- લદ્દાખમાં ભારત સાથે ઘર્ષણ ઉભુ કરનારા જનરલ ઝાઓને ચીને હટાવ્યા
- જનરલ ઝાઓએ જ ડોકલામ ઘર્ષણનું ષડયંત્ર ઘડ્યું હતું
- જનરલ ઝાઓ ભારત અને ભૂટાનના કટ્ટર વિરોધી હતા
શી જીનપીંગે ચાઈનીઝ PLA ના વેસ્ટર્ન કમાન્ડ થિયેટરના જનરલને હટાવ્યા
છેલ્લા સાત મહિનાથી ભારત ચીન વચ્ચે લદ્દાખ સરહદે ચાલી રહેલા સૈન્ય ઘર્ષણ ( Ladakh Standoff ) માં અચાનક વળાંક આવ્યો છે ચાઈનીઝ પ્રેસિડેન્ટ શી જીનપીંગે ચાઈનીઝ લશ્કરના ( PLA ) નાં સૌથી શક્તિશાળી એવા વેસ્ટર્ન કમાન્ડ થિયેટરના જનરલ ઝાઓ ઝોન્ગકીને ( Zhao Zongqi ) આજે હટાવી દેવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે જનરલ ઝાઓ ઝોન્ગકી ( Zhao Zongqi ) જ લદ્દાખ સરહદે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ માટે જવાબદાર ગણાય છે. જનરલ ઝાઓ ઝોન્ગકી ( Zhao Zongqi ) ભારત અને ભૂટાનના કટ્ટર વિરોધી છે અને 2017 માં ભારત ચીન વચ્ચે ચાલેલા ડોકલામ સૈન્ય ઘર્ષણનુ ષડયંત્ર ઘડવા માટે જવાબદાર છે. ડોકલામ સૈન્ય ઘર્ષણ વખતે જનરલ ઝાઓ ઝોન્ગકી ( Zhao Zongqi ) જ સમગ્ર સ્ટેન્ડઓફનુ સંચાલન કર્યું હતું.
નવા નિમાયેલા જનરલને ભારત સરહદે કાર્ય કરવાનો જરાક પણ અનુભવ નથી
ચાઈનીઝ પિપલ્સ લિબરેશન આર્મી ( PLA ) ના સૌથી શક્તિશાળી એવા વેસ્ટર્ન કમાન્ડ થિયેટરના જનરલ ઝાઓ ઝોન્ગકીને ( Zhao Zongqi ) ને હટાવીને નવા જનરલ તરીકે ઝાંગ ઝુડોંગ ( Zhang Xudong ) ની નિમણુંક કરવામાં આવી છે. જનરલ ઝાંગ ઝુડોંગ ( Zhang Xudong ) માત્ર 58 વર્ષના છે જ્યારે એમના પુરોગામી જનરલ ઝાઓ ઝોન્ગકી ( Zhao Zongqi ) 65 વર્ષના છે અને આ વર્ષના ઉનાળામાં નિવૃત્ત થવાના હતા પરંતુ શી જીનપીંગે જ તેમની મુદ્ત વધારી આપી હતી. ચાઈનીઝ પ્રેસિડેન્ટ શી જીનપીંગનો આ નિર્ણય ખરેખર અજીબ દેખાય છે કારણકે નવા નિમાયેલા વેસ્ટર્ન કમાન્ડ થિયેટરના જનરલ ઝાંગ ઝુડોંગ ( Zhang Xudong ) તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન ક્યારેય ભારતીય સરહદે નિમણૂક કરવામાં આવી નથી. ભારત ચીન સરહદ પરની વાસ્તવિક પરિસ્થિતિ વિશે નવા જનરલ ઝાંગ સંપૂર્ણ અજાણ હોય એવું માનવું અતિશ્યોક્તિ નહીં ગણાય. છેલ્લા સાત મહિનાથી ભારત ચીન વચ્ચે પૂર્વીય લદ્દાખ સરહદે સૈન્ય સંઘર્ષ ચાલુ છે ત્યારે ડોકલામ સૈન્ય સંઘર્ષનું સંચાલન કરી ચુકેલા તથા હાડોહાડ ભારત વિરોધી એવા જનરલ ઝાઓને હટાવવાનો નિર્ણય આશ્ચર્યજનક લાગે છે. આ ઘટનામાં બીજું આશ્ચર્ય એ પણ છે કે ભારત ચીન સરહદ પર પ્રથમ વખત એવા જનરલની નિમણૂંક કરવામાં આવી છે જેમને ભારત ચીન સરહદ પર કદી ફરજ બજાવી નથી, ભારત ચીન સરહદ વિશે સાવ બિનઅનુભવી ગણી શકાય.
