સાવિત્રીબાઈ ફૂલેનો જન્મ 3જી જાન્યુઆરી 1831 ના દિવસે થયો હતો. માતા સાવિત્રીબાઈ ફૂલે એટલે વિશ્વના એકમાત્ર “શિક્ષણાગ્રહ” ના અગ્રદૂત, શિક્ષણાગ્રહી.
આખો દેશ મીઠાના સત્યાગ્રહ વિશે રજેરજની જાણકારી ધરાવે છે, અરે મીઠાના સત્યાગ્રહ તથા સત્યાગ્રહીઓની યાદગીરી રૂપે દર વર્ષે એની ઉજવણી કરવામાં આવે છે. અંગ્રેજોના અન્યાયકર્તા કાયદા વિરુદ્ધનો એ સત્યાગ્રહ અનન્ય જ છે પરંતુ જેનુ મહત્વ આજના આધુનિક યુગમાં પણ એટલું જ છે કદાચ એ વખત કરતા વધારે છે એવા “શિક્ષણાગ્રહ” અને શિક્ષણના આગ્રહમાં સામા પવને અડીખમ ઊભા રહેલા મહાત્મા જયોતિબા ફુલે અને તેમના સહધર્મચારિણી સાવિત્રીબાઈના કર્તૃત્વને ખબર નહીં કેમ પરંતુ વાંચી પણ ના શકાય એવા કોઈ અજાણ્યા ઈતિહાસના પુસ્તકના પાના પર લખીને અંધારા ખૂણામાં શા માટે સંતાડી રાખ્યુ હશે ?
સાવિત્રીબાઈ ફૂલે એક મહાન સમાજ સુધારક, તત્વચિંતક, કવિ અને શિક્ષણશાસ્ત્રી પણ હતા. તેમની કવિતાઓ મોટે ભાગે પ્રકૃતિ, શિક્ષણ અને જાતિ પ્રથા નાબૂદી પર કેન્દ્રિત હતી. તેમના પતિ જ્યોતિરાવ ફુલે પણ પ્રખ્યાત વિચારક અને લેખક હતા. તેમણે સામાજિક દુષણો સામે જોરદાર અવાજ ઉઠાવ્યો. સાવિત્રીબાઈ ફુલેનો જન્મ 3 જાન્યુઆરી 1831ના રોજ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના નાના ગામ નયાગાંવમાં થયો હતો.
મહાત્મા જયોતિબા-સાવિત્રીબાઇના જમાનામાં સ્ત્રીઓ અને સ્પૃશ્યોની સરખી અવદશા હતી. એમાં પણ સ્ત્રી શુદ્ર સમાજની હોય તો તેની દશા બમણી ખરાબ. સમાનતા જેવો કોઇ શબ્દ તેમની જિંદગીમાં અસ્તિત્ત્વ ધરાવતો ન હતો. બાળલગ્નો સામાન્ય હતા અને કોઇ પણ સમાજની છોકરીઓના જીવનનું સાર્થક્ય પરણી જવામાં હતું. મહાત્મા જયોતિબા ફુલે અને સાવિત્રીબાઇના લગ્ન પણ નાની ઉંમરે થયેલા બાળલગ્ન જ હતા. લગ્ન વખતે જયોતિબાની ઉંમર 13 વર્ષ તથા સાવિત્રીબાઈની ઉંમર માત્ર 8 વર્ષની હતી. (જન્મઃ 1831). પરંતુ સુધારક મિજાજ ધરાવતા જયોતિબાએ સમાજસુધારાની શરૂઆત પોતાના ઘરથી કરી. જ્યોતિરાવ નાં પત્ની સાવિત્રીબાઈ ભણેલા નહોતાં, જયોતિરાવે સાવિત્રીબાઇને ઘરકામમાં ગોંધી રાખવાને બદલે એમને શિક્ષિત કરવાની શરૂઆત કરી. સામે પત્ની સાવિત્રીબાઈ પણ પતિ જ્યોતિરાવ નાં અભિયાન માં એટલી જ ત્વરા તથા ઉત્સાહથી પ્રતિભાવ આપ્યો. જ્યોતિરાવનું પોતાના પત્નીને શિક્ષિત બનાવવાનું કાર્ય કોઈ ડિગ્રી માટે નહીં પરંતુ સમાજમાં મહિલાઓને શિક્ષણ નહીં આપવાની પ્રથાને કારણે સમાજમાં મહિલાઓના ખોવાઈ રહેલા સન્માન પરત અપાવવાના પવિત્ર હેતુસર હતું, અન્યાય સામેની લડતની તૈયારી માટે હતુ. પત્ની સાવિત્રીબાઈને જયોતિરાવે એવાં શિક્ષિત કર્યાં કે તે પોતે અન્ય ને ભણાવી શકે.
