લોકસભા ચૂંટણી દરમિયાન દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનમાં તમામ બેઠકો ગુમાવ્યા બાદ કોંગ્રેસે આગામી વિધાનસભા ચૂંટણીમાં એકલા હાથે લડવાનું નક્કી કર્યું છે. દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ દેવેન્દ્ર યાદવે રવિવારે કહ્યું કે પાર્ટી રાજ્યની તમામ 70 બેઠકો પર મજબૂતીથી લડશે.
દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ દેવેન્દ્ર યાદવે કહ્યું, અમે સતત કહેતા આવ્યા છીએ કે એક એવી સરકાર છે જેના પરિણામો અમે લોકસભામાં ખરા અર્થમાં ભોગવ્યા છે અને તેથી જ અમે તેમની સાથે કોઈપણ પ્રકારનું ‘સંકટ બંધન’ ઈચ્છતા નથી. દિલ્હીની જનતા પરેશાન છે. હું 54 વિધાનસભા ક્ષેત્રોમાં ગયો છું, તેમના વચનો પૂરા થયા નથી. તેમની સરકાર સામે જનતામાં રોષ છે. અમે શરૂઆતથી જ કહેતા આવ્યા છીએ કે અમને કોઈ ગઠબંધન નથી જોઈતું. અમે 70માંથી 70 વિધાનસભા બેઠકો પર પૂરી તાકાત સાથે ચૂંટણી લડવાના છીએ.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બાલ્યાનની ધરપકડ પર તેમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટી વિરુદ્ધ ભ્રષ્ટાચારના ઘણા કેસ છે. તેમના ધારાસભ્યથી લઈને તેમના મંત્રીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપો થયેલા છે. ઘણા કેસમાં તેમના મંત્રીઓ અને ધારાસભ્યો જેલમાં ગયા. કેજરીવાલે જેલ કાપી આવ્યા છે. તેમણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ પાર્ટી બનાવી. પરંતુ તેમનો પક્ષ ભ્રષ્ટાચારમાં ડૂબેલો છે. કેજરીવાલની પોલ દિલ્હીની જનતા સમક્ષ ખુલ્લી પડી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ ‘ન્યાય યાત્રા’ કાઢી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી 70 વિધાનસભામાં રેવડી ઉપર ચર્ચા કરવા જઈ રહી છે. જ્યારે ભાજપ 8 ડિસેમ્બરથી ‘પરિવર્તન યાત્રા’ કાઢશે.