- કિંગ જ્યોર્જ રોયલ ઈન્ડિયન મીલીટરી કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી.
– પરમવીર ચક્રથી સન્માનિત નેશનલ ડિફેન્સ એકેડેમીના સૌપ્રથમ પૂર્વ વિદ્યાર્થી
– પરમવીર ચક્રથી સન્માનિત સંયુક્ત રાષ્ટ્રસંઘના શાંતિ રક્ષક દળના એક માત્ર સૈનિક
કેપ્ટન ગુરબચ્ચનસિંહ સલારીઆના બાળપણ, અભ્યાસ તથા સેનામાં જોડાવાની ગાથાથી devlipinews.com ના “પરમવીર ચક્ર” શ્રેણીના 7 મા લેખમાં અવગત થયા હતા. આજે પરમવીર કેપ્ટન ગુરબચ્ચનસિંહ સલારીઆના જીવનની ગાથાને આગળ વાંચો.
સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા શાંતિ રક્ષક દળની રચના
સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા કોંગોમાં હિંસા બંધ થાય અને શાંતિ સ્થપાય તે માટે પગલા લેવાનું નક્કી કરવામાં આવ્યું. આ માટે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા શાંતિ રક્ષક દળની રચના કરવામાં આવી. ભારતે પણ કોંગો ક્રાઈસીસમાં નિર્દોષ નાગરિકોની હત્યા થતી રોકાય તે હેતુથી સંયુક્ત રાષ્ટ્રસંઘના શાંતિ રક્ષક દળમાં 3000 સૈનિકોની બ્રિગેડનું યોગદાન આપ્યું.
કોંગોના વિભાજનવાદી ત્સોમ્બે સંયુક્ત રાષ્ટ્રસંઘના પગલે રોષે ભરાયા
કોંગોની અભૂતપૂર્વ ક્રાઈસીસ સમગ્ર વિશ્વને ચિંતાગ્રસ્ત કરી દીધું હતું ત્યારે 1961 માં સંયુક્ત રાષ્ટ્રસંઘે કોંગો આંતરિક કટોકટીની સ્થિતિ થાળે પાડવા લશ્કરી પગલાં લેવાનું નક્કી કર્યું જેમાં ભારતે 3000 સૈનિકોની બ્રિગેડનું યોગદાન આપ્યું. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા કટાંગાના લોકો દ્વારા કરાતી હિંસા રોકવાનું નક્કી કરવામાં આવ્યું. સંયુક્ત રાષ્ટ્રસંઘના આ નિર્ણયથી કટાંગાના વિભાજનવાદી નેતા ત્સોમ્બેએ અત્યંત ગુસ્સે થઈને તેમનું ‘સંયુક્ત રાષ્ટ્રસંઘને ધિક્કારો’ અભિયાનને આત્યંતિક તેજ બનાવી દીધું. વિભાજનવાદી ત્બોમ્બેના પગલાથી કોંગોના હિંસાગ્રસ્ત કટાંગા અને અન્ય વિસ્તારોમાં હિંસાએ વરવું સ્વરૂપ ધારણ કર્યું.
કોંગોના કટાંગા અને દક્ષિણ કાસાઈ શ્વેત-અશ્વેત વચ્ચે હિંસાના જ્વાળામુખી બન્યા
કોંગોના કટાંગા અને દક્ષિણ કાસાઈ વિસ્તારોમાં શ્વેત અને અશ્વેત વસ્તી વચ્ચે હિંસા માઝા મુકી રહી હતી. કોંગોની સરકારના હાથ જાણે ટુંકા પડી રહ્યા હોય તેવું જણાતું હતું. બંને વિસ્તારો હિંસાનો જ્વાળામુખી બન્યા હતા. પરિસ્થિતિની ગંભીરતા જોતા હમણાં જ કોંગો છોડીને ગયેલી બેલ્જિયમ સેનાએ આ બંને વિસ્તારોમાં હસ્તક્ષેપ કરવાની શરૂઆત કરી.
સંયુક્ત રાષ્ટ્રસંઘ સાથે રહીને ભારતની ભૂમિકા
સંયુક્ત રાષ્ટ્રસંઘના શાંતિ રક્ષક પુનઃસ્થાપિત કરવામાં ભારતે બ્રિગેડિયર કે. એ. એસ. રાજાના નેતૃત્વ હેઠળ 99મી ઈન્ફન્ટ્રી બ્રિગેડના 3000 સૈનિકોને મોકલવાનો નિર્ણય કર્યો.
સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિના 169મા ઠરાવને મંજૂરી
કોંગો તથા કટાંગા વચ્ચે સમાધાનના પ્રયાસો ભાંગી પડતા સંયુક્ત રાષ્ટ્રસંઘે 25 નવેમ્બર ના રોજ યુએન સિક્યોરિટી કાઉન્સિલનું 169 મા ઠરાવને મંજૂરી આપી. આ ઠરાવ અંતર્ગત કટાંગાના અલગ થવાના નિર્ણયની નિંદા કરવામાં આવી હતી અને તાત્કાલિક સંઘર્ષ સમાપ્ત કરી અશાંત પ્રદેશમાં શાંતિ સ્થાપવા માટે શક્તિનો ઉપયોગ કરવાની છુટ આપવામાં આવી.
સંયુક્ત રાષ્ટ્રસંઘના અધિકારીઓનું અપહરણ, છુટકારો જ્યારે અપહ્યત ભારતીય સૈનિકની હત્યા
સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિના 169મા ઠરાવને મંજૂરી આપવાનો વિરોધ કરતા કટાંગીઝ વિભાજનવાદીઓએ સંયુક્ત રાષ્ટ્રસંઘના બે અધિકારીઓનું તથા 1લી ગોરખા રાઈફલ્સના મેજર અજિતસિંઘનુ એમના ડ્રાઈવર સહિત અપહરણ કર્યું. અપહરણ બાદ થોડા સમયમાં જ કટાંગીઝ વિભાજનવાદીઓએ સંયુક્ત રાષ્ટ્રસંઘના બે અધિકારીઓને છોડી મુક્યા જ્યારે ભારતીય સેનાના 1લી ગોરખા રાઈફલ્સના મેજર અજિતસિંઘ તથા એમના ડ્રાઈવરની નિર્મમ હત્યા કરી દેવામાં આવી.
કટાંગીઝ વિભાજનવાદીઓએ રોડ બ્લોક કર્યા
ભારતીય શાંતિ રક્ષક દળના સૈનિક તથા 1લી ગોરખા રાઈફલ્સના મેજર અજિતસિંઘ તથા એમના ડ્રાઈવરની અપહરણ બાદ નિર્મમ હત્યા બાદ કટાંગીઝ વિભાજનવાદીઓને વાસ્તવિકતાનું ભાન થયું અને પ્રતિ હુમલાથી ડરવા લાગ્યા. પોતાના ડરથી પ્રેરિત કટાંગીઝ વિભાજનવાદીઓએ સંયુક્ત રાષ્ટ્રસંઘના શાતિ રક્ષક દળ તથા અન્યોના સંપર્ક તોડવાનો વ્યુહ અપનાવ્યો અને ઠેર ઠેર અવરોધો ઊભા કરીને રોડ બ્લોક કરવાનું તથા સહાયતા રોકવાનું શરૂ કર્યું. કટાંગીઝ વિભાજનવાદીઓએ વિચાર્યું હતું કે તેમના આ વ્યુહથી તેઓ સંયુક્ત રાષ્ટ્રસંઘની શાંતિ રક્ષક દળની ટુકડીઓ વચ્ચેનો સંપર્ક તથા સહાયતા રોકી શકશે.
એલિઝાબેથવિલ શહેર અને નજીકના એરપોર્ટ વચ્ચેના રોડ બ્લોક
સંયુક્ત રાષ્ટ્રસંઘની શાંતિ રક્ષક દળની ટુકડીઓ વચ્ચેનો સંદેશાવ્યવહાર તથા સહાયતા પહોંચાડવાની કડી તોડવા રોડ બ્લોક કરવાની કટાંગીઝ વિભાજનવાદીઓની વ્યુહરચનાના ભાગરૂપે કટાંગીઝ વિભાજનવાદીઓએ એલિઝાબેથવિલ શહેર તથા તેની નજીકના એરપોર્ટ વચ્ચેના રોડ ઉપર આડશો, અવરોધો મુકીને બ્લોક કરવાની શરૂઆત કરી.
કટાંગીઝ વિભાજનવાદીઓના વ્યુહનો પ્રતિવ્યુહ તૈયાર
કટાંગીઝ વિભાજનવાદીઓના વ્યુહનો ઉત્તર આપવા સંયુક્ત રાષ્ટ્રસંઘ શાંતિ રક્ષક દળના સૈનિક તૈયાર હતા. સંયુક્ત રાષ્ટ્રસંઘના શાતિ રક્ષક દળોએ પોતાની ટુકડીઓના બચાવ કરવા, સમગ્ર પ્રદેશને હિંસાથી બચાવવા માટે તથા શાંતિની સ્થાપના માટેના નિર્ધાર સાથે ઓપરેશન યુનોકોટ લોંચ કર્યું.