આ તરફ સાવિત્રીબાઈનું શિક્ષણ પુરું થતા જ જ્યોતિબા ફુલેએ મહિલાઓ માટે શાળા શરૂ કરવાનું નક્કી કર્યું. પરંતુ જ્યાં સ્ત્રીને ભણાવવાની કલ્પના જ મરણપથારીએ પડી હોય ત્યારે કોણ મહાત્મા જયોતિબા-સાવિત્રીબાઈને સમર્થન આપે ? આત્યંતિક અને ભારે વિરોધ વચ્ચે મહાત્મા જયોતિબા તથા સાવિત્રીબાઈ કન્યાઓ માટે શાળાની શરૂઆત કરી. જ્યોતિબા ફુલે ની દૂરંદેશી અહીં જોવા જેવી છે, રૂઢિચુસ્ત સમાજ કદાચ કહેવા પુરતો દિકરીને ભણાવવાની હા પાડી પણ દે પરંતુ જો શિક્ષક પુરુષ હોય તો એમને દિકરીને, મહિલાઓને નહીં ભણાવવાનું અન્ય બહાનું મળી જાય આ વિચારથી જ દૂરંદેશી મહાત્મા ફુલે એ પોતે 1848માં પુણેના ભીડે વાડામાં શરૂ કરેલી કન્યાઓ માટેની પ્રથમ શાળામાં, શિક્ષિકા તરીકે જવાબદારી સાવિત્રીબાઈને આપી, સાવિત્રીબાઈ પણ અદ્ભુત વ્યક્તિત્વના સ્વામિની પતિના આદર્શ, ધ્યેયને સમજી ગયેલા અર્ધાંગિની તુરંત જ કન્યાશાળાની જવાબદારી ઉપાડી લીધી. ફૂલે દંપત્તિએ ત્યાર બાદ 18 શાળાઓ ખોલી હતી.
પ્રશ્ન મોટો તો એ પણ હતો રૂઢિચુસ્તતા અને મિથ્યાભિમાનમાં રાચતા સમાજના ઉપલા વર્ગની સામે પડીને શુદ્ર કન્યાઓને ભણાવવાનું સહેલું ન હતું. માતા સાવિત્રીબાઈને કથિત ઉજળિયાત વર્ગોએ મહેણાંટોણાં મારવાની શરુઆત કરી, પરંતુ હિમાલય સમ અડગ એવા મહાત્મા જ્યોતિબા જેવા પતિના પત્ની એમ કાંઈ ડગે ખરા ? સમાજની મહિલાઓને તેમના સ્વમાન અને સન્માનને શિક્ષણથી વિભુષિત કરવાનાં મહાત્મા જયોતિબા ફુલેના સ્વપ્નને સાકાર કરવા માટે સાવિત્રીબાઈને મન મહેણાંટોણાં સાંભળવા કશું વિસાતમાં નહોતા. પોતાના મહેણાંટોણાથી સાવિત્રીબાઈને કશો જ ફરક નથી પડતો એવું જોઈને રૂઢિચુસ્ત અને મિથ્યાભિમાનીઓ ઓર નીચલી કક્ષાએ પહોંચી ગયા અને સાવિત્રીબાઈ જ્યારે શાળામાં કન્યાઓને ભણાવવા માટે ઘેરથી નીકળે એટલે રસ્તામાં સાવિત્રીબાઈ ઉપર કાદવકીચડ, છાણ, ગંદકી ફેંકવાની શરૂઆત કરી અરે પથ્થરો મારતા પરંતુ માતા સાવિત્રીબાઈ જેમનું નામ ડગવાનુ કે પાછા પગલાં ફરવાનું તો શિખ્યા જ નહોતા સાવિત્રીબાઈ મેરુ પર્વત જેવા મક્કમ અને અડગ હતા. પરંતુ કાદવકીચડ, છાણ, ગંદકી વાળાં કપડાં પહેરીને શાળામાં જવાય નહીં અન્યથા દિકરીઓને ખોટો સંદેશો જાય કે ગંદા કપડા પહેરી શકાય, પહેરીને શાળામાં આવી શકાય તો સ્વચ્છતાના શિક્ષણ નું શું ? પતિ જેટલા જ દૂરંદેશી તથા અડગ મનોબળ ધરાવતા સાવિત્રીબાઈ શાળા એ જતી વખતે પોતાની સાથે થેલીમાં કપડાની બીજી જોડી રાખવા માંડ્યા અને શાળાએ પહોંચીને સમાજ દુશ્મનોએ ગંદકી નાંખીને બગાડેલા કપડા બદલી દેતા. સાવિત્રીબાઇ મક્કમ હતા તેમના સંઘર્ષનો ખ્યાલ એ હકીકત પરથી આવશે કે કન્યાકેળવણીના કામ માટે જયોતિરાવે સાવિત્રીબાઇને બે સાડી આપી હતી, એક ઘરેથી નિશાળે જતાં સુધી પહેરવાની અને કથિત ઉજળિયાતોના શબ્દાર્થમાં ગંદા હુમલાને કારણે એ સાડી ખરાબ થઇ જાય એટલે નિશાળે જઇને એ સાડી બદલીને બીજી સાડી પહેરવાની.
પોતાની પર હીણા હુમલા કરનારાને સાવિત્રીબાઇ કહેતાં હતાં,‘હું તો મારી ફરજ બજાવું છું. ભગવાન તમને માફ કરે.’ એક વાર કોઇએ તેમની છેડછાડની કોશિશ કરી ત્યારે સાવિત્રીબાઇએ એક તમાચો ચોડી દીધો. ત્યારથી રસ્તામાં થતી હેરાનગતિ અટકી, પણ સમાજનું દબાણ ચાલુ રહ્યુ. જયોતિરાવ-સાવિત્રીબાઇ સામે પોતાનુ જોર ન ચાલતાં હંમેશા બનતુ રહ્યું છે તેમ લોકોએ જયોતિરાવના પિતા પર દબાણ કર્યું. જયોતિરાવના પિતાએ દબાણને વશ થઈ નાછુટકે, અનિચ્છાએ પણ જ્યોતિરાવ તથા સાવિત્રીબાઈને શાળા અથવા ઘર- બેમાંથી એકની પસંદગી કરવા કહ્યું. પરંતુ પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે જ જીવન જીવતા જયોતિરાવે શાળા પસંદ કરી, જ્યોતિરાવના ધ્યેયને પૂર્ણ કરવા માટે અર્ધાંગિની તરીકે સાવિત્રીબાઈ એ પતિને પગલે જ આગળ વધવાનું પસંદ કર્યું અને બંનેએ ઘર છોડ્યુ. જોકે, સાવિત્રીબાઈને ઘરમાં રહેવું હોય તો છૂટ હતી, પરંતુ જરા સરખા ખચકાટ વિના સમાજ સુધારણાના પતિના ધ્યેયના સાથી બનીને તેમણે ઘર છોડી દીઘુ. નિશાળે ભણવા આવતા અસ્પૃશ્ય બાળકોને જાહેર કૂવા કે જાહેર પરબ પરથી પીવા માટે પાણી પણ ન મળે. એ વખતે સાવિત્રીબાઈ પોતાના ઘરેથી તેમને પાણી આપતા હતા.
