Spread the love

સંસદનું પાંચ દિવસનું વિશેષ સત્ર શરૂ થઈ રહ્યું છે. વિશેષ સત્ર કેવું રહેશે તે અંગે અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. આ દરમિયાન સરકારે જણાવ્યું છે કે આ વિશેષ સત્રમાં આઠ બિલ રજૂ કરવામાં આવશે.

વિપક્ષ એવી માંગ કરી રહ્યો છે કે આ વિશેષ સત્રમાં મહિલા અનામત બિલ રજૂ કરીને પસાર કરવામાં આવે. સંસદનું વિશેષ સત્ર 18 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. સત્ર શરૂ થાય તે પહેલા રવિવારે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે નવા સંસદ ભવનમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિશેષ સત્ર શરૂ થતાં પહેલા સંબોધન કરતાં કહ્યું કે આ સત્ર નાનું છે, પરંતુ સમયની દૃષ્ટિએ મોટું સત્ર છે. આ ઐતિહાસિક નિર્ણયોનું સત્ર હશે. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે આખી દુનિયામાં આ (ચંદ્રયાન-3) જેવી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, ત્યારે તે આધુનિકતા અને ટેક્નોલોજી સાથે જોડાયેલી છે. અને જ્યારે આવું થાય છે, ત્યારે ઘણી તકો આપણા દ્વારે ઊભી રહે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં પ્રવેશતા પહેલા સંસદ સંકુલમાં સંબોધન કરતાં કહ્યું કે ચંદ્ર પર ત્રિરંગો લહેરાઈ રહ્યો છે. શિવ શક્તિ પોઈન્ટ પ્રેરણાનું કેન્દ્ર બની ગયું છે. ચંદ્રયાન 3 પ્રેરણાનું નવું કેન્દ્ર છે. G-20ની અભૂતપૂર્વ સફળતા, ઘણી શક્યતાઓ અને સફળતા અને ભારત ગ્લોબલ સાઉથનો અવાજ બની ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગળ જણાવ્યું કે ભારતને હંમેશા એ વાત પર ગર્વ રહેશે કે આફ્રિકન યુનિયન જી-20નું કાયમી સભ્ય બન્યું છે. આ બધું ભારતના ઉજ્જવળ ભવિષ્યની નિશાની છે. ગઈકાલે એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ સેન્ટર ‘યશોભૂમિ’ પણ દેશને સમર્પિત કરવામાં આવ્યું છે. આવતીકાલે આવતી ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવારને યાદ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું આવતીકાલે ગણેશ ચતુર્થીનું પવિત્ર પર્વ છે. ગણેશજીને વિઘ્નો દૂર કરનાર માનવામાં આવે છે. હવે ભારતની વિકાસયાત્રામાં કોઈ વિઘ્નો નહીં આવે, હવે ભારત તેના તમામ સંકલ્પો અને સ્વપ્નોને કોઈપણ અવરોધ વિના પૂરા કરશે. તેથી, ગણેશ ચતુર્થીના દિવસે આ નૂતન પ્રસ્થાન નવા ભારતના તમામ સપનાઓ પૂર્ણ કરશે.


Spread the love