મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના 100 થી વધુ ખેડૂતોએ શનિવારે દાવો કર્યો કે જેની ઉપર તેઓ પેઢીઓથી ખેતી કરે છે તે જમીન ઉપર વક્ફ બોર્ડે દાવો કર્યો છે.
ખેડુતોએ જણાવ્યું હતું કે છત્રપતિ સંભાજીનગરમાં મહારાષ્ટ્ર સ્ટેટ વક્ફ ટ્રિબ્યુનલમાં દાવો દાખલ કરવામાં આવ્યો છે અને કુલ 300 એકર જમીન ધરાવતા 103 ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે.
તુકારામ કાનવટેએ પીટીઆઈને જણાવ્યું હતું કે “આ જમીનો ઉપર અમે પેઢીઓથી રહીએ છીએ, આ જમીન અમને અમારા પૂર્વજો તરફથી મળેલી છે આ વકફની મિલકત નથી. અમે ઇચ્છીએ છીએ કે મહારાષ્ટ્ર સરકાર અમને ન્યાય આપે. આ મામલે કોર્ટમાં બે સુનાવણી થઈ છે અને આગામી સુનાવણી 20 ડિસેમ્બરે છે.”
કોંગ્રેસ સરકારના પાપનું પરિણામ: ભાજપ
મહારાષ્ટ્ર વક્ફ બોર્ડ તરફથી લાતુરના ખેડૂતોને જમીન માટે નોટિસ મળવા પર ભાજપના નેતા યોગેશ સાગરે કહ્યું, ‘આ (તત્કાલીન) કોંગ્રેસ સરકારનું પાપ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વકફ પર કાયદો લાવવા જઈ રહ્યા છે. કોંગ્રેસે વકફ બોર્ડને વધારાની સત્તાઓ આપવાનું પાપ કર્યું અને તેનું પરિણામ દેશ ભોગવી રહ્યો છે.’
વક્ફ બોર્ડ બિલ (સુધારો) લોકસભામાં રજૂ કરવામાં આવ્યું
તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે 8 ઓગસ્ટના રોજ લોકસભામાં વકફ (સંશોધન) બિલ રજૂ કર્યું છે. આ બિલનો ઉદ્દેશ વક્ફ બોર્ડની કામગીરીને સુવ્યવસ્થિત કરવાનો અને તેની મિલકતોના સંચાલનને સર્વગ્રાહી અને સુદ્રઢ બનાવવાનો છે. હાલમાં સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તેની સમીક્ષા કરવામાં આવી રહી છે.