ડિજિટલ ન્યૂઝ વેબસાઈટ ન્યુઝ ક્લિક અને તેની સાથે જોડાયેલા કેટલાક પત્રકારોના પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા દિલ્હી-એનસીઆરમાં ઘણી જગ્યાએ આ દરોડા પાડવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ન્યૂઝ ક્લિકના ફંડિંગને લઈને ઈડીએ દરોડા પાડ્યા હતા. તેના દ્વારા કેટલાક ઈનપુટ મળ્યા બાદ સ્પેશિયલ સેલ દરોડા પાડી રહ્યું છે. સ્પેશિયલ સેલે મંગળવારે વહેલી સવારે દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદમાં 30 થી વધુ જગ્યાઓ પર એક સાથે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી છે, જેમને સ્પેશિયલ સેલમાં લાવવામાં આવ્યા છે. આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે પોર્ટલને કામ કરવા માટે ચીન પાસેથી ફંડ મળી રહ્યું છે.
UAPA હેઠળ ચાલી રહેલા આ દરોડામાં સ્પેશિયલ સેલના 100થી વધુ પોલીસકર્મીઓ સામેલ છે. દરોડા દરમિયાન સ્પેશિયલ સેલની સાથે અર્ધલશ્કરી દળના જવાનો પણ હતા.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2021 માં, દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખાએ ન્યૂઝ ક્લિક દ્વારા પ્રાપ્ત ગેરકાયદેસર ભંડોળ અંગેનો પ્રથમ વખત કેસ દાખલ કર્યો હતો. ન્યૂઝ ક્લિકને ચીનની કંપનીઓ દ્વારા આ શંકાસ્પદ ભંડોળ મળ્યું હતું. આ પછી ઈડીએ કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. જોકે, હાઈકોર્ટે તે સમયે ન્યૂઝ ક્લિકના પ્રમોટર્સને ધરપકડમાંથી રાહત આપી હતી. ઈડીની તપાસમાં આ પૈસાની લેવડદેવડનો ખુલાસો થયો હતો. જેમાં 9.59 કરોડ રૂપિયા એફ્ડીઆઈ દ્વારા અને 28.46 કરોડ રૂપિયા સર્વિસ એક્સપોર્ટના બદલામાં આપવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતુ. ચીનના પૈસા કેટલીક વિદેશી ફર્મ મારફતે ન્યૂઝક્લિક સુધી પહોંચ્યા હતા. આ જ પૈસા ન્યૂઝક્લિક સાથે જોડાયેલા પત્રકારોને પણ આપવામાં આવ્યા હતા એવા રીપોર્ટ પણ આવ્યા હતા.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ન્યૂઝ ક્લિકના કેટલાક પત્રકારોના લેપટોપ અને મોબાઈલ ફોનનો ડમ્પ ડેટા રિકવર કર્યો છે. સ્પેશિયલ સેલે નવો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસે તપાસ દરમિયાન ઘણા ડિજિટલ પુરાવા પણ જપ્ત કર્યા છે. તેમાં લેપટોપ, મોબાઈલ ફોન અને હાર્ડ ડિસ્કનો પણ સમાવેશ થાય છે.
થોડા સમય પહેલા અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે ન્યૂઝ ક્લિક જેને અમેરિકન અબજોપતિ નેવિલ રોય સિંઘમ પાસેથી ફંડિંગ મળે છે એવા એક વૈશ્વિક નેટવર્કનો ભાગ છે. અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સ લખ્યુ હતુ કે સિંઘમ કથિત રીતે ચીની મીડિયા સાથે નજીકથી કામ કરે છે. EDએ સપ્ટેમ્બર 2021માં પણ પુરકાયસ્થના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા.
લોકસભામાં પણ NEWS CLICKનો મુદ્દો એક મહિના પહેલા ઉઠાવવામાં આવ્યો હતો. 7 ઓગસ્ટ, 2023 ના રોજ, ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું હતું કે NEWS CLICK ને ચીન તરફથી ભંડોળ મળી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે NEWS CLICK રાષ્ટ્રવિરોધી છે. નિશિકાંતે મીડિયા પોર્ટલ પર ચીનના ફંડિંગ દ્વારા સરકાર વિરુદ્ધ વાતાવરણ બનાવવાનો આરોપ લગાવ્યો હતો.