ભારતીય સમાજમાં જાગૃતિ નો પવન ફૂંકાવો શરુ થયો હતો, સતીપ્રથા બંધ થઇ અને વિધવાવિવાહ સામેનો વિરોધ ચાલુ થયો. તત્કાલીન સમાજમાં વિશિષ્ટ સ્થિતિ સર્જાઈ. યુવાન વયે વિધવા થયેલી, સ્ત્રીઓની હાલત દયનીય બની. તેમને અસ્પૃશ્યની જેમ જીવવું પડતુ. મહિલા સલામત ક્યાં હતી ત્યારે આતો વિધવા મહિલા, અસહાય મહિલા ત્યારે અત્યાચારનો ભોગ બનવાની સંભાવના પણ એટલી જ રહેતી, ત્યારે વિધવા સ્ત્રી શારીરિક અત્યાચારનો ભોગ બને તો તેની સામે જીવનું જોખમ વેઠીને ગર્ભપાત કરાવવા કે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ રસ્તો રહેતો ન હતો. આ પરિસ્થિતિ જયોતિબાના ઘ્યાન પર આવી. એટલે તેમણે જાતિના ભેદભાવ રાખ્યા વગર વિધવા સ્ત્રીઓ માટેનું પ્રસુતિગૃહ ઊભુ કર્યું. આ કેન્દ્રનું નામ ‘બાળહત્યા નિવારણ ગૃહ’ હતું. એક વિધવા બહેનને જયોતિબા સમજાવીને આપઘાતના રસ્તે આગળ વધતી પાછી વાળીને પોતાના ઘરે લઇ આવ્યા. બહેને પોતાની વ્યથા વ્યક્ત કરી કે જો તે બાળકને જન્મ આપશે તો પિતાના નામ વગરના બાળકને સમાજ નહીં સ્વીકારે અને એ બાળકનું જીવન વેદનાથી ભરપૂર નરક સમાન બની જશે. વિધવા બહેનની વ્યથા સાંભળીને જ્યોતિબા ફુલેએ તેના ભાવિ સંતાનના પિતા તરીકે પોતાનું નામ આપવાની તૈયારી બતાવી. પત્ની તરીકે કેટલી વિકટ પરિસ્થિતિ હશે તેની કલ્પના આજે પણ ધ્રુજાવી દે પરંતુ સાવિત્રીબાઈ જ્યોતિબાની સાથે અડીખમ ઊભા હતા. એ વિધવા સ્ત્રીના પુત્રને ફુલે દંપતિએ દત્તક લીધો અને એ પુત્ર યશવંતે જ પહેલા પિતા જ્યોતિબા અને પછી માતા સાવિત્રીબાઈને અગ્નિદાહ આપ્યો.
સાવિત્રીબાઈનું મહત્ત્વ કેવળ જયોતિબાના પત્ની હોવામાં નહીં, પણ સામા પૂરે તરનારા પતિના સરખેસરખા સાથી બની રહેવામાં છે.
બે કાવ્યસંગ્રહો ‘કાવ્યફૂલે’ અને ‘બાવનકશી સુબોધરત્નાકર’ ઉપરાંત જયોતિબાને તેમણે લખેલા પત્રોનાં સંકલન પ્રગટ થયાં છે. આજીવન સંઘર્ષ પછી 1888માં જયોતિબાનું અવસાન થયું. તેમના ગયા પછી 1893માં પડેલા ભીષણ દુકાળ વખતે અને 1897માં ફાટી નીકળેલા પ્લેગ વખતે સાવિત્રીબાઇએ રાહતકાર્યોમાં જાતને જોતરી દીધી. પ્લેગના દર્દીઓની સેવા કરતા તેમને પણ ચેપ લાગ્યો અને 10 માર્ચ, 1897ના રોજ 66 વર્ષની વયે તેમનું અવસાન થયું. આજે તમામ ક્ષેત્રોમાં સ્ત્રીશક્તિનો સ્વીકાર થયો છે, ત્યારે એ ક્ષેત્રે સાવિત્રીબાઈનું પ્રદાન આટલા વર્ષો પછી પણ અવિચળ છે.