ભારતનું આકલન
હિંદુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ અનુસાર નામ નહીં આપવાની શરતે ભારતીય અધિકારીએ જણાવ્યું હતું કે, હવે પછીની કમાન્ડર લેવલની વાતચીતમાં બની શકે છે કે ચીનના વિચાર અને વ્યવહારમાં પરિવર્તન આવે એવી સંભાવના છે. ભારત તરફથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે હવે પછીની બંને સેનાના કમાન્ડરો વચ્ચે થનારી વાતચીત વખતે પૂર્વ લદ્દાખ સરહદે ચાલી રહેલા સૈન્ય ઘર્ષણ બાબતે ઘણી સ્પષ્ટતા આવી શકે છે. ચીનની નીતિઓને નજીકથી નિરીક્ષણ કરનારા એવું માની રહ્યા છે કે નવા જનરલ તેમના પુરોગામી જનરલની જેમ કોઈ રાજકીય મહાત્વાકાંક્ષા ધરાવતા નથી તેથી પ્રોફેશનલ નિર્ણય લેશે. જોકે એવું માનવામાં આવે છે કે પૂર્વ લદ્દાખ સરહદ પરની સ્થિતિમાં નરમ વલણ અપનાવવા કે સ્ટેન્ડઓફ ડિએસ્કલેટ કરવા કે ડિસએન્ગેજ કરવાની કોઈ સુચનાઓ સત્તાધારી ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીની નેતાગીરી દ્વારા આપવામાં આવી હોય તેવું લાગતું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે જનરલ ઝાઓ દ્વારા એપ્રિલ તથા મે મહિનામાં પેંગોંગ ત્સો સરોવર નજીક ફિન્ગર વિસ્તારમાં જે પગલા ભરવામાં આવ્યા હતા એ શી જીનપીંગના નેતૃત્વ હેઠળની સેન્ટ્રલ મિલીટરી કમિશનની પરવાનગી પછી જ લેવાયા હતા. પૂર્વ લદ્દાખ સરહદે ચીનની કાર્યવાહી શરૂઆતમાં ચીનની તરફેણમાં દેખાઈ રહી હતી પરંતુ ત્યારબાદ ભારત દ્વારા લેવામાં આવેલા કઠોર પગલા તથા એકધારા નિર્ણય વચ્ચે પાછળથી ચીન માટે દુઃસાહસ બની ગયું હતું. ભારતના એકધારા પગલા, સૈન્યને અપાયેલા છુટા દોર તથા શસ્ત્ર સરંજામની ગોઠવણી, મિસાઈલોના સતત ટેસ્ટ જેવા પગલાઓથી વર્તમાનમાં ચીન માટે પૂર્વ લદ્દાખ સરહદે જાતે ઊભી કરેલી સ્થિતિ હવે સાપે છછુંદર ગળ્યા જેવી થઈ ગઈ છે. જો પીછેહઠ કરે તો સમગ્ર વિશ્વમાં ભારત કરતા નબળા હોવાની તથા ભારત તથા ભારતીય નેતાગીરી શક્તિશાળી હોવાની છાપ ઊભી થાય અને જો પારોઠના પગલા ન ભરે તો ચાઈનીઝ સૈનિકોની ઉંચાઈ ઉપર ટકી રહેવાની અક્ષમતાને કારણે વગર યુદ્ધે ચાઈનીઝ સૈનિકોના મોત થાય. સમગ્ર સ્થિતિ જોતા ભારતીય સેના દ્વારા લેવામાં આવેલા નિર્ણયો તથા મજબૂત રાજકીય ઈચ્છાશક્તિ ધરાવતી નેતાગીરી દ્વારા ચીનની મજબૂત હોવાની માન્યતાને મોટો ફટકો પહોંચાડી દેવાયો છે.
