- વિશ્વ કક્ષાનું કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર
- વિશ્વ કક્ષાની સુવિધાઓથી સજ્જ
- દિલ્હીના દ્વારકામાં થઈ રહ્યું છે નિર્માણ
તાજેતરમાં જ્યાં જી-20 બેઠક યોજાઈ હતી, જેમાં અમેરિકા સહિત વિશ્વના ટોચના નેતાઓએ ભાગ લીધો હતો તે દિલ્હીના પ્રગતિ મેદાનમાં બનેલા ‘ભારત મંડપમ’ની ચર્ચા સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે. ભારતમાં આંતરરાષ્ટ્રીય સ્તરની બેઠકો, પરિષદો અને પ્રદર્શનો યોજાઈ શકે તે માટે વિશ્વ કક્ષાની માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ભારત મંડપમ જેવા ભવ્ય, વિશાળ અને વિશ્વ સ્તરીય ક્ન્વેન્શન સેન્ટરનું દિલ્હીના દ્વારકામાં નિર્માણ થઈ રહ્યું છે, જેને ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર (IICC) કહેવામાં આવી રહ્યું છે જો કે તેને ‘યશોભૂમિ’ નામ આપવામાં આવ્યું છે.
દિલ્હીના દ્વારકામાં નિર્માણ થઈ રહ્યું છે તે ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર (IICC) જેનું નામકરણ ‘યશોભુમિ” કરવામાં આવ્યુ છે. ‘યશોભૂમિ’ કુલ 8.9 લાખ ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામી રહ્યું છે, જેમાંથી 1.8 લાખ ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં બાંધકામ પૂર્ણ થઈ ગયુ છે. આ સેન્ટર વિશ્વ કક્ષાની સુવિધાઓથી સજ્જ હશે. એકવાર તૈયાર થઈ ગયા પછી, ‘યશોભૂમિ’ વિશ્વની સૌથી મોટી MICE (મીટિંગ, ઇન્સેન્ટિવ, કોન્ફરન્સ અને એક્ઝિબિશન) સુવિધાઓમાં તેનું સ્થાન લેશે.
‘યશોભૂમિ’ કન્વેન્શન સેન્ટરની ક્ષમતાનો અંદાજ એ પરથી લગાવી શકાય છે કે યશોભૂમિમાં મુખ્ય ઓડિટોરિયમ તેમજ ગ્રાન્ડ બૉલરૂમ સહિત 15 કન્વેન્શન રૂમ અને 13 મીટિંગ હોલનો તૈયાર કરવામાં આવશે. તેની વિશાળતા અને ભવ્યતાનો અંદાજ તેના પરથી લગાવી શકાય છે કે તેમાં કુલ 11,000 પ્રતિનિધિઓ માટે બેઠક વ્યવસ્થા છે. કન્વેન્શન સેન્ટરમાં દેશનો સૌથી મોટો LED મીડિયા ફેસ પણ છે. યશોભુમિના મુખ્ય ઓડિટોરિયમમાં એક સાથે 6000 મહેમાનોની બેઠક ક્ષમતા છે, આ ઉપરાંત ઓડિટોરિયમમાં બેઠક વ્યવસ્થા સંપૂર્ણપણે ઓટોમેટિક છે. ‘યશોભૂમિ’નું ફ્લોરિંગ લાકડાનુ બનેલુ છે અને તે સંપૂર્ણ રીતે સાઉન્ડ પ્રૂફ પણ છે. ઓડિટોરિયમની બાજુમાં એક સાથે 2500 જેટલા મહેમાનો બેસી શકે તેવી વ્યવસ્થા ધરાવતો ભવ્ય બોલરૂમ બનાવવામાં આવ્યો છે. સાથે સાથે કેટલીક જગ્યા ખુલ્લી રાખવામાં આવી છે જ્યાં ઓછામાં ઓછા 500 લોકો બેસી શકે છે. ‘યશોભુમિ’ આઠ માળની ઈમારત છે તેમાં આંતરરાષ્ટ્રીય સ્તરની મીટીંગો થઈ શકે તે માટે કુલ મળીને 13 મીટીંગ હોલ બનાવવામાં આવશે.
‘યશોભૂમિ’ કન્વેન્શન હોલના નિર્માણમાં એક વિશાળ પ્રદર્શન હોલનો પણ સમાવેશ થાય છે. ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર (IICC) કહેવામાં આવી રહ્યું છે જો કે તેને ‘યશોભૂમિ’ નામ આપવામાં આવ્યું છે તેમાં તેનો ઉપયોગ પ્રદર્શનો, વેપાર મેળાઓ અને વ્યવસાયિક કાર્યક્રમો યોજી શકાય તે માટે 1.07 લાખ ચોરસ મીટરથી વધુ જગ્યા ફાળવવામાં આવી છે જેમાં વિશ્વ સ્તરની સુવિધાઓ હશે. ‘યશોભુમિ’ અનેક રુપે નાવિન્ય સભર હશે, અહીં નવા જ પ્રકારની ડિઝાઈન જોવા મળશે. ‘યશોભુમિ’ ની વિશેષતા એ પણ છે કે તેની છતમાં તાંબાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મીડિયા રૂમ, વીવીઆઈપી લોન્જ, વિઝિટર ઈન્ફોર્મેશન સેન્ટર અને ટિકિટ સેન્ટર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે.
‘યશોભુમિ’ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે રાષ્ટ્રને સમર્પિત કરશે. PM મોદી દ્વારા દ્વારકા સેક્ટર 25માં નવનિર્મિત મેટ્રો સ્ટેશનના ઉદ્ઘાટન સાથે, યશોભૂમિને દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ લાઇન સાથે પણ જોડવામાં આવશે. આગળ જતાં, દિલ્હી મેટ્રો એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર દોડતી મેટ્રો ટ્રેનની સ્પીડ 90 થી 120 કિમી પ્રતિ કલાક સુધી વધારશે, જેનાથી મુસાફરીનો સમય ઘટશે. નવી દિલ્હીથી યશોભૂમિ અને દ્વારકા સેક્ટર 25 સુધીનું અંતર કાપવામાં માત્ર 21 મિનિટ લાગશે.