– 2022 માં આવી રહી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી
– ચૂંટણી પહેલા ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો ઇતિહાસ
– આજે બનાસકાંઠા જિલ્લાની દાંતા સીટ વિશે
2022 નું વર્ષ એટલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ. 2022 માં ચૂંટણી ક્યારે થશે તેની જાહેરાત ચૂંટણી પંચ કરશે ત્યારે જ ખબર પડશે પરંતુ ચૂંટણી પહેલાં ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનો અત્યાર સુધીનું વિશ્લેષણ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે પર શ્રી રિતેશભાઈ મારફતિયાની કલમે devlipinews.con ઉપર વાંચો. વિધાનસભાની સીટોના વિશ્લેષણની આ સિરિઝમાં આજે દાંતા સીટનું વિશ્લેષણ વાંચો
દાંતા વિધાનસભા મતવિસ્તાર (Danta Assembly Constituency)
ઉત્તર ગુજરાતની બનાસકાંઠા જિલ્લાની દાંતા બેઠક ચૂંટણી પંચ દ્વારા ક્રમાંકની દ્રષ્ટિએ ગુજરાતની દસમાં નંબરની બેઠક છે. દાંતા બેઠક બનાસકાંઠા લોકસભા અંતર્ગત આવતી ST માટે અનામત બેઠક છે. દાંતા બેઠકમાં સમગ્ર દાંતા તેમજ અમીરગઢ તાલુકાનો સમાવેશ થાય છે. દાંતા બેઠકમાં કુલ 2,40,898 મતદારો છે.
દાંતા બેઠકની ઉત્તરે રાજસ્થાન રાજ્ય, પૂર્વમાં સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા બેઠક, દક્ષિણમાં મહેસાણા જિલ્લાની ખેરાલુ બેઠક અને પશ્વિમમાં વડગામ, પાલનપુર અને ધાનેરા બેઠકો આવેલી છે. પ્રખ્યાત શક્તિપીઠ અંબાજી દાંતા બેઠક અંતર્ગત જ આવે છે.
દાંતા બેઠક 1967ની બીજી વિધાનસભા ચૂંટણી વખતે અસ્તિત્વમાં આવી હતી. છેલ્લી 2017ની વિધાનસભા ચૂંટણીમાં દાંતામાંથી કોંગ્રેસના કાંતિભાઈ ખરાડી ભાજપના માલજીભાઈ કોદારવી સામે 24,652 મતની ભારી સરસાઈથી વિજેતા થયા હતાં.
આ બેઠકનો ઈતિહાસ જોઈએ
વર્ષ વિજેતા પક્ષ સરસાઈ
1967 એફ.ડી. પટેલ કોંગ્રેસ. 1356
1972 લાલજીભાઈ કરેન કોંગ્રેસ. 3561
1975 હરિસિંહ ચાવડા સંસ્થા કોંગ્રેસ 4864
1980 હરિસિંહ ચાવડા જનતા પાર્ટી 146
1985 બળદેવસિંહ વાઘેલા કોંગ્રેસ 7666
1990 કાંતિભાઈ કચોરીયા ભાજપ 8136
1995 કાંતિભાઈ કચોરીયા ભાજપ 11689
1998 મુકેશ ગઢવી કોંગ્રેસ 20127
2002 મુકેશ ગઢવી કોંગ્રેસ 30090
2007 મુકેશ ગઢવી કોંગ્રેસ 32943
2012 કાંતિભાઈ ખરાડી કોંગ્રેસ 26990
2017 કાંતિભાઈ ખરાડી કોંગ્રેસ 24652
આમ દાંતામાં થયેલી કુલ 12 ચૂંટણીઓમાંથી કોંગ્રેસ 8 વાર, ભાજપ 2 વાર તેમજ સંસ્થા કોંગ્રેસ અને જનતા પાર્ટી એક-એક વાર વિજયી થયાં છે. આ બેઠક ઉપર છેલ્લી પાંચ ચૂંટણીઓથી કોંગ્રેસ ભારે તફાવતથી લગાતાર ચૂંટણી જીતતી આવી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને એક સમયે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રહેલાં બી.કે. ગઢવીના પુત્ર મુકેશ ગઢવી આ બેઠક ઉપર નરેન્દ્ર મોદીની લહેરમાં પણ સતત 3 વાર ભારી તફાવતથી જીત્યા હતાં. કોંગ્રેસની ગુજરાતની સૌથી સલામત બેઠકોમાં દાંતાની ગણતરી કરી શકાય.
બુધવારે વડગામ બેઠકનું વિશ્લેષણ