- બિહારના ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી સુશીલકુમારનું પ્રમોશન
- ભાજપે બિહારની રાજ્યસભાની બેઠક પર સુશીલકુમાર મોદીને બનાવ્યા ઉમેદવાર
- LJP ના નેતા તથા કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના નિધન બાદ ખાલી થઈ હતી બેઠક

બિહાર રાજ્યસભાની પેટા ચુંટણીમાં LJPનું પત્તું કપાયું ભાજપના ઉમેદવાર સુશીલકુમાર મોદી
ભારતીય જનતા પાર્ટીએ LJP નેતા અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના નિધન બાદ ખાલી પડેલી બિહાર રાજ્યસભાની બેઠક માટે પાર્ટીના નેતા તથા ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીને ઉમેદવાર બનાવ્યા છે. સુશીલકુમાર મોદીને બિહાર વિધાનસભાની ચુંટણી બાદ બિહાર રાજ્યના મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું નહોતું ત્યારે જ એવી અટકળો વહેતી થઈ હતી કે સુશીલકુમાર મોદીને કેન્દ્રમાં લઈ જવામાં આવશે ભાજપે આજે સુશીલકુમાર મોદીને રાજ્યસભાના ઉમેદવાર જાહેર કરતા એ અટકળો સાચી પુરવાર થઈ છે.

ભાજપે એક કાંકરે ત્રણ નિશાન પાર પાડ્યા
સુશીલકુમાર મોદીને રાજ્યસભાના ઉમેદવાર જાહેર કરીને ભાજપે એક કાંકરે બે નિશાન પાર પાડ્યા છે. બિહાર વિધાનસભાની ચુંટણીમાં એનડીએના સાથી જેડીયુની વિરુદ્ધ ચુંટણી લડનારા LJP ના ચિરાગ પાસવાનની ઈચ્છાને બાજુ પર મુકી દીધી છે તો જેડીયુના નિતિશકુમારને સાચવી લીધા છે. કેટલાક મિડિયા અહેવાલો અનુસાર ચિરાગ પાસવાનની ઈચ્છા પિતા રામવિલાસ પાસવાનની બેઠક ઉપર પોતાની માતા રીના પાસવાનને રાજ્યસભામાં મોકલવામાં આવે પરંતુ વિધાનસભાની ચુંટણી પોતાની વિરુદ્ધ લડનારાને નિતિશકુમાર સમર્થન નહીં કરે એવી શક્યતા દેખાતા ભાજપે ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીને જ ઉમેદવાર જાહેર કર્યા છે. આ નિર્ણય જોતા વિધાનસભાની ચુંટણી દરમિયાન પોતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હનુમાન ગણાવવુ ચિરાગ પાસવાનના કામમાં આવ્યું નથી. આમ એક બાજુ ભવિષ્યમાં રાજ્ય ભાજપ તથા એનડીએ સરકારમાં કોઈ વિખવાદ ન થાય તેનું નિવારણ સુશીલકુમાર મોદીને કેન્દ્રમાં લઈ જઈને કર્યું તો બીજી બાજુ નિતિશકુમાર સમર્થન નહીં આપે એવું ચિરાગ પાસવાનને સમજાવીને એમને સિફતપૂર્વક કિનારે કરી દીધા જ્યારે ત્રીજી બાજુ નિતિશકુમાર વિરુદ્ધ ચુંટણી લડનારાને રાજ્યસભામાં સમર્થન નહીં કરવાનું નિતિશકુમારને દર્શાવીને એમને પણ સાચવી લીધા છે એવું ચિત્ર ઉભું થયું છે.

બિહાર રાજ્યસભાની ચુંટણીની અગત્યની તારીખો
ચુંટણી આયોગના જણાવ્યા અનુસાર રાજ્યસભાની પેટા ચુંટણી 14મી ડિસેમ્બર ’20ના રોજ યોજાશે અને નામાંકન પત્ર ભરવાની અંતિમ તારીખ 3જી ડિસેમ્બર ’20 છે. નામાંકન પત્ર ચકાસણી કરવાની છેલ્લી તારીખ 4થી ડિસેમ્બર ’20 છે. ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની છેલ્લી તારીખ 7મી ડિસેમ્બર ’20 નિર્ધારિત કરવામાં આવી છે. મતદાન 14મી ડિસેમ્બર ’20 નાં રોજ સવારે 9 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી થઈ શકશે.
