– ‘ધ કેરાલા સ્ટોરી’ પર પ. બંગાળ સરકારે લગાવ્યો હતો પ્રતિબંધ
– સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ હટાવ્યો
– તામિલનાડુમાં સુરક્ષા સુનિશ્ચિત કરાવનો આદેશ
‘ધ કેરાલા સ્ટોરી’ પરના પ. બંગાળ સરકારના પ્રતિબંધ પર સુપ્રીમનો સ્ટે
બહુચર્ચિત ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ ભારતભરમાં સફળતાપુર્વક ચાલી રહી છે ત્યારે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાના પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારના નિર્ણય પર આજે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકી દીધો છે. ધ કેરાલા સ્ટોરી ફિલ્મના નિર્માતાઓ દ્વારા બંગાળની મમતા બેનરજીની સરકાર દ્વારા ફિલ્મ પર મુકવામાં આવેલા પ્રતિબંધ વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે બીજી તરફ, તમિલનાડુમાં તમામ સિનેમાઘરો અને ફિલ્મ જોવા જતા દર્શકોને પૂરતી સુરક્ષા-વ્યવસ્થા પૂરી પાડવા માટેના નિર્દેશ આપ્યા છે.
મુખ્ય ન્યાયાધિશની ટીપ્પણી
પ. બંગાળની મમતા બેનરજીની સરકારે ધ કેરાલા સ્ટોરી ફિલ્મ પર મુકેલા પ્રતિબંધની સામે ફિલ્મના નિર્માતાઓએ કરેલી અરજીની સુનાવણી કરતા મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે બંગાળ સરકારને કહ્યું કે શક્તિનો ઉપયોગ સંયમથી થવો જોઈએ. ફિલ્મને ચોક્કસ જિલ્લામાં પ્રતિબંધિત કરી શકાય પણ સમગ્ર રાજ્યમાં નહીં! જનતાની લાગણીઓને કાબૂમાં રાખવી એ સરકારનો વિશેષાધિકાર છે ફિલ્મ પર પ્રતિબંધ ન મૂકી શકાય. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે રાજ્ય શક્તિનો ઉપયોગ પ્રમાણસર હોવો જોઈએ. કોઈપણ પ્રકારની અસહિષ્ણુતા સહન કરી શકાતી નથી પરંતુ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર કોઈની લાગણીના જાહેર પ્રદર્શનના આધારે નક્કી નથી કરી શકાતો. લાગણીઓનું જાહેર પ્રદર્શન નિયંત્રિત હોવું જોઈએ જો તમને તે પસંદ ન હોય તો તેને ન જોશો.
બંગાળ સરકારે કોર્ટમાં શું કહ્યું?
પશ્ચિમ બંગાળ સરકારે પોતાના નિર્ણયનું સમર્થન કરતા દલીલ કરી હતી કે તેમને IB અને અન્ય એજન્સીઓ તરફથી ફિલ્મના કારણે અવ્યવસ્થા અને હિંસા સર્જાઈ શકે છે તે પ્રકારના ઇનપુટ્સ મળ્યા હતા. પશ્ચિમ બંગાળ સરકારની દલીલ સામે નિર્માતાઓ તરફથી વકીલ હરીશ સાલવેએ દલીલ રજૂ કરી કે ફિલ્મ પર પ્રતિબંધ માત્ર 13 IB અધિકારીઓના ઇનપુટ પર આધારિત હતો, જેમાં આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે ફિલ્મ કાયદો-વ્યવસ્થા માટે જોખમી સાબિત થઇ શકે છે. ઉપરાંત તેમણે કહ્યું કે, કાયદો-વ્યવસ્થા જાળવવું એ રાજ્યની જવાબદારી છે અને તે બગડવાનો ડર હોય તેનાથી ફિલ્મ પર પ્રતિબંધ ન મૂકી દેવાય. બંને તરફની દલીલોને અંતે આદેશ પસાર કરતા સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે, ‘8 મેના રોજ પશ્ચિમ બંગાળ સરકારે પશ્ચિમ બંગાળ સિનેમા રેગ્યુલેશન એક્ટની કલમ 6(1) હેઠળ સમગ્ર રાજ્યમાં ફિલ્મ દર્શાવવા પર પ્રતિબંધ મૂકતો આદેશ કર્યો હતો. પરંતુ પ્રથમ દ્રષ્ટિએ અમને લાગે છે કે બંગાળ સરકારનો આ પ્રતિબંધ મેરિટના આધાર પર માન્ય રહેતો નથી. જેથી ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાના આ આદેશ પર રોક લગાવવામાં આવે છે.’
તામિલનાડુ સરકારને આપ્યો નિર્દેશ
ધ કેરાલા સ્ટોરી ફિલ્મના નિર્માતાઓની અરજી પર સુનાવણી કરતા તામિલનાડુ સરકારને પણ નિર્દેશ આપ્યો છે કે, ફિલ્મની સ્ક્રીનિંગ અને મૂવી જોનારાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે તામિલનાડુના થિયેટર એસોશિએશને ફિલ્મ દર્શાવવાની સુરક્ષાના કારણો આગળ ધરીને ના પાડી હતી. ફિલ્મના નિર્માતાઓએ કરેલી અરજીમાં તમિલનાડુમાં ફિલ્મ ન દર્શાવવાના થિયેટર એસોશિએશનના નિર્ણયને પણ પડકારવામાં આવ્યો હતો.