Spread the love

– 2022 માં આવી રહી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી

– ચૂંટણી પહેલા ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો ઇતિહાસ

– આજે સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર સીટ વિશે

2022 નું  વર્ષ એટલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ. 2022 માં ચૂંટણી ક્યારે થશે તેની જાહેરાત ચૂંટણી પંચ કરશે ત્યારે જ ખબર પડશે પરંતુ ચૂંટણી પહેલાં ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો અત્યાર સુધીનું વિશ્લેષણ દર રોજ શ્રી રિતેશભાઈ મારફતિયાની કલમે devlipinews.con ઉપર વાંચો. વિધાનસભાની સીટોના વિશ્લેષણની આ સિરિઝમાં આજે હિંમતનગર સીટનું વિશ્લેષણ વાંચો.

ઉત્તર ગુજરાતની સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર બેઠક ચૂંટણી પંચ દ્વારા ક્રમાંકની દ્રષ્ટિએ ૨૭માં નંબરની બેઠક છે. હિંમતનગર બેઠક સામાન્ય બેઠક છે. હિંમતનગર બેઠકનો સમાવેશ સાબરકાંઠા લોકસભા બેઠકમાં કરવામાં આવ્યો છે. હિંમતનગર બેઠકમાં હિંમતનગર શહેર સહિત સમસ્ત હિંમતનગર તાલુકો તેમજ અરવલ્લી જિલ્લાની ભિલોડા બેઠકના પશ્ચિમ વિભાગના 15 ગામો તેમજ સાબરકાંઠા જિલ્લાની પ્રાંતિજ બેઠકમાં સમાવિષ્ટ તલોદ તાલુકાના એકમાત્ર ગામ ચારણવંટાનો સમાવેશ થાય છે. હિંમતનગર બેઠકમાં કુલ 2,71,409 મતદારો છે.

હિંમતનગર બેઠકની ઉત્તરે સાબરકાંઠા જિલ્લાની ઈડર બેઠક, પૂર્વમાં અરવલ્લી જિલ્લાની ભિલોડા અને મોડાસા બેઠક, દક્ષિણમાં સાબરકાંઠા જિલ્લાની પ્રાંતિજ બેઠકમાં સમાવિષ્ટ પ્રાંતિજ અને તલોદ તાલુકાઓ જ્યારે પશ્ચિમમાં મહેસાણા જિલ્લાની વિજાપુર બેઠક આવેલી છે.

હિંમતનગર બેઠક 1962ની પહેલી વિધાનસભા ચૂંટણી વખતથી જ અસ્તિત્વમાં આવી હતી. છેલ્લી 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના રાજેન્દ્રસિંહ ચાવડા કોંગ્રેસના કમલેશ પટેલ સામે માત્ર 1712 મતની પાતળી સરસાઈથી જીત્યા હતાં.

હિંમતનગર બેઠકના હાર જીતના લેખાજોખા

વર્ષ વિજેતા પક્ષ સરસાઈ

1962 શંકરભાઈ પટેલ કોંગ્રેસ 12012
1967 હિમતસિંહજી સ્વતંત્ર પક્ષ 11460
1972 શંકરભાઈ પટેલ કોંગ્રેસ 14887
1975 ભગવાનદાસ પટેલ કોંગ્રેસ 1806
1980 નાથભાઈ પટેલ ભાજપ 6336
1985 લાખાભાઈ પટેલ કોંગ્રેસ 7185
1990 ભગવાનદાસ પટેલ જનતાદળ 16800
1995 રણજીતસિંહ ચાવડા ભાજપ 24049
1998 રણજીતસિંહ ચાવડા ભાજપ 8027
2002 રણજીતસિંહ ચાવડા ભાજપ 22614
2007 પ્રફુલ્લ પટેલ ભાજપ 8702
2012 રાજેન્દ્રસિંહ ચાવડા કોંગ્રેસ 12356
2014 રાજેન્દ્રસિંહ ચાવડા ભાજપ 2562
2017 રાજેન્દ્રસિંહ ચાવડા ભાજપ 1712

આમ, હિંમતનગરમાં 2014માં થયેલી એક પેટાચૂંટણી સહિત કુલ 14 ચૂંટણીઓમાંથી ભાજપ સૌથી વધુ 7 વાર, કોંગ્રેસ 5 વાર અને સ્વતંત્ર પક્ષ અને જનતાદળ 1-1 વાર વિજયી થઈ ચૂક્યા છે. હિંમતનગરમાંથી ચૂંટાયેલા પ્રફુલ પટેલ નરેન્દ્ર મોદીની રાજ્ય સરકારમાં ગૃહરાજ્ય મંત્રી હતાં અને હાલ લક્ષદ્વીપના પ્રશાસક તરીકે કામગીરી બજાવી રહ્યા છે.

ગત ફેબ્રુઆરીમાં થયેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતની કુલ 36માંથી ભાજપે 30 અને કોંગ્રેસે 06 બેઠકો જીતી હતી, જયારે હિંમતનગર તાલુકા પંચાયતની કુલ 30માંથી ભાજપને 20, કોંગ્રેસને 09 અને અપક્ષને 01 બેઠક ઉપર વિજય મળ્યો હતો, જયારે હિંમતનગર નગરપાલિકાની કુલ 36 બેઠકોમાંથી ભાજપને 32 અને કોંગ્રેસને ફક્ત 04 બેઠકો મળી હતી. આમ, હિંમતનગર બેઠક ઉપર ભાજપનું પલડું ભારી છે.

આવતીકાલે ઈડર બેઠકનો ઈતિહાસ


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *