ભારતે 1,000 સેકન્ડથી વધુ સમય માટે સ્ક્રેમજેટ એન્જિનનું (Scramjet Engine) સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે, જે આગામી પેઢીના હાઈ-સ્પીડ મિસાઈલોના વિકાસમાં સહાયરૂપ બનશે. આધુનિક શસ્ત્રોના ઉત્પાદનમાં આ ખુબ મોટી સફળતા છે.
ભારતે આગામી પેઢીના ખૂબ જ ઝડપી ગતિ ધરાવતા મિસાઈલો વિકસાવવાની દિશામાં હરણફાળ ભરી છે. સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતે 1,000 સેકન્ડ કરતા વધુ સમય સુધી જમીન પર સ્ક્રેમજેટ એન્જિન (Scramjet Engine) નામના ખાસ પ્રકારના એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ એન્જિન આ મિસાઇલને ખૂબ જ ઝડપથી નિશાન સુધી પહોંચવામાં સહાયક થશે. આ સફળતા દર્શાવે છે કે ભારત પોતે આધુનિક શસ્ત્રો બનાવવાની ટેકનોલોજીમાં ઝડપથી આગળ વધી રહ્યું છે અને ભવિષ્યમાં ખૂબ જ ઝડપી ગતિની મિસાઈલો બનાવી શકશે.

સ્ક્રેમજેટ એન્જિન (Scramjet Engine) ને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) ની હૈદરાબાદ સ્થિત પ્રયોગશાળા, સંરક્ષણ સંશોધન અને વિકાસ પ્રયોગશાળા (DRDL) દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે. DRDL એ 25 એપ્રિલના રોજ હૈદરાબાદ ખાતે નવનિર્મિત અત્યાધુનિક સ્ક્રેમજેટ કનેક્ટેડ ટેસ્ટ ફેસિલિટી (SCPT) ખાતે 1000 સેકન્ડથી વધુ સમય સુધી સક્રિય રીતે કૂલ્ડ સ્ક્રેમજેટ સબસ્કેલ કમ્બસ્ટરનું સફળતાપૂર્વક ગ્રાઉન્ડ પરિક્ષણ કર્યું હતું.
Defence Research and Development Organisation, @DRDO_India achieved a significant milestone in Scramjet Engine Development by conducting Active Cooled Scramjet Subscale Combustor ground testing for over 1,000 seconds.
— All India Radio News (@airnewsalerts) April 25, 2025
Defence Research and Development Laboratory which is a… pic.twitter.com/dLyXkbzBqG
શું છે સ્ક્રેમજેટ એન્જિન (Scramjet Engine) સંચાલિત મિસાઈલ?
ભારતે એક્ટિવ કૂલ્ડ સ્ક્રેમજેટ ટેકનોલોજી સાથે હાઈપરસોનિક મિસાઈલોના ક્ષેત્રમાં ધમાકેદાર પ્રવેશ કર્યો છે. આ એક સ્વદેશી ઈંધણ સંચાલિત અવાજની ગતિ કરતાં પાંચ ગણી વધુ ઝડપે ગતિ કરતી મિસાઈલ છે. હાઈપરસોનિક મિસાઈલ ટેકનોલોજી પણ વિશ્વના થોડા જ દેશો પાસે છે.
આ સફળતા સાથે, ભારતે તેની અત્યંત હાઈ-સ્પીડ મિસાઈલ ટેકનોલોજીમાં વધુ એક પગલું આગળ વધાર્યું છે. આ વર્ષે જાન્યુઆરીમાં 120 સેકન્ડના સફળ પરીક્ષણ પછી, સ્ક્રેમજેટ એન્જિનનું હવે 1000 સેકન્ડથી વધુ સમય સુધી જમીન પર સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ સફળતાનો અર્થ એ છે કે આ ટેકનોલોજી ટૂંક સમયમાં સંપૂર્ણ રીતે વિકસિત થઈ જશે અને તેનો ઉપયોગ મિસાઈલોમાં કરી શકાશે.

હાઈપરસોનિક ક્રુઝ મિસાઈલો (HCM) એવા શસ્ત્રો છે જે અવાજની ગતિ કરતા પાંચ ગણી (6,100 કિમી પ્રતિ કલાકથી વધુ) ઝડપે લાંબા અંતર સુધી ઉડી શકે છે. આ મિસાઈલો ખાસ એન્જિન દ્વારા સંચાલિત હોય છે જે હવામાં હાજર ઓક્સિજનનો ઉપયોગ કરીને ચાલે છે. આ પરીક્ષણ દર્શાવે છે કે સ્ક્રેમજેટ એન્જિન ડિઝાઈન અને પરીક્ષણ સુવિધા બંને સારી રીતે કામ કરી રહી છે. આ સફળતા DRDO ની વિવિધ પ્રયોગશાળાઓ, કંપનીઓ અને કોલેજો વચ્ચેના સહયોગનું પરિણામ છે અને તેણે ભારત માટે હાઈપરસોનિક ક્રુઝ મિસાઈલો વિકસાવવાનો માર્ગ મોકળો કર્યો છે.