– કિશોર મકવાણા
– ભારતના ભાગલા કેવી રીતે થયા ?
– ભાગલા માટે કોણ જવાબદાર ?
– કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.con પર વાંચો…
ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઈને શ્રી કિશોરભાઈ મકવાણાની કસાયેલી કલમે રસાળ શૈલીમાં શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…
વાંચો લેખમાળાનું પ્રકરણ – 104
ઉદેપુરના મહારાજાએ ઝીણાના એજન્ટોને રોકડું પરખાવી દીધું: ‘મારો નિર્ણય તો મારા પૂર્વજો કરીને ગયા છે…’
– ઝીણાએ એક કોરા સફેદ કાગળ પર સહી કરી, કાગળ અને પોતાની ‘ફાઉન્ટનપેન’ જોધપુરના મહારાજા હનવંતસિંહ આગળ મૂકી દીધાં અને કહ્યું : ‘તમે તમારી બધી જ શરતો લખી નાખો.’ ચર્ચા થઈ. મહારાજા પાકિસ્તાનમાં ભળવા માટે તૈયાર હતા. ત્યારપછી તેમણે જેસલમેરના મહારાજને પૂછ્યું કે તમે મને સાથ આપશો ? મહારાજકુમારે કહ્યું કે તેમની એક શરત છે : હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે ઝઘડો થશે તો તે હિન્દુઓ વિરુદ્ધ મુસલમાનોની તરફેણ નહીં કરે. આ તો ધડાકો હતો.’
– ઉદેપુરના મહારાણા ભૂપાલસિંહે ભોપાલ યોજનામાં સામેલ થવા માટેનું નિમંત્રણ મળ્યું ત્યારે મહારાણા પ્રતાપના આ વંશજે જવાબ આપ્યો : ‘મારો નિર્ણય તો મારા પૂર્વજ કરીને ગયા છે. તેમણે ખુશામતખોરી કરી હોત તો મારા માટે હૈદરાબાદ જેવું વિશાળ રાજ્ય મૂકીને ગયા હોત. ન તો તેમણે ખુશામત કરી હતી, ન તો હું કરીશ. હું ભારત સાથે છું.
લગભગ બધા જ હિન્દુ રજવાડા ભારતમાં ભળી ગયા. રાજા-મહારાજાઓએ પોતાના રજવાડા દેશની એકતા-અખંડિતતા માટે ભારતમાતાના ચરણોમાં સમર્પિત કરી દીધા હતા. એમણે કરેલો ત્યાગ અદ્વિતીય અને ઐતિહાસિક હતો. માત્ર કાશ્મીર, જૂનાગઢ, હૈદરાબાદ અને ભોપાલના મુસ્લિમ બાદશાહોઓએ જ અવળચંડાઇ કરી, પાકિસ્તાન સાથે ભળી જવાની બદમાશી અને દેશ સાથે ગદ્દારી કરી હતી. આ નિર્ણાયક ઘડીમાં ઉદેપુરના મહારાણા અને બાપા રાવળ તેમજ મહારાણાના પ્રતાપના વંશજ ભૂપાલસિંહે દેશભક્તિનો ભવ્ય આદર્શ રજૂ કર્યો. આ આદર્શ બાકીના અનેક હિન્દુ રાજવીઓ માટે પ્રેરણારૂપ બન્યો.
‘ઉદેપુર પશ્ચિમમાં જોધપુર અને પૂર્વમાં ઈન્દોર તથા ભોપાલ વચ્ચેની કડી હતું. ભોપાલના નવાબ હમિદુલ્લાખાનનું પાકિસ્તાનમાં ભળવાનું સ્વપ્ન ઉદેપુર ભોપાલ રાજ્યમાં ભળી જાય તો જ સાકાર થઈ શકે તેમ હતું. જોધપુરના મહારાજા તરફથી ઉદેપુરના મહારાણા ભૂપાલસિંહે ભોપાલ યોજનામાં સામેલ થવા માટેનું નિમંત્રણ મળ્યું ત્યારે મહારાણા પ્રતાપના આ વંશજે જવાબ આપ્યો : ‘મારો નિર્ણય તો મારા પૂર્વજ કરીને ગયા છે. તેમણે ખુશામતખોરી કરી હોત તો મારા માટે હૈદરાબાદ જેવું વિશાળ રાજ્ય મૂકીને ગયા હોત. ન તો તેમણે ખુશામત કરી હતી, ન તો હું કરીશ. હું ભારત સાથે છું.’ (વી. પી. મેનન : ધ સ્ટોરી ઓફ ધ ઇન્ટીગ્રેશન ઓફ ધ ઇન્ડિયન સ્ટેટ્સ, પૃષ્ઠ: 163)
પરંતુ જોધપુર અને જેસલમેર રાજ્યે ભારત સંઘમાં ભળવાનો નિર્ણય કર્યો તે પહેલાં કેટલીક મુશ્કેલીઓ ઊભી થઇ. જોધપુર, જેસલમેર અને બીકાનેર – ત્રણેય મોટાં રજવાડાં હતાં અને તેમની સરહદો ભારત અને પાકિસ્તાન સાથે જોડાએલી હતી. આ સમગ્ર ઘટનાક્રમમાં મુખ્ય ભૂમિકા ભજવનાર વી. પી. મેનને લખ્યું છે : ‘જોધપુરના સ્વર્ગીય મહારાજા હનવંતસિંહ અક્કડ રહ્યા. મહંમદઅલી ઝીણા અને મુસ્લિમ લીગના નેતા ઘણીવાર તેમને મળ્યા હતા. લાલચો આપી હતી. છેલ્લી મુલાકાત વખતે મહારાજા હનવંતસિંહ તેમની સાથે જેસલમેરના તત્કાલીન મહારાજકુમાર (ગીરધરસિંહ) ને પણ લઈ ગયા હતા કારણ કે બીકાનેરના મહારાજા તેમની સાથે જતા નહોતા. તેમને એકલા જતાં સંકોચ થતો હતો. મને મળેલી માહિતી મુજબ – ઝીણાએ એક કોરા સફેદ કાગળ પર હસ્તાક્ષર કરી, કાગળ અને પોતાની ‘ફાઉન્ટનપેન’ મહારાજા હનવંતસિંહ આગળ મૂકી દીધાં અને કહ્યું : ‘તમે તમારી બધી જ શરતો લખી નાખો.’ ચર્ચા થઈ. મહારાજા પાકિસ્તાનમાં ભળવા માટે તૈયાર હતા. ત્યારપછી તેમણે જેસલમેરના મહારાજને પૂછ્યું કે તમે મને સાથ આપશો ? મહારાજકુમારે કહ્યું કે તેમની એક શરત છે : હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે કોઈ ઝઘડો થશે તો તે હિન્દુઓ વિરુદ્ધ મુસલમાનોની તરફેણ નહીં કરે. આ તો ધડાકો હતો. મહારાજા હનવંતસિંહનું તો મોં ફાટી ગયું. સર મોહંમદ જફરુલ્લાએ સ્થિતિ સંભાળી લીધી અને હનવંતસિંહને જોડાણવખત પર હસ્તાક્ષર કરવા વિનંતી કરી; પરંતુ મહારાજા કોઈ નિર્ણય લઈ શક્યા નહીં. તેમણે ઝીણાને કહ્યું કે તે જોધપુર જઈ બીજા દિવસે પાછા આવશે. મહારાજા ત્રણ દિવસ જોધપુર રહ્યા. જોધપુર તેના ભાગ્યનો નિર્ણય પાકિસ્તાન સાથે કરે તે વાત સામે જોધપુરમાં ભારે વિરોધ થઈ રહ્યો હતો. જાગીરદાર અને સામંતગણ તેના વિરોધી હતા. મહારાજનું મન ડોલવા લાગ્યું ત્રણ દિવસ પછી તે દિલ્હી આવ્યા ત્યારે મને સૂચના મળી કે હું જેમબને તેમ જલદી મહારાજાને વશમાં નહીં કરું તો તે પાકિસ્તાનમાં ભળી જાય તેવી પૂરી શક્યતા છે.’ (વી. પી. મેનન : ધ સ્ટોરી ઓફ ધ ઇન્ટીગ્રેશન ઓફ ધ ઇન્ડિયન સ્ટેટ્સ, પૃષ્ઠ: 112-113)
આગળની કથા ટૂંકમાં આ મુજબ છે : મેનને કંઈક એવું ચક્કર ચલાવ્યું કે માઉન્ટબેટનને પણ તેમના પ્રયત્નમાં ભાગીદાર બનાવી લીધા અને મહારાજાને પણ ભારતમાં ભળવામાં જ સારપણ દેખાયું. એક અન્ય હિન્દુ રાજ્ય ત્રાવણકોર પણ કોનરાડની જાળમાં ફસાઈ ગયું હતું. તેણે સ્વતંત્ર રહેવાની ઈચ્છા જાહેર કરી હતી, પરંતુ અત્યાર સુધી તેમની સામે ભૂગર્ભમાં ચાલતા લોક આંદોલને પણ મહારાજાના નિર્ણય સામે ખુલ્લો સંઘર્ષ છેડી દીધો. આંદોલનકારીઓ ત્રાવણકારોના માર્ગો પર પોલીસ સાથે ટકરાયા અને સંઘર્ષની ચિનગારી ચારેબાજુ ફેલાઈ. મહારાજાને વિલય વિરુદ્ધ સલાહો આપનાર ત્રાવણકારોના વડાપ્રધાન સી. પી. રામસ્વામી ઐયરને કોઈએ છરો ભોંકી દીધો. તેમને ગંભીર હાલતમાં હૉસ્પિટલ દાખલ કરવા પડ્યા. મહારાજાને સદ્દબુદ્ધિ આવી. તેમણે ભીંત પર લખાયેલા ભાગ્યના લખાણને બરાબર વાંચી લીધું અને ભારતમાં ભળી જવાના જોડાણખત પર હસ્તાક્ષર કરી દીધા. કહેવાની જરૂર નથી કે દેશી રાજવીઓને વિવેકનો માર્ગ દેખાડવા માટે સરદાર પટેલના શસ્ત્રાગારમાં એક શસ્ત્ર લોકઆંદોલનનું પણ હતું.
