તાજેતરમાં જ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ સંપૂર્ણ થઈ જેમાં ભાજપ, શિવસેના અને એનસીપી સહિત પક્ષોના ગઠબંધન મહાયુતિને પ્રચંડ બહુમતી મળી. આ ચૂંટણીઓ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે સહિત કૉંગ્રેસ માટે દુઃસ્વપ્ન સમાન સાબિત થઈ છે. ત્રણેય પાર્ટીના સૂપડા સાફ થઈ ગયા છે. આ દરમિયાન એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે ઉદ્ધવ ઠાકરે મહાવિકાસ આઘાડીનો સંગાથ છોડી શકે છે.
પ્રચંડ બહુમતી મેળવ્યા બાદ પણ હજુ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન કોણ બનશે તે કોકડુ ગુંચવાયેલુ છે. આજે મોટાભાગે મહારાષ્ટ્રના આગામી મુખ્યપ્રધાન કોણ હશે તેની જાહેરાત થશે એવી જાણકારી સૂત્રો મુજબ મળી છે.
ચૂંટણીઓના પરિણામો બાદ તાજેતરમાં શિવસેના (શિંદે)ના વરિષ્ઠ નેતા રામદાસ કદમે શિર્ડીમાં સાંઈબાબાનાં દર્શને પહોંચ્યા હતા. દર્શન બાદ રામદાસ કદમે ઉદ્ધવ ઠાકરેની ટીકા કરતા પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે ‘વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના, ભારતીય જનતા પાર્ટી અને અજિત પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીને જબરદસ્ત વિજય મળ્યો છે અને બે-ત્રણ દિવસમાં આગામી સરકારની સ્થાપના થવા જઈ રહી છે.
રામદાસ કદમે આગળ કહ્યું કે, ‘હું તમને ભવિષ્યમાં શું થશે એ કહું છું. એક દિવસ એવો આવશે કે ઉદ્ધવ ઠાકરે રાત્રે બે વાગ્યે તેમની ફૅમિલી સાથે દેશ છોડીને જતા રહેશે. મારી આ વાત લખીને રાખો. બાળાસાહેબ ઠાકરે સાથે બેઈમાની કરી, તેમની પીઠમાં ખંજર ભોંક્યુ. તેમણે જે પાપ કર્યું છે એ પાપનું પરિણામ ઉદ્ધવ ઠાકરેએ ભોગવવું પડશે.’
મહારાષ્ટ્રમાં મળેલા પ્રચંડ વિજય માટે કદમે કહ્યું, એકનાથ શિંદેએ અઢી વર્ષમાં લીધેલા જનહિતના નિર્ણયો જનતા સુધી પહોંચ્યા છે. આ મોટા વિજયથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં મહારાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં ફન્ડ આવશે એનો ફાયદો રાજ્યને થશે.’