– 2022 માં આવી રહી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી
– ચૂંટણી પહેલા ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો ઇતિહાસ
– આજે સરહદી જિલ્લા કચ્છની અબડાસા સીટ વિશે
અબડાસા વિધાનસભા મતવિસ્તાર (Abdasa Assembly Constituency)
અબડાસા ભારત અને ગુજરાતની સૌથી પશ્ચિમ દિશામાં આવેલી રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ એક અત્યંત સંવેદનશીલ બેઠક છે, જ્યાં ભારતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત થાય છે. અબડાસાની પશ્ચિમે સીરક્રિક અને પાકિસ્તાનની સીમા લાગુ પડે છે, ઉત્તરે કચ્છનું રણ, પૂર્વમાં ભૂજ અને માંડવી વિધાનસભા મત વિસ્તાર જ્યારે દક્ષિણ-પશ્ચિમમાં અરબી સમુદ્ર આવેલો છે. અબડાસા મત વિસ્તારમાં કોટેશ્વર, નારાયણ સરોવર, માતાનો મઢ જેવા પ્રખ્યાત ધાર્મિક સ્થળો ઉપરાંત જખૌ બંદર અને ગુજરાતનું સૌથી ઠંડુ સ્થળ નલિયા આવેલા છે.
અબડાસા બેઠક ચૂંટણી પંચ દ્વારા ક્રમાંકની દ્રષ્ટિએ ગુજરાતની નંબર એક બેઠક છે. અબડાસા બેઠક કચ્છ લોકસભા અંતર્ગત આવે છે. અબડાસા બેઠકમાં અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકાઓનો સમાવેશ થાય છે. અબડાસા બેઠકમાં કુલ 2,44,061 મતદારો છે.
અબડાસા બેઠક 1962ની પહેલી વિધાનસભા ચૂંટણી વખતથી જ અસ્તિત્વમાં આવી હતી. છેલ્લી 2017ની વિધાનસભા ચૂંટણીમાં અબડાસામાંથી કોંગ્રેસના પ્રદ્યુમનસિંહ જાડેજા ભાજપના છબીલદાસ પટેલ સામે 9746 મતની સરસાઈથી વિજેતા બન્યા હતાં. જ્યારે 2021માં ફેબ્રુઆરીમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અબડાસા તાલુકા પંચાયતમાં 18માંથી કોંગ્રેસને 10 અને ભાજપને 09, લખપત તાલુકા પંચાયતમાં 16માંથી કોંગ્રેસને 09 અને ભાજપને 07 બેઠકો જ્યારે નખત્રાણા તાલુકા પંચાયતમાં 20માંથી ભાજપને 14 અને કોંગ્રેસને 06 બેઠકો મળી હતી. આમ, અબડાસા વિધાનસભામાં સમાવિષ્ટ 3 તાલુકાઓમાંથી કોંગ્રેસનું અબડાસા અને લખપત જ્યારે ભાજપનું નખત્રાણા તાલુકામાં જોર છે.
આ બેઠકનો ઈતિહાસ જોઈએ –
વર્ષ વિજેતા પક્ષ સરસાઈ
1962 માધવસિંહજી જાડેજા સ્વતંત્ર પક્ષ 5805
1967 પી.બી. ઠક્કર. કોંગ્રેસ. 6615
1972 ખીમજી નાગજી. કોંગ્રેસ. 17324
1975 મહેશ ઠક્કર. કોંગ્રેસ. 10238
1980 ખરાશંકર જોશી. કોંગ્રેસ. 2245
1985 કનુભા જાડેજા. કોંગ્રેસ. 3838
1990 તારાચંદ છેડા. ભાજપ. 14710
1995 નીમાબેન આચાર્ય. કોંગ્રેસ. 1339
1998 ઈબ્રાહીમ માંધરા. કોંગ્રેસ 854
2002 નરેન્દ્રસિંહ જાડેજા. ભાજપ. 9855
2007 જયંતિ ભાનુશાળી. ભાજપ. 10019
2012 છબીલભાઈ પટેલ. કોંગ્રેસ. 7613
2012માં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા છબીલભાઈ પટેલ રાજીનામું આપી ભાજપમાં જોડાઈ જતાં 2014માં પેટાચૂંટણી થઈ હતી. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ ફક્ત 764 મતથી ભાજપના છબીલ પટેલને હરાવી વિધાનસભામાં પહોંચ્યા હતાં. જ્યારે 2017માં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા પ્રદ્યુમનસિંહ જાડેજા કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતાં અને 2020માં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપની ટિકિટ ઉપર 36778 મતની ભારે સરસાઈથી જીત્યા હતાં. આ સરસાઈ અબડાસામાં અત્યાર સુધી યોજાયેલી તમામ ચૂંટણીઓમાં સૌથી વધારે છે.
આમ, 2 પેટાચૂંટણી સહિત અબડાસામાં યોજાયેલી કુલ 15 ચૂંટણીઓમાંથી કોંગ્રેસ 10 વાર, ભાજપ 4 વાર અને સ્વતંત્ર પક્ષ 1 વાર વિજયી થયો છે. આમ, અબડાસા બેઠક કોંગ્રેસ માટે અત્યાર સુધી સેફ સીટ રહી છે, પણ પેટાચૂંટણીમાં ભાજપને 36778 મતની ભારી લીડથી વિજય મળતાં 2022માં કોંગ્રેસની હાર-જીત તેની ઉમેદવારની પસંદગી ઉપર આધાર રાખશે એમ કહી શકાય