મુસ્લિમ લીગના ઝેરીલા પ્રચારે મુસલમાનોને ભડકાવ્યા. તેમણે અલવર અને ભરતપુર રાજ્યમાં તથા પંજાબના ગુડગાંવ વિસ્તારમાં બળવો કર્યો. રાજ્યોની સેના અને પોલીસમાં રહેલા મુસલમાનોએ પણ બળવો કર્યો અને બળવાખોરો સાથે ભળી ગયા. તેમણે હિન્દુ ગામો પર હુમલા કર્યા અને મંદિરોને ભ્રષ્ટ કર્યા, પરંતુ આ રાજ્યોનો વિલય ભારતમાં થઈ ગયો ત્યારે બળવાને શાંત કરી દેવામાં આવ્યો.
ભારત સંઘમાં રજવાડાંઓના સફળ વિલયનું ઐતિહાસિક મહત્વ છે. ભારતની રાજ્ય – વ્યવસ્થાના સાગરમાં અનેક નાના-નાના વિરોધી ટાપુઓ સ્થાપવાના બ્રિટિશ – મુસ્લિમ જૂથના પ્રયત્નોને ધૂળમાં ભેળવી દેવામાં આવ્યા. સરદાર પટેલની અદભૂત કુનેહથી દેશ એકતાના સૂત્રમાં બંધાયો. દેશના સદીઓ જૂના વિખંડનના ઝેરીલા અભિશાપમાંથી આપણે મુક્ત થઈ ગયા. દેશ ચિરકાળથી અસંખ્ય નાના – નાના સ્વયંભૂ રજવાડાઓમાં વહેંચાયેલો હતો. આપણા રાષ્ટ્રીય જીવનની આ પ્રાચીન કાલિમા ધોવાઈ ગઈ. એક સર્વોચ્ચ રાજ્યસત્તા પ્રત્યે અતૂટ નિષ્ઠાની ભાવનાનો ઉદય થયો. ભારત શતાબ્દીઓ પછી કેવળ સાંસ્કૃતિક રીતે જ નહીં પણ રાજકીય અને ભૌગોલિક રીતે એક, એકાત્મ અને અખંડ બન્યો.
આ ઐતિહાસિક ઉપલબ્ધિના મુખ્ય વ્યુહકાર સરદાર પટેલ હતા તેમાં શંકાને જરાય સ્થાન નથી. સરદાર પટેલના મુખ્ય વિશ્વાસપાત્ર વી. પી. મેનને કહ્યું છે : સરદાર પટેલના સારગર્ભિત શબ્દ ભારત માટે ચિરસ્મરણીય રહેશે : ‘‘વાસ્તવિક્તાથી મોં ફેરવી લેવું મૂર્ખતા ગણાશે. તેની લેવડ – દેવડ બરાબર ચૂક્તે કરવામાં ન આવે તો તે બદલો લેવાનું ચૂકતી નથી.’ (વી. પી. મેનન : ધ સ્ટોરી ઓફ ધ ઇન્ટીગ્રેશન ઓફ ધ ઇન્ડિયન સ્ટેટ્સ, પૃષ્ઠ: 472)
560 રજવાડાઓના શાસકોને તેમની સત્તા છોડી દેવા સમજાવવા એ કામ જેવુ તેવુ નહોતુ. વિશ્વ ઇતિહાસની અનોખી અને અપૂર્વ ઘટના હતી.
દેશી રજવાડાને ભારતીય સંઘરાજ્યનો અંતર્ગત ભાગ બનાવી રાખવાનું સરદાર પટેલનું સ્વપ્ન એમની હયાતી દરમિયાન જ સાકાર થઇ ગયું પરંતુ ભાગલાની સ્વીકૃતિ બાબતે કૉંગ્રેસ મોટે ભાગે એવું ઔચિત્ય રજૂ કરે છે કે વિભાજન અનિવાર્ય હતું, પરંતુ નિષ્પક્ષ વિશ્ર્લેષણની કસોટીઓ આ સ્પષ્ટીકરણ કેટલું ખરું ઉતરે છે ?
20 ફેબ્રુઆરી, 1947ના દિવસે બ્રિટિશ સરકારે પહેલી વાર એક નિવેદનમાં ભારત છોડવાનો સંકેત આપ્યો હતો. તેમણે નિશ્ચિત તિથિ પણ નક્કી કરી હતી – જૂન 1948 સુધી અથવા તે પહેલાં બ્રિટિશ નીતિમાં સ્પષ્ટ રીતે એક નાટકીય પરિવર્તન આવી ગયું હતું. હવે તેમણે હિન્દુ અને મુસલમાન બંનેને સ્વીકાર્ય એવો રાગ આલાપવાનું છોડી દીધું હતું. સંબંધિત પક્ષો વચ્ચે કોઈ સમજૂતી થાય કે ન થાય પણ તેમણે ભારત છોડવાનું નક્કી કરી લીધું હતું.
|ક્રમશઃ|
– ©કિશોર મકવાણા