કોંગ્રેસ ગુરુવારે (28 ડિસેમ્બર) તેનો 139મો સ્થાપના દિવસની નાગપૂરમાં ઉજવશે. આ અવસર પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી મહારાષ્ટ્રના નાગપુરમાં ‘હૈ તૈયાર હમ’ નામની એક મેગા રેલીને સંબોધિત કરશે. આ મેગા રેલીને કોંગ્રેસ 2024ની લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત ગણવામાં આવી રહી છે. આ રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સહિત પાર્ટીના તમામ મોટા નેતાઓ પણ ભાગ લેવાના છે.
સ્થાપના દિવસ નિમિત્તે નાગપુરમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માટે પાર્ટીના નેતાઓનું મનોબળ વધારે એવું ‘હૈ તૈયાર હમ’ સ્લોગન રાખ્યું છે. રેલીમાં કોંગ્રેસના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેવાના છે. આ મેગા રેલી માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ કોંગ્રેસના 139માં સ્થાપના દિવસના અવસર પર આજે સવારે 9.30 વાગ્યે AICC મુખ્યાલયમાં ધ્વજ ફરકાવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આજના જ દિવસે 1885માં એક નિવૃત્ત અંગ્રેજ આઈસીએસ ઓફિસર એલન ઓક્ટાવિયન હ્યુમ દ્વારા કરવામાં આવી હતી.
નાગપુરમાં મેગા રેલી બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પાર્ટીના મહાસચિવો અને તમામ રાજ્ય પ્રભારીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં લોકસભા ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે. કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર ઉત્તર ભારતના રાજ્યોમાં જીત મેળવવાનો છે, જેના પર મહત્તમ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. પાર્ટી યુપી, બિહાર જેવા રાજ્યોની પ્રાદેશિક પાર્ટીઓ સાથે બેઠકોની વહેંચણીને લઈને વાતચીત કરી રહી છે.
મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા નાના પટોલેએ કહ્યું છે કે પાર્ટીનો ઉદ્દેશ્ય ભાજપને કેન્દ્રમાંથી હટાવી પરિવર્તન લાવવાનો સંદેશ આપવાનો છે. દેશના લોકો માટે આ એક ઐતિહાસિક અવસર બનવા જઈ રહ્યો છે. તેમણે કહ્યું કે જ્યારે પણ દેશને મુસીબતોનો સામનો કરવો પડ્યો છે ત્યારે કોંગ્રેસ પાર્ટી આગળ આવી છે અને દેશમાં મોટું પરિવર્તન જોવા મળ્યું છે. કોંગ્રેસના સ્થાપના દિવસે નાગપુરમાં ભાજપની અત્યાચારી અને અહંકારી સરકારને તોડી પાડવાનો સંકલ્પ લઈને પરિવર્તનનો સંદેશ આપવામાં આવશે.