- આજથી નવી સંસદમાં સત્ર શરૂ થયું
- અર્જુનરામ મેઘવાલે મહિલા અનામત બિલ રજૂ કર્યું
- મલ્લિકાર્જુન ખડગેના વિધાન પર હોબાળો
આજે નવી સંસદમાં પ્રથમ વખત સંસદનું વિશેષ સત્ર શરૂ થયું હતું. અપેક્ષા મુજબ સરકાર દ્વારા મહિલા અનામત બિલ રજૂ થવાનું હતું. કાયદામંત્રી અર્જુન મેઘવાલે લોકસભામાં ઐતિહાસિક નારીશક્તિ વંદન અધિનિયમ બિલ રજૂ કર્યું હતું. અર્જુન મેઘવાલ દ્વારા બિલ લોકસભામાં રજૂ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ નીચલા ગૃહમાં બિલ પર પોતાના વિચારો રજૂ કરતા વક્તવ્ય આપ્યા હતા. પીએમ મોદીએ નીચલા ગૃહને સંબોધન કર્યા બાદ રાજ્યસભાને સંબોધિત કરી હતી. વડા પ્રધાનના વક્તવ્ય બાદ રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બિલ પર તેમના વિચારો રજૂ કર્યા હતા. ખડગેએ SC, ST અને OBC મહિલાઓનો મુદ્દો ઉઠાવ્યો અને એવું નિવેદન કર્યું જેનાથી ગૃહમાં હોબાળો મચ્યો હતો. સત્તાધારી પક્ષના સાંસદોએ ખડગેના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો અને હંગામો મચાવ્યો હતો.
શું નિવેદન કર્યું મલ્લિકાર્જુન ખડગેએ?
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ મહિલા અનામત બિલ પર પોતાના વિચારો રજૂ કરતાં કહ્યું કે, અનુસૂચિત જાતિ (SC) મહિલાઓનો સાક્ષરતા દર ઓછો છે અને તેથી જ રાજકીય પક્ષોને નબળા મહિલાઓને પસંદ કરવાની આદત છે અને જેઓ શિક્ષિત છે અને લડી શકે છે તેમને પસંદ કરશે નહીં. તેમણે કહ્યું, હું દરેક પાર્ટી માટે બોલી રહ્યો છું. ભારતના દરેક પક્ષમાં આવું છે. આ કારણોસર મહિલાઓ પાછળ રહે છે. તમે તેમને ક્યારેય વાત કરવા દીધી નથી, તમે તેમને ક્યારેય આગળ વધવા નથી દીધી.
મલ્લિકાર્જુન ખડગેના આ પ્રકારના નિવેદન પર સત્તાધારી પક્ષે તરત જ વળતો પ્રહાર કર્યો, નાણામંત્રી નિર્મલા સીતારમણે સરકાર વતી ખડગેના નિવેદનનો ઉત્તર આપ્યો.
નિર્મલા સિતારમણે કહ્યું કે, અમે વિપક્ષના નેતાનું સન્માન કરીએ છીએ, પરંતુ તમામ પક્ષો સક્ષમ, અસરકારક ન હોય તેવી મહિલાઓને ચૂંટે છે તેવું નિવેદન કરવું સંપૂર્ણ રીતે સ્વીકાર્ય નથી. વડાપ્રધાન અને અમારી પાર્ટીએ અમને બધાને સશક્ત, સક્ષમ કર્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી એક મજબૂત મહિલા છે. અમારી પાર્ટીની દરેક મહિલા સાંસદ સશક્ત છે. નિર્મલા સિતારમણે કહ્યું કે, મને ખડગેના નિવેદન સામે વાંધો છે.
સરકારે મંગળવારે સંસદના નીચલા ગૃહ, રાજ્ય વિધાનસભાઓ અને દિલ્હી વિધાનસભામાં મહિલાઓને એક તૃતીયાંશ અનામત આપવા સંબંધિત ઐતિહાસિક નારીશક્તિ વંદન બિલ લોકસભામાં રજૂ કર્યું હતું.