મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવે ઘણો વખત થઈ ચુક્યો છે પરંતુ હજુ સુધી મુખ્યમંત્રીના નામ ઉપર કોકડુ ગુંચવાયું છે. જોકે પહેલા હરિયાણા અને બાદમાં મહારાષ્ટ્રમાં ભાજપને મળેલા વિજય બાદ કેટલાક વિપક્ષી પક્ષો અને કેટલાક અન્ય લોકો ઈવીએમ ઉપર પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. અહીં એક વાત નોંધવા લાયક છે કે હજુ સુધી એક પણ વખત, એક પણ વ્યક્તિ કે પક્ષ દ્વારા ઝારખંડમાં ઝારખંડ મુકિત મોરચાને મળેલા વિજય અંગે ઈવીએમ ઉપર પ્રશ્ન નથી કરી રહ્યા. ત્યારે મહારાષ્ટ્રમાં પરિણામ બાદ રાજ્યભરના ઘણા ઉમેદવારોએ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) ના માઇક્રોકન્ટ્રોલર્સની ચકાસણી માટે ચૂંટણી પંચને અરજી કરવાનું શરૂ કર્યું છે. આ મુદ્દે સૌથી મોટા સમાચાર પુણેથી આવ્યા છે જેમાં પૂણેના 21 મતવિસ્તારોમાંથી 11 ઉમેદવારોએ ચૂંટણી પ્રક્રિયાની પારદર્શકતા ઉપર પ્રશ્નો ઉભા કરીને માઇક્રોકન્ટ્રોલરની ફરીથી તપાસની માંગ કરી છે.
આ ચકાસણીની માંગણી કરનારા ઉમેદવારોમાં શરદ પવારના પૌત્ર અને તેમની નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) ના બારામતીના ઉમેદવાર અને યુગેન્દ્ર પવાર આગળ છે.
યુગેન્દ્ર પવારે 19 ઈવીએમના માઇક્રોકન્ટ્રોલરના પરીક્ષણ માટે જિલ્લા વહીવટીતંત્રને અરજી કરી છે, એટલું જ નહી તેને માટે આવશ્યક ફી પેટે 8.96 લાખ રૂપિયા પણ ચૂકવ્યા છે. યુગેન્દ્ર પવાર સિવાય પૂણેની જ હડપસર બેઠકના એનસીપીના ઉમેદવાર પ્રશાંત જગતાપ અને પુણે કેન્ટના કોંગ્રેસના ઉમેદવાર રમેશ બાગવેએ પણ ઈવીએમના માઈક્રો કંટ્રોલરની ચકાસણીની માંગણી કરી છે.
ઉલ્લેખનીય છે કે જે ઉમેદવારો ચૂંટણી પરિણામોમાં બીજા અથવા ત્રીજા સ્થાને છે તેઓ જ માઇક્રોકન્ટ્રોલરની ચકાસણી દ્વારા કરવાની માંગણી કરવા માટે અધિકૃત છે. સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ, ઉમેદવારો 5% EVMનું માઇક્રોકન્ટ્રોલર વેરિફિકેશન કરાવી શકે છે. સમગ્ર જિલ્લામાં કુલ 137 ઈવીએમના માઈક્રો કંટ્રોલરની ચકાસણી કરવાની માંગ કરવામાં આવી છે અને આ માટે ચૂંટણી પંચને ₹66.64 લાખ રુપિયા ચુકવી દેવામાં આવ્યા છે.
પ્રશાંત જગતાપે હડપસર મતવિસ્તારના 27 ઈવીએમના પરીક્ષણ માટે ₹12 લાખ ચૂકવ્યા છે, જ્યારે રાહુલ કલાટેએ ચિંચવડ વિધાનસભા મતવિસ્તારના 25 ઈવીએમના પરીક્ષણ માટે ₹11 લાખ ચૂકવ્યા છે. પુરંદરના કોંગ્રેસના ઉમેદવાર સંજય જગતાપે 21 ઈવીએમના પરીક્ષણ માટે 9.9 લાખ રૂપિયા ચૂકવ્યા છે.
આ ચકાસણી પ્રક્રિયાઓ દરમિયાન કડક દેખરેખ રાખવામાં આવશે, જેમાં ઉમેદવારો તેમજ VVPAT (વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેઇલ) ઉત્પાદક કંપનીઓના એન્જિનિયરોનો સમાવેશ થશે. આ પ્રક્રિયા એ સુનિશ્ચિત કરવા માટે છે કે ચૂંટણીના પરિણામો સંપૂર્ણપણે નિષ્પક્ષ અને પારદર્શક હોય.
આ સમગ્ર પ્રક્રિયા સ્પષ્ટ કરે છે કે ઘણા ઉમેદવારોને મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો અંગે શંકા છે અને તેઓ વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે EVMની ચકાસણી ઈચ્છે છે. આ મુદ્દાએ ચૂંટણીની પારદર્શિતા અને ચૂંટણી પંચની ભૂમિકાને લઈને નવી ચર્ચા જગાવી છે અને હવે ભવિષ્યમાં ચૂંટણી પંચ આ અંગે શું પગલાં ભરે છે તે જોવું રહ્યું.