મોદી સરકાર સોમવાર (25 નવેમ્બર)થી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર દરમિયાન પાંચ નવા કાયદા સહિત 15 બિલ લાવવાની તૈયારી કરી રહી છે. જ્યારે વિપક્ષ અદાણી ગ્રૂપ પર લાંચના આરોપો, મણિપુર હિંસા, ઉત્તર ભારતમાં પ્રદૂષણ અને રેલવે અકસ્માતો પર ચર્ચાની માંગ કરી રહ્યો છે ત્યારે શિયાળુ સત્ર જબરદસ્ત ટકરાવ રહેવાનું હોવાના અણસાર દેખાય છે.
સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થઈને 20 ડિસેમ્બર સુધી ચાલવાનું છે. સત્ર શરુ થતા અગાઉ, સરકારે રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી, જેમાં સરકારે સંસદની સુચારૂ કામગીરી માટે તમામ પક્ષોને અપીલ કરી હતી. આ જાણકારી સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ આપી હતી. સરકારે શિયાળુ સત્ર માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે ત્યારે વિપક્ષ પણ હંગામો કરવાના મૂડમાં જોવા મળી રહ્યો છે. સરકાર આ સત્રમાં 5 નવા કાયદાઓ સહિત 15 બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે, જ્યારે વિપક્ષ અદાણી ગ્રુપ પર લાંચના આરોપો સિવાય મણિપુર મુદ્દા, ઉત્તર ભારતમાં પ્રદૂષણ અને રેલ્વે અકસ્માતો પર ચર્ચાની માંગ કરી રહ્યો છે.
મોદી સરકારની 5 નવા કાયદા સહિત 15 બિલ લાવવાની તૈયારી
મોદી સરકાર સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર દરમિયાન પાંચ નવા કાયદા સહિત 15 બિલ લાવવાની તૈયારી કરી રહી છે. પાંચ નવા બિલમાં સહકારી યુનિવર્સિટીની સ્થાપનાનું બિલ પણ સામેલ છે. પેન્ડિંગ બિલોમાં વક્ફ (સુધારા) બિલનો પણ સમાવેશ થાય છે, બંને ગૃહોની સંયુક્ત સમિતિ લોકસભામાં તેનો અહેવાલ રજૂ કરે તે પછી વિચારણા અને પસાર કરવા માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યુ છે.
સૌની નજર ચોમાસુ સત્ર દરમિયાન લોકસભામાં રજૂ કરવામાં આવ્યા બાદ સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલવામાં આવેલા વકફ (સુધારા) બિલ પર છે. સંયુક્ત સંસદીય સમિતિએ શિયાળુ સત્રના પ્રથમ સપ્તાહના અંતિમ દિવસે પોતાનો અહેવાલ સોંપવાનો છે. વિપક્ષી દળોએ પહેલેથી જ વકફ બિલની તપાસ કરી રહેલી JPCનો કાર્યકાળ વધારવાની માંગ કરી રહ્યા છે. વિરોધ પક્ષો અને મુસ્લિમ સંગઠનોએ નવા બિલમાં પ્રસ્તાવિત ઘણા સુધારાનો વિરોધ કર્યો છે ત્યારે વર્તમાન સત્રમાં હોબાળો થવાની સંભાવના છે.
આ ચાર મુદ્દા ઉપર ચર્ચાની માંગ કરી વિપક્ષે
સંસદના શિયાળુ સત્ર પહેલા યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસે અદાણી જૂથ સામેના લાંચના આરોપો પર ચર્ચાની માંગ કરી હતી. આ ઉપરાંત વિપક્ષી પાર્ટીઓએ મણિપુર મુદ્દા, ઉત્તર ભારતમાં પ્રદૂષણ અને રેલ્વે અકસ્માતો પર પણ ચર્ચાની માંગ કરી હતી. કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ પત્રકારોને જણાવ્યું હતું કે તેમની પાર્ટીએ સરકારને અદાણી જૂથ સામેના લાંચના આરોપો પર સંસદમાં ચર્ચા કરવાની મંજૂરી આપવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે તેમની પાર્ટી ઈચ્છે છે કે સોમવારે સંસદની બેઠકમાં આ મુદ્દો સૌથી પહેલા ઉઠાવવામાં આવે.
કેમ બોલાવી સરકારે સર્વપક્ષીય બેઠક ?
સંસદના શિયાળુ સત્ર પહેલા સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કોંગ્રેસના નેતાઓ જયરામ રમેશ અને ગૌરવ ગોગોઈ ઉપરાંત ટી શિવા, હરસિમરત કૌર બાદલ અને અનુપ્રિયા સામેલ હતા. પટેલે હાજરી આપી હતી.ઉલ્લેખનીય છે કે શિયાળુ સત્ર સોમવાર 25 નવેમ્બરથી શરૂ થશે અને 20 ડિસેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન આ બેઠકમાં સરકારે શિયાળુ સત્રના એજન્ડા વિશે માહિતી આપી અને સંસદની સુચારૂ કામગીરી માટે તમામ પક્ષોને અપીલ કરી. બંધારણ સ્વીકારની 75મી વર્ષગાંઠ નિમિત્તે જૂના સંસદભવનના સેન્ટ્રલ હોલમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
સંસદીય પરંપરા અનુસાર સરકાર દ્વારા વિપક્ષને તેના કાયદાકીય એજન્ડા વિશે જણાવવા તેમજ પક્ષો સંસદમાં જે મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગે છે તેની ચર્ચા કરવા માટે આ બેઠક બોલાવવામાં આવે છે. આવી બેઠક દ્વારા સરકાર ઔપચારિક રીતે સત્ર દરમિયાન બંને ગૃહોમાં વિરોધ પક્ષો પાસેથી સહકાર માંગે છે.