભામાં વિના વિરોધે પસાર થયું હતું જો કે મહિલા આરક્ષણ બિલના વિરોધમાં માત્ર 2 મત વિરોધમાં પદયા હતા જે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીના હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય સભામાં નારીશક્તિ વંદન અધિનિયમ, મહિલા આરક્ષણ બિલ પાસ થવા પર ટ્વીટ કરીને પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે, આપણા દેશની લોકતાંત્રિક યાત્રામાં આ એક નિર્ણાયક ક્ષણ છે. 140 કરોડ ભારતીયોને અભિનંદન. હું તે તમામ રાજ્યસભા સાંસદોનો આભાર માનું છું જેમણે નારી શક્તિ વંદન એક્ટ માટે મતદાન કર્યું. આવો સર્વસંમત સમર્થન ખરેખર હ્રદયસ્પર્શી છે.
27 વર્ષોની પ્રતિક્ષા બાદ દેશની માતૃશક્તિને તેમના અધિકાર આપાવવામાં સફળતા મેળવવા બદલ ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલય પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય અભિવાદન કરવાની ભાજપે યોજના બનાવી છે. થોડી જ વારમાં વડાપ્રધાન ભાજપ મુખ્યાલય પહોંચી ચૂક્યા છે. ત્યાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પોતાના વક્તવ્ય માં વડાપ્રધાનનું અભિવાદન કરતાં કહ્યું કે, એ આપના અતૂટ નિશ્ચય, અદ્ભુત નિર્ણય શક્તિનું પરિણામ છે કે કલમ 370 દૂર થઈ, OROPનો મુદ્દાનું નિરાકરણ આવ્યું, મુસ્લિમ મહિલાઓને ટ્રિપલ તલાકથી આઝાદી અપાવી, જેની કોઈ કલ્પના પણ ન કરી શકે એવી આર્થિક નબળા વર્ગ માટે આરક્ષણ અપાવ્યું અને આજે દેશની મહિલાઓ માટે આરક્ષણ અપાવીને એક ઐતિહાસિક કાર્ય કર્યું છે. જે.પી. નડ્ડાએ સરકારની અન્ય યોજનાઓ જેવી કે સ્વચ્છ ભારત અભિયાન, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજવલા યોજના તથા જળ જીવન મિશન નો ઉલ્લેખ કરીને નરેન્દ્ર મોદી સરકાર દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે સતત લેવાઈ રહેલા પગલાઓનો ઉલ્લેખ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વક્તવ્યની શરૂઆતમાં કહ્યું કે ગયા બે દિવસ ઐતિહાસિક હતા અને એ એતિહાસના આપણને સાક્ષી બનવાનો અવસર પ્રાપ્ત થયો. આ સમગ્ર દેશ માટે ઐતિહાસિક છે. ભાજપના પ્રત્યેક કાર્યકર્તા અતે ખૂબ જ ખાસ છે, આજે પ્રત્યેક નારીનો આત્મવિશ્વાશ આકાશને આંબી રહ્યો છે. આખા દેશની માતા-બહેનો આજે ખુશી મનાવાઈ રહી છે અને આપણને આશીર્વાદ આપી રહી છે. નારી શક્તિ અધિનિયમ કોઈ સામાન્ય નથી એ નવા ભારતની નવી શક્તિનો ઉદઘોષ છે. વડાપ્રધાને દેશની પ્રત્યેક માતા-બહેનોને નારી શક્તિ અધિનિયમ માટે અભિનંદન આપ્યા હતા. વડાપ્રધાને કહ્યું ભાજપ છેલ્લા ત્રણ દશકથી મહિલા સશક્તિકરણ માટે પ્રયાસરત હતી તે આજે પૂર્ણ થયું. જ્યારે મંશા પવિત્ર હોય, પ્રયાસોમાં પારદર્શિતા હોય તો પરેશાનીઓને પાર કરીને પરિણામ મેળવી શકાય છે. વડાપ્રધાને બધા સાંસદોને અભિનંદન આપ્યું. ભારતને વિકસિત દેશ બનાવવા માટે નારી શક્તિને મળેલું આ આકાશ છે. આ ઉપરાંત અન્ય મહિલાલક્ષી યોજનાઓનો ઉલ્લેખ કર્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ “બેટી બચાઓ બેટી પઢાઓ” આંદોલનનો ઉલ્લેખ કર્યો અને જેનાથી દેશના મહિલા અને પુરુષના રેશિયોમાં સુધાર થયો છે.