- જમ્મુના સામ્બા સેક્ટરમાં મળી સુરંગ
- 150 મીટર લાંબી ટનલનો બીજો છેડો પાકિસ્તાનમાં
- ઠાર મરાયેલા ચારેય આતંકવાદીઓ આ રસ્તે જ ભારતમાં ઘુસ્યા હતા
જમ્મુના સામ્બા સેક્ટરમાં 150 મીટરા ટનલ મળી આવી
જમ્મુ કાશ્મીરના સુરક્ષા બળોએ આજે મોટી સફળતા પ્રાપ્ત કરી હતી. પાકિસ્તાન દ્વારા ભારતમાં થતી ઘુસણખોરીનો સૌથી ખતરનાક રસ્તો શોધીને ભારતીય સુરક્ષા બળોએ મોટી સફળતા પ્રાપ્ત કરી છે. ભારતીય સુરક્ષા બળોએ જમ્મુના સામ્બા સેક્ટરમાં પાકિસ્તાન સરહદે 150 મીટર જેટલી લાંબી ટનલ શોધી કાઢી છે. આ સુરંગનો બીજો છેડો પાકિસ્તાનમાં નીકળે છે. સુરંગ મળી આવતા જ સુરક્ષા દળો તથા જમ્મુ કાશ્મીર પોલીસના અધિકારીઓ ધસી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો.
નગરોટા સેક્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓ આ સુરંગના રસ્તે જ ભારતમાં ઘુસ્યા હતા
ભારતીય સુરક્ષા બળોએ સામ્બા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક 150 મીટર લાંબી ટનલ શોધી કાઢી છે. સુરક્ષા અધિકારીઓએ જણાવ્યા અનુસાર નગરોટા સેક્ટરમાં ભારતીય સુરક્ષાદળોના હાથે માર્યા ગયેલા 4 આતંકવાદીઓ આ સુરંગના રસ્તે જ ભારતમાં ઘુસ્યા હતા. સુરંગનો બીજો છેડો પાકિસ્તાનમાં નીકળે છે તે જોતાં આખા વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીર પોલીસના જણાવ્યા મુજબ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના ચાર આતંકવાદીઓ સામ્બા સેક્ટરની આ જ સુરંગ દ્વારા ભારતીય સરહદમાં ઘુસ્યા હતા. ભારતીય સરહદમાં ઘુસ્યા બાદ કાશ્મીર આવવા માટે આ ચારેય આતંકવાદીઓએ ચોખા ભરેલી ટ્રકમાં શરણ લીધું હતું. જૈશ એ મોહમ્મદના ચારેય આતંકવાદીઓ ચોખાની બોરીઓ વચ્ચે એવી રીતે સંતાઈ ગયા હતા કે અનેક પોસ્ટ્સ પાર કરતા કરતા આસાનીથી ગુરુવારે સવારે 4:45 વાગ્યે છેક નગરોટા વન ટોલ નાકા સુધી પહોંચી ગયા હતા.
પોલીસે ચેકિંગ કરતા ડ્રાઈવર ભાગી ગયો હતો
નગરોટા વન ટોલ પર પોલીસનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ઘનિષ્ઠ ચેકિંગ કરી રહ્યું હતુ. SOG નાં કમાન્ડોએ જેવી ટ્રકની અંદર રહેલી ચોખાની બોરીઓની તપાસ કરવાની શરૂઆત કરી કે ટ્રકનો ડ્રાઈવર ટ્રકોમાંથી ઉતરીને ભાગી ગયો. ટ્રક ડ્રાઈવરને ભાગતો જોઈને SOG ને શંકા પડી અને એક ટુકડી ટ્રક ડ્રાઈવરની પાછળ ભાગી અને બાકીના પોલીસોએ ટ્રકને ઘેરી લીધી.
આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો
ટ્રક ડ્રાઈવર ભાગી ગયો અને પોતે ચારે તરફથી ઘેરાઈ ગયા છે એ સમજી જતા આતંકવાદીઓએ ગ્રેનેડથી SOG ઉપર હુમલો કર્યો. ગ્રેનેડના ધડાકાનો અવાજ સાંભળીને બાજુની પોસ્ટ ઉપર તહેનાત સીઆરપીએફ તથા સેનાના જવાનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે તુરંત જ ટ્રકને ચારે બાજુથી ઘેરી લીધી તથા જમ્મુ કાશ્મીર હાઈવે અન્ય બધા જ વાહનો માટે બંધ કરી દીધો. ત્યાં સુધીમાં આતંકવાદીઓ તથા સુરક્ષા બળો વચ્ચે સામસામે ફાયરિંગ શરૂ થઈ ગયું હતું. આ ફાયરિંગમાં SOGના 4 જવાનો ઈજાગ્રસ્ત થયા હતા જેમને જમ્મુની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
લગભગ અઢી કલાક ચાલેલા ઓપરેશનમાં સુરક્ષા બળોએ આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
લગભગ અઢી કલાક ચાલેલા સામસામે ફાયરિંગમાં આતંકવાદીઓએ ટ્રકોમાંથી ઉતરીને ભાગી જવાની અનેક કોશિશ કરી હતી પરંતુ સુરક્ષા દળોના જબરદસ્ત ફાયરિંગ વચ્ચે તેઓ ભાગવામાં સફળ થયા નહી અને સુરક્ષા દળોના ગોળીબારમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. અંધાધૂંધ ફાયરિંગ થવાથી ટ્રકમાં આગ લાગી ગઈ હતી, ઘણા સમય સુધી ટ્રકોમાંથી કોઈ હલચલ ન થતા આગ બુઝાવી દેવામાં આવી હતી અને ટ્રકની તલાશી દરમિયાન ચાર આતંકવાદીઓની લાશ મળી હતી. આગ અને ફાયરિંગને કારણે આતંકવાદીઓના શબ ખરાબ રીતે બળી ગયા હતા.
પાકિસ્તાનના ષડયંત્ર નાકામ થયું, આતંકવાદીઓ પાસેથી મોટા પ્રમાણમાં ઘાતક હથિયારો મળ્યા
સુરક્ષા દળોની ચોકસાઈ તથા જાગૃતિને પરિણામે પાકિસ્તાની ષડયંત્રને સફળતાપૂર્વક નાકામ કરવામાં આવ્યું. ચારેય પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર મરાયા. ઠાર કરાયેલા આતંકવાદીઓ પાસેથી મોટા પ્રમાણમાં ઘાતક હથિયારો જપ્ત કરવામાં આવ્યા. આતંકવાદીઓ પાસેથી AK સિરીઝની 11 રાયફલો, ચાઈનીઝ બનાવટના 30 હેન્ડ ગ્રેનેડ, રોકેટ લોંચર દ્વારા ફેંકી શકાય એવા 6 ગ્રેનેડ, 3 પિસ્તોલ, 2 આઈઈડી રિમોટ, 2 કટર, દવાઓ, સુકા મેવાનો જથ્થો તથા અડધો તૈયાર એવો વિસ્ફોટકોનો જથ્થો મળી આવ્યો હતો. હથિયારો, વિસ્ફટકો તથા તૈયારી જોતા કોઈ મોટા હુમલાની ફિરાકમાં હતા આ આતંકવાદીઓ.