કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઈગલ ગ્રુપ (EAGLE Group) બનાવ્યું છે. આ ગ્રુપ ચૂંટણી પર ચાંપતી નજર રાખશે. આ સિવાય તે મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી અને અગાઉની ચૂંટણીઓમાં ગેરરીતિના આરોપોની તપાસ કરશે અને તેનો રિપોર્ટ પાર્ટી હાઈકમાન્ડને સોંપશે.
કોંગ્રેસે ઈગલ ગ્રુપ (EAGLE Group)ની રચના કરી
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસે ઈગલ ગ્રુપ (EAGLE Group)ની રચના કરી છે. કોંગ્રેસે 8 નેતાઓ અને નિષ્ણાતોના આ ગ્રુપમાં અજય માકન, દિગ્વિજય સિંહ, અભિષેક સિંઘવી, પવન ખેડા સહિત અનેક ચહેરાઓને સામેલ કર્યા છે. પાર્ટીનું આ ઈગલ ગ્રુપ (EAGLE Group) મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં ચૂંટણીની ગેરરીતિઓ અંગે વિગતવાર અહેવાલ તૈયાર કરીને પાર્ટી હાઈકમાન્ડને સુપરત કરશે.

પાર્ટી દ્વારા જારી કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષે ભારતના ચૂંટણી પંચ દ્વારા મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીના આચરણ પર દેખરેખ રાખવા માટે તાત્કાલિક અસરથી નેતાઓ અને નિષ્ણાતોના એક એમ્પાવર્ડ વર્કિંગ ગ્રુપની રચના કરી છે. આ ગ્રુપ સૌપ્રથમ મહારાષ્ટ્રની મતદાર યાદીમાં છેડછાડનો મુદ્દો ઉઠાવશે અને શક્ય તેટલી વહેલી તકે હાઈકમાન્ડને વિગતવાર અહેવાલ સુપરત કરશે.
Hon'ble Congress President Shri @kharge has constituted an Empowered Action Group of Leaders and Experts (EAGLE) with immediate effect, comprising the following members, to monitor the conduct of free and fair elections by the Election Commission of India. pic.twitter.com/a5qgmNDP79
— Congress (@INCIndia) February 2, 2025
અગાઉની ચૂંટણીઓનું પણ કરશે વિશ્લેષણ
ઈગલ ગ્રુપ આ ઉપરાંત અન્ય રાજ્યોમાં થયેલી અગાઉની ચૂંટણીઓનું પણ વિશ્લેષણ કરશે, આગામી ચૂંટણીઓ અને દેશમાં મુક્ત અને ન્યાયી ચૂંટણીના સંચાલનને લગતા અન્ય તમામ મુદ્દાઓ પર સક્રિયપણે દેખરેખ રાખશે અને અહેવાલો તૈયાર કરીને કોંગ્રેસ હાઇકમાન્ડને મોકલશે. કોંગ્રેસ પાર્ટીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મતદાર યાદીમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો છે. આ અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. ચૂંટણી પંચે પણ જવાબ આપ્યો હતો.

8 લોકોને ઈગલ ગ્રુપ (EAGLE Group)માં મળ્યું સ્થાન
કોંગ્રેસ પાર્ટીએ બનાવેલા ઈગલ ગ્રુપમાં અજય માકન, દિગ્વિજયસિંહ, અભિષેક સિંઘવી, પ્રવિણ ચક્રવર્તી, પવન ખેડા, ગુરદીપસિંહ સપ્પલ, નિતિન રાઉત અને ચલ્લા વામશી ચંદ રેડ્ડીને સામેલ કરવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રમાં ગયા વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીમાં એક તરફ ભાજપ, શિંદે જૂથની શિવસેના અને અજિત પવાર જૂથની એનસીપીનું સત્તાધારી ગઠબંધન હતું જ્યારે બીજી તરફ કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીપીની મહાવિકાસ આઘાડી ગઠબંધન હતું. ચૂંટણીના પરિણામોમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો અને તેના સાથી પક્ષો ચૂંટણી જીતવામાં સફળ રહ્યા ત્યારે જીતની આશા રાખનારા વિપક્ષને આંચકો લાગ્યો હતો.
આ પહેલા કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પણ ગેરરીતિનો આરોપ લગાવીને ઈવીએમ પર સવાલો ઉઠાવ્યા હતા. જો કે ચૂંટણી પંચે એક પછી એક તમામ આરોપોનો જવાબ આપ્યો અને પાર્ટીને સલાહ પણ આપી. હાલ દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર જોર શોરથી ચાલી રહ્યો છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં 5મી ફેબ્રુઆરીએ મતદાન થશે અને 8મી ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. આથી પાર્ટીએ પરિણામો પહેલા ઈગલ ગ્રુપ (EAGLE Group)ની રચના કરી છે.