– સુરતીઓના આમ આદમી પાર્ટીથી મોહભંગની શરૂઆત
– સુરત જીલ્લા પ્રમુખ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા
– આમ આદમી પાર્ટી ચૂંટણી પહેલા જ ઝટકો
આમ આદમી પાર્ટીથી મોહભંગ
સુરત મહાનગરપાલિકાના એક ચોકકસ વિસ્તારમાં 27 બેઠકો જીતીને ગુજરાત જીતવાના સ્વપ્ન સેવતી આમ આદમી પાર્ટીના સપનામાં ભંગ પડવાની શરૂઆત થઈ ગઈ હોય એવો તાલ સર્જાયો છે. આમ આદમી પાર્ટીના સુરત જીલ્લા પ્રમુખ બટુકભાઈ વાડદોરીયા આજે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ભાજપમાં વિધિવત જોડાઈ ગયા છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા
મંગળવારે ભાજપના ગાંધીનગરમાં આવેલા પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે આમ આદમી પાર્ટીના નેતા અને સુરત જીલ્લા પ્રમુખ બટુકભાઈ વાડદોરીયા, તેમના સમર્થકો તથા તેમની સાથે ચૂંટાયેલા સભ્યો સહિત ભાજપનો ખેસ પહેરાવીને આવકાર્યા હતા.
બટુકભાઈ વડોદરીયાએ કહ્યું કે….
બટુકભાઈ વડોદરીયાએ આ પ્રસંગે બોલતા જણાવ્યું કે આમ આદમી પાર્ટી હવે ચાર આદમી પાર્ટી બની ગઈ છે. કેટલાક બિન-સમર્પિત અને ચારિત્ર્યહીન લોકો આપમાં જોડાઈ ગયા છે. આવા લોકોના ગેરવર્તાવથી અમારા આત્મસન્માનને ઠેસ પહોંચી છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે અમને ભાજપનો ખોટી રીતે વિરોધ કરવાનું કહેતા હતા. સુરતના એક વિસ્તારમાં મહાનગરપાલિકાની બેઠકો જીતીને સમગ્ર ગુજરાત જીતી લેવાના સોનેરી સપના જોતી આમ આદમી પાર્ટીના સોનેરી સપના ચાલુ થાય એ પહેલાં જ ભંગાણ પડવાની જાણે એ જ સુરતથી શરૂઆત થઈ ગઈ હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે. બટુકભાઈ વડોદરીયા સાથે એમના કોઈ અંગત વ્યક્તિ એ જ દગો કર્યાની ચર્ચા ચાલી રહી છે ત્યારે હજુ ભેસ ભાગાળે અને ઘરમાં ધમાધમ ચાલુ થઈ ગઈ હોવાની એધાણી દેખાય છે.