નવનિયુક્ત જનરલ તથા તેમના પુરોગામી જનરલ વચ્ચેનો તફાવત કેવી રીતે ભારતને અસર કરી શકે
ચીની પ્રમુખ શી જીનપીંગે વેસ્ટર્ન કમાન્ડ થિયેટરના જનરલ ઝાઓ ઝોન્ગકીને ( Zhao Zongqi ) હટાવીને નવા જનરલ ઝાંગ ઝુડોંગ ( Zhang Xudong ) ને નિયુક્ત કર્યા છે તે બંને જનરલો વચ્ચે કેટલાક પાયાગત તફાવત છે. જનરલ ઝાઓ ઝોન્ગકીને ( Zhao Zongqi ) હાડોહાડ ભારત વિરોધી હતા. આ ઉપરાંત તેઓ ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીની કેન્દ્રીય સમિતિના સભ્ય હતા અને એવું માનવામાં આવતું હતું કે તેઓને સેન્ટ્રલ મિલીટ્રી કમિશનમાં સભ્ય તરીકે નિમણૂંક આપવામાં આવશે જ્યાં તેઓ 72 વર્ષની ઉંમર સુધી રહી શકશે. ઉલ્લેખનીય છે કે જનરલ ઝાઓ ઝોન્ગકીને ( Zhao Zongqi ) એ 2016 માં વેસ્ટર્ન કમાન્ડ થિયેટરની કમાન સંભાળી હતી અને નિવૃતિની ઉંમર પાર કરી ગયેલા હતા, જેમને શી જીનપીંગે એક્સ્ટેન્શન આપ્યું હતું. જનરલ ઝાઓ ઝોન્ગકી પોતાની વ્યક્તિગત રાજકીય મહાત્વાકાંક્ષા ધરાવતા હતા એવું પણ જાણવા મળે છે. ઝાઓના અનુગામી જનરલ ઝાંગ ઝુડોંગ ( Zhang Xudong ) હાન છે અને ચીનની દરિયાઈ સરહદે આવેલા લિયાઓનિંગ પ્રાંતમાં જન્મેલા છે. તેઓ પૂર્વે ચીનના ઉત્તરપૂર્વ મિલીટરી શેન્યાન્ગ પ્રાંતમાં ફરજ બજાવતા હતા. માર્ચ 2017 થી જાન્યુઆરી 2018 સુધી જનરલ ઝાંગ ઝુડોંગ ( Zhang Xudong ) પિપલ્સ લિબરેશન આર્મી (PLA) ની 39મી આર્મીના ચીફ ઓફ સ્ટાફ હતા. ઝાંગ ચાઈનીઝ પાટનગર બેઇજિંગની સલામતી માટે જવાબદાર એવા સેન્ટ્રલ થિયેટર કમાન્ડના ડેપ્યુટી કમાન્ડર હતા. 2019ની ચીનના સ્થાપના દિવસની જોઈન્ટ મિલીટરી પરેડના તેઓ ડેપ્યુટી કમાન્ડર હતા. સૌથી અગત્યની બાબત એ છે ચીનના વેસ્ટર્ન કમાન્ડ થિયેટરના કમાન્ડર તરીકે નિયુક્ત થયેલા ઝાંગ સેન્ટ્રલ કમિટી કે નેશનલ પિપલ્સ કોંગ્રેસના સભ્ય પણ નથી જે તેમના રાજકીય મહાત્વાકાંક્ષા ધરાવતા પુરોગામી જનરલ કરતા જુદા પાડે છે.