13 ફેબ્રુઆરીથી પંજાબ અને હરિયાણા વચ્ચે શંભુ અને ખનૌરી બોર્ડર પર ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. આ ખેડૂતોએ હવે દિલ્હી કૂચ કરવાનો નિર્ણય લીધો છે. ખેડૂતો આગામી 6 ડિસેમ્બરે દિલ્હી પહોંચશે. KMM નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું કે, ખેડૂતો દરરોજ સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી કૂચ કરશે.
હરિયાણા-પંજાબના શંભુ બોર્ડર અને ખનૌરી બોર્ડર પર પોતાની માંગણીઓને લઈને વિરોધ કરી રહેલા ખેડૂતો 6 ડિસેમ્બરે દિલ્હી સુધી કૂચ કરશે, જાહેરાત કરી છે કે ટ્રેક્ટર ટ્રોલીઓને લઈ જવાની મંજૂરી ન મળવાના કારણે તેઓ ટ્રેક્ટર ટ્રોલીઓ સાથે નહીં જાય. ખેડુતો 6 ડિસેમ્બરે દિલ્હી માટે જુદા જુદા જૂથોમાં પગપાળા રવાના થશે અને દિલ્હી પહોંચ્યા પછી તેઓ તેમના આંદોલનને આગળ ધપાવશે.
કિસાન આંદોલન 2.0 શરૂ થયાને 9 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. પંજાબ-હરિયાણા બોર્ડર પર શંભુ અને ખનૌરી બોર્ડર પર ખેડૂતો બેસીને વિરોધ કરી રહ્યા છે. આ ખેડૂતોએ હવે દિલ્હી કૂચ કરવાનો નિર્ણય લીધો છે.
‘દિલ્લી ચલો’ કૂચ
13 ફેબ્રુઆરીથી પંજાબ અને હરિયાણા વચ્ચે શંભુ અને ખનૌરી બોર્ડર વિરોધ કરી રહેલા ખેડૂતો તંબુ તાણીને બેઠા છે. KMM નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું કે, લાંબી રાહ જોયા બાદ તેમણે દિલ્હી જવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે, અમે 6 ડિસેમ્બરે દિલ્હી તરફ આગળ વધીશું. પંઢેરે જણાવ્યું હતું કે ખેડૂતો દરરોજ સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી કૂચ કરશે. પંઢેરે આશા વ્યક્ત કરી કે હરિયાણા સરકાર પણ ખેડૂતોને મદદ કરશે. ખેડૂતોનો પ્રથમ તબક્કો અંબાલાના જગ્ગી ગામમાં હશે.
ખેડૂતોની માંગ શું છે?
ખેડૂતોનું કહેવું છે કે સરકાર તેમની સાથે વાત કરી રહી નથી. સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મજદૂર મોરચા સરકાર પાસેથી પાક માટે MSPની કાયદેસર ગેરંટીની માંગ કરી રહ્યા છે. ખેડૂત નેતાએ કહ્યું કે, અમે છેલ્લા 9 મહિનાથી શાંતિથી બેઠા છીએ અને સરકાર સાથે વાત કરવાની રાહ જોઈ રહ્યા છીએ પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી, તેથી અમારી પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી તેથી હવે અમે દિલ્હી જઈશું.
ભારતીય કિસાન યુનિયન (શહીદ ભગત સિંહ)ના તેજવીર સિંહે કહ્યું કે તેઓ 280 દિવસથી બંને સરહદો પર પડાવ નાખીને બેઠા છીએ કેન્દ્રએ 18 ફેબ્રુઆરીથી અમારી સાથે કોઈ વાતચીત કરી નથી. આ પહેલા કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂતો વચ્ચે 18 ફેબ્રુઆરીએ વાતચીત થઈ હતી. સરકારે એવો પ્રસ્તાવ મૂક્યો હતો કે સરકારી એજન્સીઓ એમએસપીના ભાવે પાંચ વર્ષ સુધી કઠોળ, મકાઈ અને કપાસની ખરીદી કરશે, પરંતુ ખેડૂતોએ આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો.